દેશ

આજનો દિવસ: કારગિલ વિજય દિવસ; એ ૨૪ વર્ષ પહેલા, એ રાતે જેણે માથું ઊંચું કર્યું એ શહીદ થઈ ગયા’

સૈનિકોના ખોફનાક અનુભવો: ‘ખાવાનું ન મળતું તો પેશાબ પીને લડાઈ ચાલુ રાખતા’,

યુદ્ધમાં હાથમાં જીવ લઈને સંઘર્ષને વર્ણવતા આ શબ્દો છે રાજકોટના આર્મીમેન લાલજીભાઇ મોહનભાઇ પટેલના… જેમણે કારગિલ યુદ્ધ દરમિયાન ૩ મહિના સુધી  સરહદ પર ફરજ બજાવી અને કારગિલ યુદ્ધમાં દુશ્મનોના એક એક પ્રહારનો ગોળીનો જવાબ ગોળીથી આપતા હતા. વાચક મિત્રો આપને યાદ હશે, ૧૯૯૯માં ૩ મેથી શરૂ થયેલું કારગિલ યુદ્ધ છેક ૨૬ જુલાઇએ સમાપ્ત થયું હતું. જેમાં પાકિસ્તાનને કારગિલના આખરી શિખર પરથી નીચે પછાડીને ભારતીય જવાનોએ જીતનો તિરંગો લહેરાવ્યો હતો. કારગિલ યુદ્ધમાં ભારતની જીતના એ યશસ્વી પરાક્રમને ૨૪ વર્ષ પૂરાં થવા જઈ રહ્યાં છે ત્યારે કારગિલ યુદ્ધના આ હીરોની મુલાકાતની કેટલીક વાતોમાની અહી દર્શાવામાં આવી છે.  આ વાતોમાં તેમણે કારગિલ યુદ્ધ વેળા ભારતીય સૈનિકોનાં સાહસ, પરાક્રમ અને સંઘર્ષની એવી અનેક વણસાંભળેલી વાતો કહી, જે સાંભળીને આપણાં રુવાંડાં ખડાં થઇ જાય, ક્યાંક આપણી આંખો ભીની થઇ જાય, પરંતુ દરેક ઠેકાણે આપણા સૈનિકોની બહાદુરી પર માન થયા વિના રહે નહીં. ચાલો, આપણે એમની પાસેથી જ સાંભળીએ એ શૌર્યગાથા કહાની…

જે કારગિલ યુદ્ધના હીરો રહ્યા એ લાલજીભાઈ હાલ રેલવે વિભાગમાં કાર્યરત
પોતાની સૈનિક કરિયરથી આજ સુધીની જર્ની આપણી સાથે કહેતા લાલજીભાઇ જણાવે છે કે, ‘૧૯૮૪માં મારું પહેલું પોસ્ટિંગ સિઆચીનમાં થયેલું. ત્યાં ૨ વર્ષ ફરજ બજાવ્યા બાદ અમારું પોસ્ટિંગ મેરઠ થયું. ત્યાંથી અમે ઝાંસી ગયા. બાદમાં ૧૯૯૯માં અમે અંબાલા આવ્યા. જ્યારે અમે અંબાલામાં હતા ત્યારે જ કારગિલ યુદ્ધની શરૂઆત થઈ. ૩ મહિના સુધી કારગિલ યુદ્ધમાં લડ્યા. અને યુદ્ધ પછી મેં નિવૃત્તિ લઈ લીધી. અત્યારે હું રાજકોટમાં રેલવે વિભાગમાં ફરજ બજાવી રહ્યો છું.’

