માંડવી

માંડવીના અમલસાડી ગામે હળપતિ સેવા સંઘ બારડોલી સંચાલિત દુર્ગાદેવી સરાવગી ઉ.બુ.આશ્રમશાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ

સુરત જિલ્લાના માંડવી તાલુકાના અમલસાડી ગામે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિ અને છાંયડો ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઈ શાહની પ્રેરક ઉપસ્થિતિમાં હળપતિ સેવા સંઘ બારડોલી સંચાલિત શ્રીમતી દુર્ગાદેવી સરાવગી ઉત્તર બુનિયાદી આશ્રમશાળાના નવનિર્મિત મકાનનું દાતા ઓમપ્રકાશ સરાવગી હસ્તે લોકાર્પણ કરાયું હતું. સેવાભાવી દાતા ઓમપ્રકાશ સરાવગીના દાન થકી નિર્મિત થયેલા મકાનમાં ધો.09થી 12ના વિદ્યાર્થીઓ માટે આગવી અભ્યાસ સુવિધાઓ ઉપલબ્ધ બનશે.

શિક્ષણ એ માનવજીવનનું પહેલું પગથિયુ છે એમ જણાવતાં આદિજાતિ રાજ્યમંએ કહ્યું કે, શિક્ષણ જ માનવનો સર્વાંગી વિકાસ કરી વિદ્વાન, ચારિત્ર્યવાન અને બુદ્ધિમાન બનાવે છે. હું આ સંસ્થામાંથી જ શિક્ષણ મેળવી સન્માનનીય સ્થાને પહોંચ્યો છું. સંસ્થાના સ્થાપક સ્વ.અરવિંદભાઈ દેસાઈને યાદ કરીને તેઓના પ્રયાસોને કારણે હજારો ગરીબ આદિવાસી, હળપતિ બાળકો શિક્ષણ મેળવી શકયા છે. છેવાડાનાં આદિવાસી વિસ્તારમાં રહેતાં વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ સાથે ડોક્ટર, એન્જિનિયર, પાઈલોટ બને તે માટે વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે. રાજ્યના સરકારે શિક્ષણની નવી નવી યોજનાઓ અમલી બનાવીને આદિવાસી વિદ્યાર્થીઓની વ્હારે આવી છે.

મંત્રીએ ઉમેર્યું કે, ટેકનોલોજીના જમાનામાં આવનારી પેઢી એ ઉજ્જવળ ભવિષ્ય બનાવવા સમય સાથે ચાલવું પડશે. અંતરિયાળ વિસ્તારમાં સ્થાનિક વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સુવિધાયુક્ત શાળા બનવાથી ઘરઆંગણે આધુનિક શિક્ષણ મળી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રોહિત પટેલે હળપતિ સેવા સંધમાં અભ્યાસ કરીને હજારો વિદ્યાર્થીઓ ઉચ્ચસ્થાનો પર સેવા બજાવી રહ્યા છે. એમ જણાવી આ સંસ્થામાં આદિવાસી દીકરા-દીકરીઓને શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન કરવાનું કાર્ય થઈ રહ્યું છે. જે બદલ સંસ્થાના હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા.

બારડોલીના હળપતિ સેવા સંઘના પ્રમુખ પ્રકાશ દેસાઈએ જણાવ્યું કે, 1960ના વર્ષમાં જુગતરામ દવેના સાંનિધ્યમાં મારા પિતા સ્વ. અરવિંદભાઈ દેસાઈએ શિક્ષણની જયોત જગાવીને હળપતિ સમાજના બાળકોને શિક્ષણ મળે તે માટે અભિનવ શરૂઆત કરી હતી. આજે પણ સંસ્થા અવિરતપણે કાર્ય કરી રહી છે. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું.

નોંધનીય છે કે, હળપતિ સમાજમાં શિક્ષણ ક્ષેત્રે નવાં સુધાર લાવવા 1960માં હળપતિ સેવા સંઘની સ્થાપના કરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતમાં વાપીથી લઈને તાપી સુધીના વિસ્તારમાં આદિવાસી અને વંચિત વર્ગના બાળકો માટે હળપતિ સેવા સંઘ દ્વારા અત્યાર સુધીમાં ૫૬થી વધુ સુવિધાયુક્ત શાળાઓનું નિર્માણ કરીને શિક્ષણમાં મદદરૂપ થવાનો પ્રયાસ કરાયો છે. હાલ આ શાળાઓમાં ધો.1થી 12 સુધી અંદાજિત 6000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

આ પ્રસંગે હળપતિ સેવા સંઘ બારડોલીના ટ્રસ્ટી વિરેન્દ્ર દેસાઈ, સંજયભાઈ, તરલાબા, ભગુભાઈ દરજી, નલિનભાઈ, વિરેન્દ્ર દેસાઈ, અમલસાડી ગામના સરપંચ હિતેશભાઈ, અગ્રણીઓ, વિવિધ ગ્રામના સરપંચો, શાળાના આચાર્ય મહેશભાઈ, શિક્ષકગણ, શાળાના વિધાર્થીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Back to top button