રમતગમત

IPLમાં ઈતિહાસ સર્જાયો : સ્ટાર્કને રૂ. 24.75 કરોડનો જેકપોટ

  • કમિન્સના રૂ. 20.50 કરોડના ઓલટાઈમ રેકોર્ડને સ્ટાર્કે એક કલાકમાં જ તોડયો !
  • સ્ટાર્કને કોલકાતાએ અને કમિન્સને હૈદ્રાબાદે રેકોર્ડ કિંમતે ખરીદતા ક્રિકેટ જગત જ નહીં આ બે ખેલાડીઓ પણ સ્તબ્ધ
  • ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓનું બજાર તેજીમાં રહ્યું : છ ખેલાડીઓ માટે રૂ. 10 કરોડ કે વધુની બોલી લગાવાઈ જેમાંથી એક જ ભારતીય

ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ ચેમ્પિયન ટીમના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કને કોલકાતા નાઈટ રાઈડર્સે દુબઈમાં યોજાયેલી હરાજીમાં રેકોર્ડ રૂપિયા ૨૪.૭૫ કરોડની બોલી લગાવીને ખરીદતાં ઈતિહાસ રચાયો હતો. આ સાથે સ્ટાર્ક આઇપીએલના ૧૬ વર્ષના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો હતો. સ્ટાર્કે તેના ઓસ્ટ્રેલિયન કેપ્ટન કમિન્સે માંડ એક કલાક પહેલા નોંધાવેલો સૌથી મોંઘા આઇપીએલ પ્લેયર તરીકેનો રેકોર્ડ તોડયો હતો. કમિન્સને હૈદરાબાદે ૨૦.૫૦ કરોડની બોલી લગાવીને કરારબદ્ધ કર્યો હતો. દુબઈમાં યોજાયેલી હરાજીમાં બબ્બે વખત આઇપીએલના ઓલટાઈમ સૌથી મોંઘા ખેલાડીનો રેકોર્ડ તૂટયો હતો.

આઇપીએલ-૨૦૨૪ અગાઉની મિની હરાજીમાં કુલ છખેલાડીઓ માટે રૂપિયા ૧૦ કરોડ કે તેથી વધુની બોલી લગાવવામાં આવી હતી.સ્ટાર્ક-કમિન્સ અગાઉ અગાઉ આઇપીએલના સૌથી મોંઘા ખેલાડીનો રેકોર્ડ ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કરનના નામે હતો, જેને પંજાબ કિંગ્સે ૨૦૨૩ની સિઝન માટેની હરાજીમાં ૧૮.૫૦ કરોડમાં ખરીદ્યો હતો.

ન્યુઝીલેન્ડના ઓલરાઉન્ડર ડેરૈલ મિચેલને ચેન્નાઈ સુપર કિંગ્સે રેકોર્ડ ૧૪ કરોડ રૂપિયાની બોલી લગાવીને કરારબદ્ધ કર્યો હતો. તે આઇપીએલની આ હરાજીના સૌથી મોંઘા ખેલાડીઓમાં ત્રીજા ક્રમે રહ્યો હતો. ફાસ્ટ બોલર હર્ષલ પટેલ માટે પંજાબ કિંગ્સે રૂપિયા ૧૧.૭૫ કરોડની સૌથી ઊંચી બોલી લગાવી હતી. વિન્ડિઝના ફાસ્ટર અલઝારી જોસેફને રોયલ ચેલેન્જર્સ બેંગાલુરુએ રૂપિયા ૧૧.૫૦ કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.  જ્યારે ઓસ્ટ્રેલિયાના ઓછા જાણીતા લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર સ્પેન્સન જોહ્ન્સન માટે પણ ફ્રેન્ચાઈઝીઓમાં ભારે રસપ્રદ જંગ જામ્યો હતો. સ્પેન્સન માત્ર ૫૦ લાખની બેઝ પ્રાઈઝથી આખરે ૧૦ કરોડ રૂપિયા પર પહોંચવામાં સફળ રહ્યો હતો. તેને ગુજરાત ટાઈટન્સે કરારબદ્ધ કર્યો હતો.

આઈપીએલની હરાજીમાં ઓસ્ટ્રેલિયા છવાયેલું રહ્યું કેમ કે સ્ટાર્ક, કમિન્સ ઉપરાંત ટ્રાવિસ હેડને પણ રૂ. ૬.૮૦ કરોડ મળશે. જોકે ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્ક, કમિન્સ પછી ત્રીજુ આશ્ચર્ય ક્રિકેટ વિશ્વ માટે પ્રમાણમાં અજાણ્યા પણ ઓસ્ટ્રેલિયાની બીગ બેશ લીગમાં સારા સ્ટ્રાઈક રેટથી રમતા સ્પેન્સર જોહન્સને સર્જ્યુ હતું. જોકે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર હેઝલવુડ અને બેટ્સમેન સ્ટિવ સ્મિથને ખરીદનાર કોઈ ટીમ તૈયાર નહોતી થઈ ખાસ કરીને હેઝલવુડ માટે રંજ થાય. ભારતના ક્રિકેટરો કરતા ઓવરઓલ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના ક્રિકેટરોની બોલી ઉંચી લાગી.

ન્યુઝીલેન્ડનો રચિન રવીન્દ્ર વન ડેના વર્લ્ડકપ પછી આજની હરાજીમાં સૌથી વધુ ડિમાન્ડમાં રહેશે તેમ લાગતું હતું પણ તેના ધરખમ ફોર્મ અને ઓલરાઉન્ડ ક્ષમતા આગવી રહી છતાં તેને ધાર્યા કરતા ઘણી ઓછી રકમ મળી હતી, તેવી જ રીતે મનિષ પાંડે માંડ પ્રથમ વખત અનસોલ્ડ રહ્યા બાદ આખરે રીપીટમાં થોડી રકમ મેળવી શક્યો હતો.