‘હથિયાર તૈયાર કરો, અમે ટ્રક મોકલીએ છીએ, કારગિલ પહોંચવાનું છે’ એવો અચાનક ફોન આવતા સૈનિકોનાં હોશ ઉડયા…
કારગિલ યુદ્ધની વણસંભળાયેલી વાતો જાણવા અમે જ્યારે એક્સ આર્મીમેન અને કારગિલ યુદ્ધના યોદ્ધા એવા લાલજીભાઈને પૂછ્યું કે, ‘કારગિલમાં યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે એની જાણ તમને કઈ રીતે થઈ?’ આ સવાલને સાંભળતાં જ એકદમ ગંભીર થઈને, એ દિવસોને યાદ કરતાં લાલજીભાઈએ કહ્યું, ‘અમે અંબાલામાં સરહદ પર હતા અને અચાનક એક દિવસ દિલ્હીથી ફોન આવ્યો… અમારા કમાન્ડિંગ કર્નલ પી. રંજનને દિલ્હી બોલાવવામાં આવ્યા. રંજન સાહેબ હજુ ત્યાં પહોંચ્યા અને વાતચીત કરી, ત્યાં તરત જ અમને ફોન આવ્યો કે, ‘તમે તાત્કાલિક ધોરણે તમારાં બધાં હથિયારો તૈયાર કરો, અહીંથી અમે સિવિલ ટ્રક મોકલીએ છીએ, તમારે કારગિલ આવવાનું છે.’- જેવો અમને આદેશ મળ્યો કે તરત જ અમે હથિયારોની તૈયારી શરૂ કરી દીધી અને સિવિલ ટ્રકમાં રોડથી કારગિલ પહોંચ્યા. અમારી ટુકડી બોફોર્સ ગન હેન્ડલ કરતી હતી. અમે પહોંચ્યા એ પહેલાં ત્યાં બોફોર્સ ગન હતી જ નહીં. કારગિલ પર બોફોર્સ ગન સાથે પહોંચનાર સૌ પ્રથમ અમારી ટુકડી હતી…’

પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના વિમાન પર ફાયરિંગ શરૂ થયું…
લાલજીભાઈ વાતનો આગળ વધારતાં કહે છે, ‘શરૂઆતમાં જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે એરફોર્સ યુદ્ધમાં સમાવેશ નહોતું. અમે કારગિલ પહોંચ્યા અને પરિસ્થિતિને જાણી એટલે સરકારને વિનંતી પણ કરી કે, ‘તમે એરફોર્સની મદદ મોકલો. એરફોર્સ વિના યુદ્ધ અઘરું થતું જાય છે; તેમ છતાં તે વખતે એરફોર્સની મદદ ન મળી. કેમ કે, સરકારને એમ હતું કે, એરફોર્સ વિના પણ યુદ્ધ આપણી તરફેણમાં જ છે. એ જ અરસામાં ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવવા તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી આવ્યા. પરંતુ જેવું એમનું વિમાન યુદ્ધક્ષેત્રમાં આવ્યું એટલે તરત જ પાકિસ્તાની સૈનિકોએ હવામાં ફાયરિંગ શરૂ કરી દીધું અને વાજપેયીના  વિમાનને લેન્ડ થવા જ ન દીધું. આ ઘટનાથી એમને ગંભીર ઝટકો લાગ્યો અને દિલ્હી પહોંચીને તરત જ એરફોર્સને યુદ્ધમાં મોકલવાની પરવાનગી આપી.’

બોફોર્સ ગનની બટાલિયન 4 વિભાગમાં ૬૦૦ સૈનિકો સાથે વહેંચાયેલી હતી… 
લાલજીભાઈ ફરજ દરમિયાન બટાલિયનમાં પોતાની કામગીરી વિશે વાત કરતાં કહે છે, ‘અમારી બટાલિયનનું નામ ‘૧૦૮ મીડિયમ બટાલિયન’ હતું. જેમાં ૬૦૦ સૈનિકો ૪  વિભાગમાં વહેંચાયેલા હોય છે. આ ચાર વિભાગોની વાત કરીએ તો હેડ ક્વાર્ટર, પાપા,  ક્યુબિક, અને રોમિયો હતા. હું હેડ ક્વાર્ટર વિભાગમાં કમાન્ડિંગ ઓફિસરનો ઑપરેટર હતો. જે કોઈ પણ આદેશ મળે એ મને મળે, મારી પાસેથી હું અમારા ઉપરી અધિકારીને આપું અને એ તમામને ગાઈડ કરે.’

