માંગરોળ

આકસ્મિક બનાવમાં કંપની સંચાલકો પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લેતાં હોવાના કામદારોના આક્ષેપો સાથે નવાપરા GIDCમાં ફરી એકવાર કામદારો રસ્તા પર ઉતર્યા

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાની નવાપરા,પીપોદરા, બોરસરા જીઆઈડીસીમાં હાલ ફરી કામદારો રસ્તા પર ઉતરી રહ્યા છે. આજરોજ વધુ એકવાર માંગરોળ તાલુકાના નવાપરા જીઆઈડીસીમાં કામદારો રસ્તા પર ઉતર્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. કામદારો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે જ્યારે પણ કંપનીમાં કામ કરતી વેળાએ આકસ્મિક બનાવ બને ત્યારે કંપનીના સંચાલકો પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે.ત્યારે કંપનીના સંચાલકો કામદારોની જવાબદારી લે તેવી માગ કરી રહ્યા છે.

આ બબાલ કોઈ મોટું સ્વરૂપ ધારણ ન કરે તે માટે સુરત ગ્રામ્ય DYSP આર.આર સરવૈયા, જિલ્લા એલસીબી પીઆઈ આર.બી ભટોળ, SOG પીઆઈ બી.જી ઈશરાણી, ઓ.કે જાડેજા, એમ.કે સ્વામી, વી.આર ચોસલા, એલ.જી રાઠોડ,વિજય સેગલ સહિતના પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી GIDC રાબેતા મુજબ શરૂ કરી ઇન્ડસ્ટ્રીઝના સંચાલકો સાથે બેઠક યોજવા માટેની કવાયત હાથ ધરી હતી. ત્યારે સમયસર પહોંચેલ પોલીસના કારણે વાતાવરણ ડહોળાયું ન હતું.

થોડાં મહિના અગાઉ આ વિસ્તારમાં કામદારોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો

ઉલ્લેખનિય છે કે, થોડા મહિના અગાઉ માંગરોળ તાલુકાની પીપોદરા જીઆઈડીસીમાં કામદારના મોતની ખોટી અફવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં કામદારોએ હંગામો મચાવ્યો હતો અને જીઆઈડીસી બંધ કરાવી દીધી હતી. સ્થળ પર દોડી ગયેલ પોલીસ પર પણ પથ્થરમારો કરી સરકારી વાહનોમાં તોડફોડ કરી હતી. જેને લઇને વાતાવરણ તંગ બન્યું હતું. કામદારોના પથ્થરમારાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા.

Related Articles

Back to top button