રમતગમત

બીજી ટેસ્ટ મેચમાં જીત બાદ રોહિત શર્માએ 2 ખેલાડીઓના કર્યા વખાણ, ઈંગ્લેન્ડને લઈને આપી ચેતવણી

જયસ્વાલની શાનદાર ઈનિંગ બાદ ભારત પ્રથમ ઈનિંગના અંતે અને બાદમાં ગિલની સદીના જોરે બીજી ઈનિંગમાં મજબૂત સ્થિતિમાં હતુ. જોકે બુમરાહે ફરી બીજી ઈનિંગમાં શાનદાર બોલિંગ કરતા ઈંગ્લેન્ડની પાટે ચઢતી ગાડીને વેરવિખેર કરીને ભારતને બીજી ટેસ્ટમાં શાનદાર વિજય અપાવ્યો છે.

હૈદરાબાદ ટેસ્ટ મેચમાં 28 રનથી હાર્યા બાદ ભારતે વિશાખાપટ્ટનમ ટેસ્ટ મેચમાં ખૂબ જ શાનદાર પ્રદર્શન કરીને અંગ્રેજી ટીમને 106 રનના માર્જિનથી હરાવ્યું છે. બેઝ બોલ અને બેઝિક ક્રિકેટની આ લડાઈમાં બેટિંગ પીચ પર અંગે ઈંગ્લેન્ડને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આ મેચમાં જીત માટે ટીમ ઈન્ડિયા અને બે યુવા ખેલાડીઓના ખાસ વખાણ કર્યા હતા.

બુમરાહ ચેમ્પિયન પ્લેયર :

બીજી ટેસ્ટના પ્લેયર ઓફ ધ મેચ બુમરાહના કેપ્ટન રોહિત શર્માએ ભરપૂર વખાણ કર્યા હતા. હિટમેને કહ્યું કે, બુમરાહ અમારા માટે ચેમ્પિયન ખેલાડી છે. તમે આવી મેચ જીતો છો, ત્યારે તમારે એકંદર પ્રદર્શન પર ધ્યાન આપવું પડશે. અમે બેટથી સારું પ્રદર્શન કર્યું, પરંતુ આ પ્રકારની પીચ પર આ સ્થિતિમાં આવી ટીમ સામે જીતવું સરળ નહોતુ. ઈચ્છતા હતા કે, ટીમના બોલરો આગળ આવે અને યોગદાન આપે અને તેઓએ આ કરી બતાવ્યું. બુમરાહ એક શાનદાર ખેલાડી છે અને તે પોતાની રમત, સ્થિતિ અને પીચને સારી રીતે સમજે છે. તેણે હજુ ઘણી લાંબી મજલ કાપવાની છે અને અમારી ટીમને ઘણું બધું આપવાનું છે. રોહિતે યશસ્વી જયસ્વાલના પણ ખૂબ વખાણ કર્યા હતા.

રમત સરળ નથી: 

રોહિતે વધુમાં કહ્યું કે, વાઈઝેગ પિચ ખરેખર બેટિંગ માટે સારી હતી. આ મેચમાં ઘણા બેટ્સમેનોને સારી શરૂઆત મળી હતી પરંતુ તેઓ મોટો સ્કોર કરી શક્યા ન હતા, પરંતુ હું સમજું છું કે તેઓ યુવા છે અને આ પ્રકારની રમત માટે નવા છે. અમારી યુવા ટીમે જે રીતે ઈંગ્લેન્ડની ટીમનો સામનો કર્યો તેના પર મને ગર્વ છે. અમારી ટીમના ઘણા ખેલાડીઓ ક્રિકેટના આ ફોર્મેટમાં રમવા માટે ઘણા નાના છે અને તેમને સંપૂર્ણરીતે સેટ થવામાં, ગેમને સમજવામાં થોડો સમય લાગશે. હું ઈચ્છું છું કે તેઓ કોઈપણ દબાણ વગર મુક્તપણે રમે.

જોકે કેપ્ટન શર્માએ આ જીતથી ખુશ થઈને આગામી મેચ પરથી ફોકસ ન હટાવવા સલાહ આપી છે. સીરીઝની આગામી 3 ટેસ્ટ માટે પણ ટીમ ઈન્ડિયાને ચેતવતા કહ્યું કે આ ઈંગ્લિશ ટીમ ફરી ઉભી થઈને પ્રહાર કરવા જાણે છે. ઈંગ્લેન્ડને લઈને રોહિતે કહ્યું કે તેઓ છેલ્લા કેટલાક સમયથી સારું ક્રિકેટ રમી રહ્યા છે અને હું જાણતો હતો કે આ ટેસ્ટ સીરિઝ ભારત માટે સરળ નહીં હોય. હજુ ત્રણ મેચ રમવાની બાકી છે અને અમે અમારી ખામીઓ તપાસીશું અને ખાતરી કરીશું કે અમે મોટાભાગની બાબતોને યોગ્ય રીતે મૂકી શકીએ છીએ અને ઘરઆંગણે મહેમાનોને હરાવી શકીએ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button