બોફોર્સ ગન ૭ કિલોમીટર સુધીના ટાર્ગેટને બ્લાસ્ટ કરતી હતી… 
જેના પર આજે પણ ખૂબ જ રાજનીતિ થતી આવી છે અને જેની ખરીદી ખૂબ જ ચર્ચાસ્પદ બની હતી તેવી ‘બોફોર્સ’ની ખાસિયત વિશે વાત કરતાં લાલજીભાઇ જણાવે છે કે, ‘રાજીવ ગાંધીએ જ્યારે બોફોર્સ ગનની ખરીદી કરી ત્યારે તે ફક્ત એક જ યુનિટ માટે ખરીદવામાં આવી હતી. એ યુનિટમાં મારો સમાવેશ થતો હતો. જેવી ગન આવી એટલે ૧૯૮૪માં પોખરણમાં અમને એ ચલાવવા માટે ટ્રેનિંગ આપવામાં આવી… બોફોર્સ ગનમાં મારો રોલ હતો ‘ઑપરેટર વાયરલેસ’નો… કારગિલમાં બોફોર્સ ગનનો રોલ ખૂબ જ મહત્ત્વનો હતો. ઉપર હાઇટ પર અમારો એક જવાન નિશાન નક્કી કરે, અને નીચે ગ્રાઉન્ડ પર ગન હોય, જેમાંથી ફાયરિંગ થાય. મતલબ જો તમારે કોઈ પર્વતની પેલે પાર ફાયરિંગ કરવું હોય તો તમારે એ મુજબ ડિગ્રી સેટ કરવી પડે. ત્યાર બાદ અહીંથી ફાયર કરો એટલે પર્વતની બીજી તરફ એ નિશાના પર જઈને જ બ્લાસ્ટ થાય. બોફોર્સ ગનની લિમિટ ૭ કિલોમીટર સુધીની હતી. એટલે કે, ૭ કિ.મી. સુધીના દૂરના ટાર્ગેટને અમે બ્લાસ્ટ કરી શકતા હતા…’

‘જમવાનું ક્યારેક ન મળે તો અમે ‘પેશાબ’ પીને દિવસ પસાર કરતા હતા’
યુદ્ધના સમયે સૈનિકોનાં દિલ-દિમાગમાં માત્ર એક ઝનૂન સવાર હોય છે. ‘દુશ્મનોનો કોઈ પણ ભોગે ખાતમો’… ત્યારે સૈનિકોને બીજો કશો વિચાર આવતો જ નથી. ત્યાં સુધી કે, જમવાનું પણ મળે કે ન મળે… તો એ બધી બાબતો સૈનિકો માટે ગૌણ બની જતી હોય છે. ત્યારે કારગિલ યુદ્ધ વેળાના કપરા સંઘર્ષના દિવસો વિશે વાત કરતાં લાલજીભાઇ જણાવે છે કે, ‘અમે જ્યારે બોર્ડર પર હતા ત્યારે અમારા હેલિકોપ્ટર દ્વારા અમને ફૂડ પહોંચાડવામાં આવતું. હવે એમાં જો હવામાં ફંગોળાયેલું કોઈ પેકેટ હાથમાં આવે તો ખાવા મળે, નહિતર ઉપવાસ… ઘણી વાર તો એવું બનતું કે ૧ થી ૨ દિવસ સુધી કંઈ ન મળતું. તમે કેટલો ટાઈમ સુધી સળંગ ભૂખ્યા રહી શકો? એટલે છેલ્લે કોઈ રસ્તો ન મળતાં અમે અમારા પેશાબ પીને પણ દિવસો કાઢ્યા હતા. જોકે, એ સમયે અમારા માટે સૂવા-જમવાનું બધું ગૌણ હતું, ફક્ત દુશ્મનોને મારવા એ જ અમારું મુખ્ય લક્ષ્ય મનમાં હતું.’

શહીદોને ઓળખવા માટે વિભાગ ઊભો કરવામાં આવ્યો હતો
એક નાનકડી સ્કૂલ હોય તો પણ તેના પ્રિન્સિપાલ આખી સ્કૂલના તમામ વિદ્યાર્થીઓને ઓળખી શકતા નથી. જ્યારે કારગિલ યુદ્ધમાં તો હજારો સૈનિકો હતા. એ તમામની ઓળખાણ કઈ રીતે થતી હશે? ભૂતપૂર્વ કારગિલ યોદ્ધા લાલજીભાઈ પટેલ આ વરવી વાસ્તવિકતા વર્ણવતા આકરા સવાલનો પણ જવાબ આપતાં કહે છે, ‘જ્યારે કોઈ પણ સૈનિક શહીદ થાય તો એમની ઓળખ મેળવવા માટે નીચે એક આખો વિભાગ બનાવવામાં આવ્યો હતો. નીચે માહિતી રાખવામાં આવતી કે, કઈ કઈ બટાલિયન ઉપર ગઈ છે… જ્યારે કોઈ શહીદ થાય એટલે તરત જ એમના પાર્થિવ દેહને હેલિકોપ્ટર દ્વારા નીચે લાવવામાં આવે, નીચે આવે એટલે તપાસ કરવામાં આવે કે, એ કયા યુનિટનો સૈનિક છે? કયા એરિયાનો રહેવાસી છે? અને એમના રાજ્યના કોઈ સૈનિક દ્વારા એમને ઘરે મોકલવામાં આવે. હું પોતે પણ અમદાવાદના એક શહીદ સૈનિકના દેહને એમના પરિવારને સોંપવા આવ્યો હતો.’