ભારતનાં ઘરઆંગણનાં ક્રિકેટમાં સતત કેટલીક સીઝનથી જોરદાર ફોર્મ બતાવનાર સરફરાઝ ખાન પણ અનસોલ્ડ રહ્યો હતો.

આજે ૧૦ ફ્રેન્ચાઈઝીઓએ ટોપ ૧૦ ખેલાડીઓ માટે કુલ રૂ. ૧૨૩.૭૦ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.

ઓસ્ટ્રેલિયાથી સ્ટાર્ક અને કમિન્સે પ્રતિભાવ આપ્યો હતો કે અમને પોતાને અમારી આ હદે કિંમત ઉપજી તેથી સુખદ આશ્ચર્ય થાય છે. બંને બોલર્સ યુવા પણ નથી. સ્ટાર્ક તો ૨૦૧૫ પછી આઈપીએલ રમ્યો નથી. કમિન્સે ઓસ્ટ્રેલિયા તરફથી ક્રિકેટ રમવા આઈપીએલને અગાઉ છોડયું હતું. સ્ટાર્કે કહ્યું હતું કે આ રીતની રેકોર્ડ ખરીદીથી તે ખૂબ જ જવાબદારી અને દબાણ અનુભવશે સાથી ખેલાડીઓ ડબલ પાર્ટી માંગશે તેમ ઉમેર્યું હતું.

આઇપીએલના વિજેતા કરતાં સ્ટાર્ક-કમિન્સને વધુ કમાણી!

સ્ટાર્ક માટે કોલકાતા નાઈટ રાઈડર્સે રૂપિયા ૨૪.૭૫ કરોડ અને કમિન્સ સામે સનરાઈઝર્સ હૈદરાબાદે રૂપિયા ૨૦.૫૦ કરોડની જંગી રકમની બોલી લગાવી હતી. આ બંને ખેલાડીઓને ફ્રેન્ચાઈઝી દ્વારા જે રકમ ચૂકવાશે તે આઇપીએલના ચેમ્પિયનને મળનારી ઈનામી રકમ કરતાં પણ વધુ છે. આઇપીએલ-૨૦૨૩માં ચેમ્પિયન બનેલી ચેન્નાઈ સુપર કિંગ્સને રૂપિયા ૨૦ કરોડનું રોકડ ઈનામ આપવામાં આવ્યું હતુ. જ્યારે રનરઅપ ગુજરાત ટાઈટન્સને રૂપિયા ૧૩ કરોડ મળ્યા હતા.

સ્ટાર્કને એક બોલ ફેંકવાના રૂ. 7.5 લાખ મળશે !

આઇપીએલમાં કયા તર્ક સાથે ખેલાડીઓ ખરીદાય છે તે સમજાતું નથી. સ્ટાર્કને ઓલ ટાઇમ રેકોર્ડ રૂ. ૨૪.૭૫ કરોડમાં કોલકાતા નાઇટ રાડિર્સે ખરીદ્યો છે. આઇપીએલની એક મેચમાં બોલર વધુમાં વધુ ચાર ઓવર એટલે અમ્પાયરે ઓકે કરેલ ૨૪ બોલ જ ફેંકી શકે છે.

સ્ટાર્ક તમામ ગુ્રપ મેચમાં તેનો ફૂલ ક્વોટા બોલિંગ નાંખે તો તેનો એક બોલ કોલકાતાને રૂ. ૭.૫ લાખમાં પડશે. એટલે કે સ્ટાર્ક આટલી કમાણી કરશે. કમિન્સ પણ એક બોલના તેના કરતા થોડા જ ઓછા મેળવશે.

IPLના ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડીઓ

ખેલાડી

દેશ

ફ્રેન્ચાઈઝી

કિંમત (રૂ.)

સિઝન

મિચેલ સ્ટાર્ક

ઓસ્ટ્રેલિયા

કોલકાતા નાઈટ રાઈડર્સ

૨૪.૭૫ કરોડ

૨૦૨૪

પૅટ કમિન્સ

ઓસ્ટ્રેલિયા

સનરાઈઝર્સ હૈદરાબાદ

૨૦.૫૦ કરોડ

૨૦૨૪

સેમ કરન

ઈંગ્લેન્ડ

પંજાબ કિંગ્સ

૧૮.૫૦ કરોડ

૨૦૨૩

કેમેરોન ગ્રીન

ઓસ્ટ્રેલિયા

મુંબઈ ઈન્ડિયન્સ

૧૭.૫૦ કરોડ

૨૦૨૩

બૅન સ્ટોક્સ

ઈંગ્લેન્ડ

ચેન્નાઈ સુપર કિંગ્સ

૧૬.૨૫ કરોડ

૨૦૨૩

ક્રિસ મોરિસ

સા.આફ્રિકા

રાજસ્થાન રોયલ્સ

૧૬.૨૫ કરોડ

૨૦૨૧

નિકોલસ પૂરણ

વિન્ડિઝ

લખનઉ સુપર જાયન્ટ્સ

૧૬.૦૦ કરોડ

૨૦૨૩

યુવરાજ સિંઘ

ભારત

દિલ્હી ડેર ડેવિલ્સ

૧૬.૦૦ કરોડ

૨૦૧૫

પૅટ કમિન્સ

ઓસ્ટ્રેલિયા

કોલકાતા નાઈટ રાઈડર્સ

૧૫.૫૦ કરોડ

૨૦૨૦

ઈશાન કિશન

ભારત

મુંબઈ ઈન્ડિયન્સ

૧૫.૨૫ કરોડ

૨૦૨૨

* જે સિઝન માટે હરાજી હતી, તે દર્શાવેલી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button