દેશરમતગમત

રાજકોટમાં ટીમ ઈન્ડીયાની બીગ વિક્ટરી, 434 રનથી ઈંગ્લેન્ડને હરાવ્યું, રનપૂરમાં તણાયા ‘અંગ્રેજો’

રાજકોટમાં ટીમ ઈન્ડીયાએ ઈંગ્લેન્ડને 434 જેટલા મોટા રનથી હરાવીને ત્રીજી ટેસ્ટ જીતી લીધી છે.

  • રાજકોટ ટેસ્ટમાં ટીમ ઈન્ડીયાની જીત 
  • ઈંગ્લેન્ડને 434 જેટલા મોટા રનથી હરાવ્યું 
  • પાંચ મેચોની સીરિઝમાં 2-1થી આગળ 

પાંચ મેચોની ટેસ્ટ સીરિઝમાં ભારત 2-1થી આગળ થઈ ગયું છે. રવિવારે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ભારતે ઈંગ્લેન્ડને 434 જેટલા મોટા રનથી હરાવીને શ્રેણીમાં સરસાઈ મેળવી છે. ભારતના 557 રનના મોટા ટાર્ગેટ સામે ઈંગ્લેન્ડની ટીમ ફક્ત 122 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને આ રીતે ભારતને મોટી જીત મળી હતી.

ટેસ્ટ ઇતિહાસમાં રન મામલે ભારતીય ટીમની સૌથી મોટી જીત

ટેસ્ટ ઇતિહાસમાં રન મામલે ભારતીય ટીમની આ સૌથી મોટી જીત છે. આ પહેલા તેની સૌથી મોટી જીત ડિસેમ્બર 2021માં મળી હતી. ત્યારે વાનખેડે ટેસ્ટ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 372 રનથી હરાવ્યું હતું.

યશસ્વીએ બીજી ઈનિંગમાં બેવડી સદી ફટકારી

ભારતીય ટીમે ચોથા દિવસની રમતમાં શાનદાર શરૂઆત કરી હતી. યશસ્વી જયસ્વાલની બેવડી સદીના આધારે ભારતે 430 રનમાં બીજી ઈનિંગ ડિક્લેર કરી હતી. યશસ્વી 214 અને સરફરાઝ ખાન અણનમ 68 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. શુભમન ગિલે પણ આ સમયગાળા દરમિયાન પોતાની પ્રતિભા બતાવી હતી. તે 91 રનના અંગત સ્કોર પર રન આઉટ થયો હતો. ભારતે બીજી ઈનિંગમાં 4 વિકેટ ગુમાવી હતી. યશસ્વી જયસ્વાલે તેની ઈનિંગમાં રેકોર્ડનો ધબડકો કર્યો. તેણે સતત બીજી ટેસ્ટમાં બેવડી સદી ફટકારી હતી, જ્યારે એક સિરિઝમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ પણ તેના નામે હતો.

રોહિત-જાડેજાની પણ સદી 

આ મેચમાં ભારત તરફથી રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ પ્રથમ ઈનિંગમાં સદી ફટકારી હતી, જ્યારે બીજી ઈનિંગમાં યશસ્વી જયસ્વાલે બેવડી સદી ફટકારી હતી. ભારતે બીજી ઈનિંગ 430 રનમાં ઈનિંગ ડિક્લેર કરી હતી. પ્રથમ દાવના આધારે ભારતે 126 રનની લીડ મેળવી હતી. બેન ડકેટે ઇંગ્લેન્ડ માટે પ્રથમ ઇનિંગમાં 150થી વધુ રન બનાવ્યા હતા, પરંતુ બીજી ઇનિંગમાં કોઇ બેટ્સમેન લયમાં દેખાયો ન હતો અને તમામ બેટ્સમેન 122 રન સુધી જ સીમિત થઇ ગયા હતા.

ભારત-ઈંગ્લેન્ડની 2-2 ઈનિંગ કેવી રહી 

ભારતે પ્રથમ ઇનિંગમાં 445 અને બીજી ઈનિંગમાં 430 રન બનાવ્યાં હતા આ રીતે ભારતે કુલ 875 રન બનાવ્યાં હતા. જવાબમાં પહેલી ઈનિંગમાં ઈંગ્લેન્ડે 319 રન અને બીજી ઈનિંગમાં 122 રન બનાવ્યાં હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button