દુશ્મન દેશના સૈનિકોના મૃતદેહો ઉઠાવવા પણ કોઈ આવતું ન હતું… 
ભારતીય શહીદોને આ રીતે પહાડ પરના યુદ્ધક્ષેત્ર પરથી નીચે લાવવામાં આવતા અને બાદમાં તેમને માનભેર ઘરે મોકલવામાં આવતા. ભારતીય સૈન્ય તરફી આ વ્યવસ્થા જાણ્યા બાદ અમે સહજતાથી પૂછી લીધું કે, ‘તો પછી પાકિસ્તાની સૈનિકો માટે પણ એવી જ વ્યવસ્થા હશે ને?’ લાલજીભાઇ તરત જ બોલી ઊઠ્યા…, ‘ના, બિલકુલ નહીં, એમની તો કોઈ ભાળ લેવા પણ આવતું ન હતું,’ આ બાબત પર વધુ ખુલાસો કરતાં લાલજીભાઈ કહે છે. ‘અમે જે પાકિસ્તાનીઓને પકડ્યા હતા, એમણે જ અમને કહ્યું હતું કે, ‘અમારા ઘરે જેને ૨ બાળકો હોય, ત્યાં આર્મીવાળા આવે અને એમને આતંકવાદી બનાવીને અહીં પહાડો પર લડવા મોકલી દે છે’- આવી પરિસ્થિતિ હતી ત્યાં પાકિસ્તાનમાં.

ડ્રાઇવરની ભૂલથી ઇન્ડિકેટર ચાલુ થયું અને અમારી કાર વીંધાઈ ગઈ
લાલજીભાઈ આપણને કારગિલ વોરના એ ભયાનક દિવસોનો યાદ કરાવતાં કહે છે. ‘૩ મહિના ચાલેલા એ યુદ્ધમાં કમનસીબે આપણા ઘણા સૈનિકો શહીદ થયા હતા, તો ઘણાએ પોતાનાં અંગો ગુમાવવા પડ્યાં હતાં. મને યાદ છે એ કારમી રાત… યુદ્ધ રાતે જ થતું અને દિવસે આરામ રહેતો. તો એ રાતે અમે પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા. કોઈ ભાળે નહીં અને પેટ્રોલિંગ થઈ શકે અને આગળ વધી શકાય એ માટે અમે રાતે નીકળ્યા. પરંતુ પેટ્રોલિંગ દરમિયાન ભૂલથી અમારા ડ્રાઇવરનો હાથ ઇન્ડિકેટર પર અડી ગયો. અને જેવી થોડી અમથી પણ લાઇટ થઈ કે તરત જ પાકિસ્તાન તરફથી ફાયરિંગ થવાનું શરૂ થઈ ગયું. અને અમારી આખી જીપ આરપાર વીંધાઈ ગઈ. અમે બધા જિપમાં જ નીચે સૂઈ ગયા, અમે બચ્યા પણ ઉપરથી તો આખી જીપ ચિરાઈ જ ગઈ. એ દિવસે અમારો જીવ માંડ માંડ બચ્યો હતો.’

