રમતગમતવિશ્વ

પહેલી ટેસ્ટમાં ઈંગ્લેન્ડની ઐતિહાસિક જીત, આ ખેલાડીએ તોડ્યો ભારતનો ઘમંડ, 7 વિકેટ ઝડપી ગયો

ડેબ્યુ મેચ રમી રહેલા ટોમ હાર્ટલીએ યશસ્વીને આઉટ કરીને ઈંગ્લેન્ડને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ હાર્ટલીએ શુભમન ગિલ, કેપ્ટન રોહિત અને અક્ષર પટેલને આઉટ કરીને ભારતનું ટેન્શન હાઈ કરી દીધુ હતું

  • ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ભારત 28 રનથી હાર્યું
  • ભારતનો બીજો દાવ માત્ર 202 રન પર જ સમેટાઈ ગયો હતો
  • બીજી ટેસ્ટ મેચ 2 ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમમાં રમાશે

ભારતીય ટીમ પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં 28 રનથી હારી ગઈ છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતને જીતવા માટે ચોથી ઇનિંગમાં 231 રન બનાવવાના હતા. જે સ્કોર ભારતીય ટીમ બનાવી શકી ન હતી. ભારતનો બીજો દાવ માત્ર 202 રન પર જ સમેટાઈ ગયો હતો. આ જીત સાથે ઈંગ્લેન્ડે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. અત્રે જણાવીએ કે, બંને ટીમો વચ્ચે બીજી ટેસ્ટ મેચ 2 ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમમાં રમાશે.

ડેબ્યૂ મેચમાં ટોમ હાર્ટલીએ ઝડપી 7 વિકેટ

ભારતીય ટીમે બીજી પારીમાં શાનદાર શરૂઆત કરી હતી. જેમાં શુભમન ગિલ અને રોહિત શર્માએ પ્રથમ વિકેટ સુધીમાં 42 રન બનાવ્યા હતા. પોતાની ડેબ્યુ મેચ રમી રહેલા ટોમ હાર્ટલીએ યશસ્વીને આઉટ કરીને ઈંગ્લેન્ડને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ હાર્ટલીએ શુભમન ગિલ, કેપ્ટન રોહિત અને અક્ષર પટેલને આઉટ કરીને ભારતનું ટેન્શન હાઈ કરી દીધુ હતું. જ્યારે કેએલ રાહુલની વિકેટ રૂટ લીધી હતી. ત્યારબાદ રવિન્દ્ર જાડેજા બેન સ્ટોક્સના હાથે રન આઉટ થયો હતો.

શ્રેયસ અય્યર પાસે ભારતને ઘણી અપેક્ષાઓ હતી પરંતુ તે લીચની સ્પિનમાં ફસાઈ ગયો હતો. જો કે, 119 રનમાં સાત વિકેટ પડી ગયા બાદ કેએસ ભરત અને આર. અશ્વિન વચ્ચે 57 રનની ભાગીદારી થઈ હતી. જે સમય લાગતું હતું કે બંને ખેલાડીઓ સાથે મળીને ભારતને જીતની નજીક લઈ જશે પરંતુ ફરી એકવાર ટોમ હાર્ટલીએ બંનેને પેવેલિયન મોકલીને ભારતની આશાઓ પર પાણી ફરી વાળ્યુ હતું.

બીજી ઈનિંગ 420 રન પર સમેટાઈ ગઈ હતી

તમને જણાવી દઈએ કે ચોથા દિવસે ઈંગ્લેન્ડની બીજી ઈનિંગ 420 રન પર સમેટાઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી બીજી ઈનિંગમાં ઓલી પોપે શાનદાર 196 રન બનાવ્યા હતા. પોપે 278 બોલનો સામનો કર્યો અને 21 ચોગ્ગા ફટકાર્યા હતાં. પોપ ઉપરાંત બેન ડકેટે 47 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી જસપ્રીત બુમરાહે સૌથી વધુ ચાર અને આર. અશ્વિને ત્રણ વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડે તેની પ્રથમ ઇનિંગમાં 246 રન બનાવ્યા હતા. જ્યારે ભારતે તેની પ્રથમ ઇનિંગમાં 436 રન બનાવ્યા હતા. પ્રથમ દાવના આધારે ભારતને 190 રનની લીડ મળી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button