ડાંગ

સરપંચ અને ગ્રામજનો દ્વારા આહવા-મહાલ થઈ સોનગઢ માર્ગને પહોળો કરવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

આહવા-મહાલ થઈ સોનગઢને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અવારનવાર સર્જાતા અકસ્માત બાબતે ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપી માર્ગ પહોળો ન કરવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે. આહવાથી ગાઢવી, જામલાપાડા થઈ સોનગઢ ને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અવારનવાર અકસ્માતોની હારમાળા સર્જાતી હોય ગ્રામજનો દ્વારા માર્ગ પહોળો બનાવવા અનેક મૌખિક લેખિત રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા કામગીરી હાથ ન ધરતા લોકોમાં આક્રોશ ફેલાયો છે.

શનિવારે આવલ્યામાળ ગામના 23 વર્ષીય બાઇકચાલકને બેફામ દોડતા હાઇવા ડમ્પરે અડફેટે લઈ મોત નિપજાવતા સનસનાટી મચી ગઇ હતી. સોમવારે આહવા સોનગઢ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવતા ચાર ગ્રામ પંચાયતના સરપંચો અને ગ્રામજનો દ્વારા આહવાથી મહાલ થઈ સોનગઢને જોડતો આ માર્ગને સત્વરે પહોળો કરવા અને બેફામ દોડતા ભારે વાહનો પર પ્રતિબંધ મુકવા રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

આવેદનપત્રમાં જણાવ્યું છે કે માર્ગને વહેલો પહોળો કામગીરી નહીં કરાય તો ઉગ્ર આંદોલન કરવાની ગ્રામજનોની ફરજ પડશે અને તેની તમામ જવાબદારી તંત્રની રહેશે. અત્રે ઉલ્લેખનીય છેકે આહવાથી સોનગઢને જોડતો આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પૂર્ણાં અભ્યારણ્ય વિસ્તારમાં પસાર થતો હોય રિઝર્વ જંગલની વન વિભાગ દ્વારા ભોપાલથી પરવાનગી લેવી પડે છે. અલબત્ત આહવા-સોનગઢ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઇક્કો ટુરિઝમ મહાલ કેમ્પ સાઇટ આવેલી હોય પ્રવાસીઓની ભીડ ઉમટી પડે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button