સંદેશાનો દોર ચાલુ થયો… 
આપણા પરિવારમાંથી જો કોઈ ૧-૨ દિવસ માટે પણ બહાર ગયું હોય તો પણ આપણે એમને રોજ ફોન કરતા હોઈએ. પણ સૈનિકોને તો ૬-૬ મહિનાઓ સુધી ઘરે જવા મળે કે ન મળે અને ઉપરથી એ વખતે યુદ્ધ ચાલુ… ત્યારે તો ફોન પણ નહોતા. તો બધા સૈનિકો પોતાના ઘરે પત્રોથી જ વ્યવહાર કરતા. એ દિવસો યાદ કરતાં લાલજીભાઇ જણાવે છે કે, ‘ત્યારે ક્યાં ફોન કે એવું કંઈ હતું! ઘરે વાત કરવી હોય તો પત્રો જ લખવા પડે. અમને આર્મીની સ્પેશિયલ ટપાલો આપવામાં આવતી. એ ટપાલ પર લખી અમે ઘરે પત્રો મોકલતા. જે માંડ ૧૫ દિવસે તો ઘરે પહોંચે, ઘરે બધા વાંચે અને લખી ફરી મોકલે અને અમારી પાસે પહોંચે એમાં બીજા ૧૫ દિવસ થાય. એક મહિને તો વાતચીતનો એક દૌર થતો.’- લાલજીભાઈના મુખે આ વાત સાંભળી અમે સ્વભાવિકપણે પૂછી લીધું કે, ‘મોતના મુખ વચ્ચે બેસીને શું લખતા હતા તમે?’ લાલજીભાઇ કહે, ‘હવે એ પરિસ્થિતિમાં ક્યાં સુધી કોણ જીવતું રહે એ કોઈને પણ ક્યાં ખબર હતી? એટલે અમે ચોખ્ખું જ લખતા કે, ‘અત્યારે તો અમે સહીસલામત છીએ, પણ અહીં પરિસ્થિતિ બહુ ખરાબ છે, અમારી પરત આવવાની રાહ ન જોતાં. અમે પાછા આવીએ તો આવીએ, નહિતર કંઈ નહીં… તમે તમારી રીતે જીવજો..’ કેમ કે એવી પરિસ્થિતિમાં તો કોને ખબર કે ક્યાં સુધી કોણ જીવવાનું એ. પણ જો કોઈ તાત્કાલિક પ્રશ્નો આવે તો તાર કરતા. ઘરેથી તાર કર્યો હોય તો એ તાત્કાલિક અમારી છાવણીમાં મળી જાય અને એ અમને સંદેશો મળી જાય. ત્યારે હજુ નવા નવા ટેલિફોન આવ્યા હતા. ક્યારેક સિટીમાં ગયા હોય અને મોકો મળે તો અમને ફોન કરે. હું આર્મીમાં હતો ત્યારે નોકરીના સમગ્ર ગાળા દરમિયાન ફક્ત ૨ વખત મારે ટેલિફોન ઉપર ઘરે વાત થઈ હતી.’

આ વાત થઈ કારગિલ વોરના હીરો લાલજીભાઈ પટેલની… હવે વાત આવા જ બીજા એક સૈનિક એન. પી. રાવલની તેમણે પણ કારગિલ યુદ્ધમાં હિસ્સો લઈને ગુજરાતનું તથા દેશનું નામ રોશન કર્યું હતું. જ્યારે કારગિલનું યુદ્ધ શરૂ થયું ત્યારે હજુ એમનાં તાજાં તાજાં લગ્ન થયાં હતાં. લગ્ન બાદ તેઓ કાશ્મીરમાં ગયા તો ખરા, પણ હનીમૂન માટે નહીં, પાકિસ્તાનીઓ સાથે યુદ્ધ લડવા માટે… તો ચલો, એમની પાસેથી પણ સાંભળીએ કારગિલ યુદ્ધની શૌર્યગાથા…

