માંડવી

માંડવી પંથકમાં ચોરોથી ખેડૂતો ત્રાહિમામ, પોલીસ ક્યારે લાવશે ખેડૂતોના પ્રશ્નનો અંત

માંડવીના દેવગઢ ગામમાં મોટર વાયરની ચોરી થતાં ખેડૂતો પરેશાન

માંડવી તાલુકાના દેવગઢ ગામે રાત્રિ દરમિયાન દીપડાના હુમલાની દહેશતથી ખેડૂતો ખેતરે જતા નથી. જેનો લાભ લઈને ચોરો દ્વારા રાત્રિ દરમિયાન મોટર વાયરની ચોરી થતાં ખેડુતોમાં ભયનો માહોલ સર્જાયો છે.

દેવગઢ ગામના ખેતરાલ વિસ્તારમાંથી 3 જેટલા ખેડૂતોના મોટર સાથે જોડેલ વાયરને કોઈ અજાણ્યા ઇસમો ઉપાડી ગયાની ઘટના બહાર આવી છે.

માંડવી તાલુકાના ગામોમાં દીપડાઓની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. જેથી કરીને ખેડૂતો રાત્રિ દરમિયાન ખેતરે જવાનું જોખમ કરતા નથી ત્યારે આ સંજોગોમાં ચોર ઈસમોએ ખેતરોમાંથી સાધન સામગ્રી ઉઠાવી જવાનું શરૂ કર્યું હોય એવી ઘટનાઓ બહાર આવી રહી છે. હાલમાં ઉનાળાની ઋતુ હોવાથી ઘાસચારા માટે મોટરનો ઉપયોગ વધુ કરવામાં આવતો હોય છે તેવા સંજોગોમાં જ દેવગઢ વિસ્તારમાંથી છગનભાઈ ચૌધરી અને વિજયભાઈ ચૌધરીને ત્યાં મોટરની ચોરી થઈ છે મોટરના વાયરની ચોરી થઈ જતાં ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે. ટૂંકી ખેતીમાં શાકભાજી તથા પશુધન માટે કરાતા ઘાસ ચારાને નુકસાન થવાની ભીતિ સેવાય રહી છે. ખેડૂતોએ નામ નહીં જાહેર કરવાની શરતોએ જણાવ્યું હતું કે ડીજીવિસીએલ કચેરીએ ધક્કા ખાઈને માંડ માંડ સિંચાઈની સુવિધા ઉભી કરી હતી, પરંતુ હવે વાયર ચોરાઈ જતા ખેડૂતો માટે નવી આફતના વાદળો ઘેરાયા છે ફરી પાછા વીજ કચેરીના ધક્કા સાથે વાયરો મેળવવાની નવી આફત જણાવી હતી. ખેડૂતોની ચિંતાનો વિષય એ છે કે ઘર ખેતરથી અંતર હોવાથી તથા દિપડાઓના હુમલાના ભયને કારણે રાત્રિ દરમિયાન ખેતરના આટા ફેરા કરવાનું શક્ય રહ્યું નથી જેથી આવા અસામાજિક તત્વો વધુ સક્રિય ન બને તે માટે યોગ્ય પગલા લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. લોકો કહી રહ્યા છે, કોણ છે અમારા રક્ષક? એક તરફ દીપડો અને બીજી તરફ ચોર; કેવી રીતે ખેતી કરશું? પોલીસ અને વન વિભાગ ક્યારે જાગશે?

Related Articles

Back to top button