મેરેજ પછી કાશ્મીર તો જવાનું થયું પણ હનીમૂન માટે નહીં…
કારગિલ વોરના હીરો એન.પી. રાવલ એ યુદ્ધની શરૂઆતની ક્ષણો યાદ કરતાં જણાવે છે કે, ‘ત્યારે હું રજા પર હતો. મારાં લગ્ન હજુ થયાં જ હતાં, ત્યાં એક દિવસ અચાનક વોરંટ આવ્યું. એટલે હું પોલીસ સ્ટેશને ગયો અને મારે વોર માટે રવાના થવાનું હતું.’ આટલું સાંભળતા જ અમે આશ્ચર્ય સાથે પૂછી લીધું કે, ‘કેમ પોલીસ સ્ટેશને? તમે તો આર્મીમાં હતા ને?’ તો નિયમો વિશે સમજાવતાં રાવલભાઈએ કહ્યું કે, ‘અમને જ્યારે આર્મીમાં હાજર થવાનું ફરમાન આવે, એનું પોલીસ સ્ટેશને વોરંટ આવે. અમારે પોલીસ સ્ટેશને જવાનું અને એ વોરંટ પર સહી કરવાની. સહી કર્યાના 24 કલાકમાં અમારે ઘર છોડી દેવું પડે. જો ન છોડો તો ગુનેગાર ગણાઈએ.’- ફરી એ વાત પર આવતાં રાવલભાઈ કહે છે, ‘મારું ગામ મોરબી પાસેનું ટંકારા. તો ત્યાં આખા ગામમાં મારું સન્માન કરવામાં આવ્યું, તમામ ધર્મના લોકોએ મારું સન્માન કર્યું. હિન્દુ-મુસ્લિમ-શીખ દરેકનો એક જ નારો હતો, પાકિસ્તાનીઓનો ખાતમો કરીને આવજો.’

સૈનિકો કહેતા, ‘અમને રોટી નહીં, પરમિશન આપો’
યુદ્ધના માહોલની અને સૈનિકોના પરાક્રમોની વાત સાંભળીને આપણને ઘણીવાર ઝનૂન ચડી જાય છે, તો જે સૈનિકો આ જીવ સટોસટોસટના જંગમાં વ્યસ્ત હોય છે તેમનો મિજાજ તે ક્ષણે કેવો હશે? આ સવાલના જવાબમાં કારગિલ યોદ્ધા એન.પી. રાવલ વાત કરતાં કહે છે કે, ‘ત્યારે બધા સૈનિકોમાં જુસ્સો, ગુસ્સો અને ભરપૂર જોશ હતા. આપણા બધા સૈનિકો પાકિસ્તાની સૈનિકોને મારવા માટે તલપાપડ થતા હતા. અમે સરકારને ફક્ત એટલું જ કહેતા કે, તમે અમને થોડું ઓછું જમવાનું આપશો તો ચાલશે. અમે પાકિસ્તાનીઓની જમીન કબજે કરીને પેટ ભરી લઈશું. ‘રોટી નહીં આપો તો ચાલશે, પણ પરમિશન આપો’. પણ સંજોગોવશાત્ અને થોડી આપણી વિદેશનીતિના કારણે આગળ જવાની એટલી પરમિશન નહોતી મળતી.’

હાથ મિલાવતી વખતે પાકિસ્તાની સૈનિકનો હાથ તોડી નાખ્યો… 
સૈનિકોના ઝનૂન વિશેની વાતચીત દરમિયાન રાવલભાઈએ એક રસપ્રદ અને થોડો રમૂજી કિસ્સો કહ્યો, ‘જોશ, ઝનૂન અને બહાદુરીની વાતો કરીએ છીએ તો મને એક કિસ્સો યાદ આવી ગયો. ૧૯૯૩માં જ્યારે મારું પોસ્ટિંગ કારગિલમાં હતું, ત્યારે એક વખત ચૂલી ચેકપોસ્ટ પર અમે ફ્લેગ મીટિંગ માટે ગયા હતા. જો તમારે કોઈ વાટાઘાટ કરવી હોય તો તમારે બંને બાજુથી સફેદ ઝંડો ફરકાવવાનો, એટલે એ ‘નો ફાયર એરિયા’ બની જાય. ત્યાં અમે વાટાઘાટ કરી શકીએ. અમે વાટાઘાટ માટે ગયા, આપણા તરફથી એક સરદારજી વાત કરવા માટે આગળ ગયા અને ઔપચારિકતા મુજબ શરૂઆતમાં પાકિસ્તાની સૈનિક સાથે હાથ મિલાવ્યો, પરંતુ સરદારજીએ હાથ મિલાવીને એટલો જોરથી ઝટકો માર્યો કે, પાકિસ્તાની સૈનિકનો હાથ કાંડા પાસેથી તૂટી ગયો… (આટલું બોલતાં જ રાવલભાઈ ખડખડાટ હસી પડ્યા.) એ સૈનિકને પાકિસ્તાની સૈન્ય અધિકારીઓ પરત તો લઈ ગયા, પરંતુ ત્યાર બાદ જે બીજો પાકિસ્તાની સૈનિક આવ્યો એણે તો હાથ જ ન મિલાવ્યો. અને અંતે એ લોકો બોલતા ગયા કે, ‘સારું છે તમારી સાથે અમે ગન અને તોપથી લડાઈ કરીએ છીએ… હાથપાઈથી નહીં…’

એક છેડેથી શરૂ થઈ અડધા કિલોમીટર સુધી બ્લાસ્ટ થતા
આર્મીમાં દરેક સૈનિકને પોતાનાં હથિયારો નક્કી હોય, એમને એ જ ચલાવવાનાં હોય. એવી જ રીતે યુદ્ધ વખતે રાવલભાઈ તોપ ચલાવતા… એ વખતનો એક કિસ્સો યાદ કરતાં કહે છે કે, ‘અમારા તોપના બધા ગોળાઓ અમે એક બંકરમાં સાચવીને રાખતા હોઈએ. તોપ ખાલી થાય એટલે ત્યાંથી લઈ આવવાના. એક સાથે ૬ તોપમાંથી ફાયરિંગ થતું હોય. દરેક તોપ ૬ ગોળાઓ ફાયર કરે…એટલે જ્યારે ફાયરિંગ શરૂ થાય અને એનો પહેલો ગોળો જઈને પડે ત્યાંથી લઈને અડધા કિલોમીટર સુધી ૩૫ થી ૪૦ ગોળાઓ પડે અને બધો જ એરિયા બ્લાસ્ટ થઈ જાય. જ્યારે અમે ફાયરિંગ કરીએ ત્યારે એ લોકો બંકરમાં છુપાઈ ગયા હોય અને જ્યારે એ લોકો તોપ ફાયરિંગ કરે ત્યારે અમારે અંદર છુપાઈ જવું પડે. એક વખત ફાયરિંગ કરીને તરત જ એ જગ્યા બદલી નાખવી પડે. જો ત્યાં ને ત્યાં રહીએ તો અમે બ્લાસ્ટ થઈ જઈએ.’

બોર્ડર નજીકના સ્થાનિક લોકોએ અમારી ખૂબ મદદ કરી હતી…
યુદ્ધ વખતે સૈનિકો જાનની બાજી લગાવીને ઝઝૂમતા હોય છે… પરંતુ દેશ સામે આવેલી આવી આફતમાં સ્થાનિક લોકો પણ ઘણી મદદ કરતા હોય છે અને એ નાગરિકો તરફથી મળતી મદદ સૈનિકોના જુસ્સાને બેવડાવી દેતી હોય છે. એ વખતનો એક કિસ્સો યાદ કરતાં રાવલભાઈ જણાવે છે કે, ‘અમે વોર વખતે જ્યાં બોર્ડર પર હતા ત્યાં ચૂલી ગામ નજીક હતું. તો એ ગામમાંથી લોકો અમારા માટે જમવાનું લઈ આવતા, અમને બધી વસ્તુઓ પૂરી પાડતાં, એ બધું તો ઠીક… અમે જે તોપ બ્લાસ્ટ કરતા, એના માટે કંપનીમાંથી ગોળાઓ તો બનીને આવી જતાં, પણ અહીં આવ્યા બાદ એને ફોડતાં પહેલાં અમારે એને થોડા તૈયાર કરવા પડે. તો અમે એ સ્થાનિકોને શીખવાડી દીધું હતું, આથી એ લોકો અમને ગોળા તૈયાર કરવામાં ઘણી બધી મદદ કરતાં હતા અને અમને કહેતા કે, ‘સૈનિકો તમે ફાયરિંગ કરો, આ બધાં કામો અમે કરી લઈએ છીએ. એ મદદના કારણે અમારો ઘણો બધો સમય બચી જતો અને અમે વધુ ફાયરિંગ કરી શકતા.’

અમારે તો બોર્ડરની બંને બાજુ લડાઈ કરવાની… 
બોર્ડરની બંને બાજુ મતલબ? આપણા સૈનિકો સાથે પણ? રાવલભાઈ એની સ્પષ્ટતા કરતાં કહે છે, ‘ના, ના એવું નહીં, એ સમયે પાકિસ્તાની સૈનિકો નાગરિકના વેશમાં કાશ્મીરમાં ઘૂસીને સૈનિકો પર હુમલા કરતા… આથી અમારે તો બોર્ડરની બંને તરફ લડાઈ રહેતી. બોર્ડરની પેલે પાર દુશ્મનો અને આ પાર પણ એ વેશ બદલીને ઘૂસેલા દુશ્મનો. આવું જ એક વાર બન્યું હતું. અમને મેસેજ મળ્યો કે, ‘એક ઘૂસણખોર અંદર આવી ગયો છે, તમે બચીને રહેજો.’- હવે આ પછી અમને ભાળ પણ મળી ગઈ એટલે અમે શોધવાનું ચાલુ કર્યું અને એનાં પગલાંના કારણે એ ઘૂસણખોર પણ મળી ગયો. એક નદી હતી. એની એકદમ વચ્ચે એક પથ્થરની પાછળ સંતાયેલો હતો. અમે જેવા હજુ એને સરખી રીતે જોઈએ એ પહેલાં અમારી સાથે રહેલો હરિયાણાનો અમારો સાથી ‘નરેશ’ અને એે ઘૂસણખોર સામસામે આવી ગયા. એ ઘૂસણખોર એકે-૪૭  એના પગ પાસે રાખીને બેઠો હતો. એને પણ ખબર હતી કે, હવે મારું પૂરું જ છે. હું નરેશની પાછળ હતો. હું બહાર ઊભો હતો… કેમ કે, જો એ ભાગવાની કોશિશ કરે અથવા તો જો બીજું કોઈ આવે તો હું એને પકડી શકું. નરેશે અંદર જઈને સીધી જ એના માથા પર ગોળી મારી દીધી… એનું મગજ ફેઇલ થઈ ગયું અને ત્યાં જ એનો ખાત્મો થઈ ગયો.’

યુદ્ધ પૂરું થયા બાદ જીતની ખુશી કરતાં મિત્રો ગુમાવ્યાનું દુ:ખ વધારે હોય… 
વાતચીત દરમિયાન મને અચાનક સવાલ થયો કે, યુદ્ધ પૂરું થાય એ પછી તો સૈનિકોને મોટું વેકેશન મળતું હશે ને?, પાર્ટીઓ થતી હશે, કેટલો આનંદ હશે? આ સાંભળતાં જ રાવલભાઈ એકદમ ગંભીર થઈ ગયા. ‘હા, એ બધી ખુશી તો હોય જ છે, જીતનો આનંદ હોય છે, જશ્ન હોય છે, પાર્ટી થાય છે… પરંતુ એ સાથે જ અમને સૌથી વધુ દુ:ખ હોય છે અમારા સાથીઓ ગુમાવ્યાનું…. અમે જેમની સાથે લડવા ગયા હતા, એમાંથી એ લોકો પરત આવ્યા જ નહીં, જે અમારી સાથે હતા… અમારી નજર સામે અમારા સાથીઓનાં લોહી વહેતાં જોયાં છે અમે… જીતની ખુશી કરતાં એનું દુ:ખ વધારે હોય છે.’

યુદ્ધ પૂરું થાય પછી બધું સંકેલવામાં મહિનાઓ નીકળ્યા…
યુદ્ધ તો થયું પણ યુદ્ધ પછીની સ્થિતિ શું હતી? એ વિશે જણાવતા રાવલભાઈ કહે છે કે, ‘યુદ્ધ પૂરું થઈ ગયું અને હસ્તાક્ષર સહિત બધી કાર્યવાહી પૂરી થઈ, એ પછી બધી ગન, તોપો, વચ્ચે વચ્ચે બનાવેલાં બંકરો, અમે બિછાવેલી જાળ… એ બધું સંકેલવામાં અને પરિસ્થિતિ સામાન્ય થતાં લગભગ ૧ મહિના જેવો સમય લાગ્યો હતો. આપણે જેમ લગ્ન પૂરાં થયાં બાદ બધી વસ્તુઓનો હિસાબ કરીએ એ રીતે યુદ્ધ પૂરું થયા બાદ બધી ગન, તોપ, માણસો, સામેવાળા પાસેથી આપણે શું શીખ્યા, આપણી શું કમજોરી છે. એ બધાનો હિસાબ કરવાનો થાય. એ હિસાબ-કિતાબ કરતાં કરતાં એક મહિના જેટલો સમય લાગ્યો હતો.’

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button