રમતગમતવિશ્વ

ભારતે સાઉથ આફ્રિકાને 106 રનથી હરાવ્યું:T20 સિરીઝ 1-1થી ડ્રો

સૂર્યકુમારની ચોથી સેન્ચુરી; કુલદીપે 5 વિકેટ ઝડપી

ભારતે T20 શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક મેચમાં સાઉથ આફ્રિકાને 106 રને હરાવ્યું. આ જીત સાથે ટીમ ઈન્ડિયા 3 મેચની સિરીઝ 1-1થી બરાબર કરવામાં સફળ રહી છે. પ્રથમ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી અને બીજી સાઉથ આફ્રિકાએ જીતી હતી. હવે બંને ટીમ 17મી ડિસેમ્બરથી વન-ડે સિરીઝ રમશે. પહેલી મેચ જોહાનિસબર્ગમાં રમાશે.

જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં 202 રનના લક્ષ્યાંકને ચેઝ કરવા ઉતરેલી આફ્રિકન ટીમ 13.5 ઓવરમાં 95 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પહેલાં ટીમ ઈન્ડિયાએ સૂર્યાની સદીની મદદથી 20 ઓવરમાં 7 વિકેટે 201 રન બનાવ્યા હતા.

સૂર્યકુમાર યાદવ ફિલ્ડિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો
સૂર્યકુમાર યાદવ ફિલ્ડિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. બીજી ઓવરના ત્રીજા બોલ પર રીઝા હેન્ડ્રિક્સે એક્સ્ટ્રા કવરમાં શોટ રમ્યો હતો. ફિલ્ડિંગ કરી રહેલા સૂર્યાએ બોલને બાઉન્ડ્રી સુધી પહોંચતા અટકાવ્યો હતો. પરંતુ બોલને રોકતી વખતે તેની પગન એન્કલ વળી ગયો હતો. તેને ચાલવામાં પણ તકલીફ થવા લાગી. ટીમના ફિઝિયો આવ્યા અને તેને આરામ કરવાની સલાહ આપી. સૂર્યાના સ્થાને રવીન્દ્ર જાડેજાએ કેપ્ટનની જવાબદારી સંભાળી હતી.

પાવરપ્લેમાં સાઉથ આફ્રિકાને 3 આંચકો લાગ્યા
202 રનના લક્ષ્યને ચેઝ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની શરૂઆત સારી રહી ન હતી. મોહમ્મદ સિરાજે પ્રથમ ઓવરમાં મેડન ફેંકીને દબાણ સર્જ્યું હતું. આ દબાણનો ફાયદો મુકેશ કુમારને બીજી ઓવરમાં મળ્યો. મુકેશે મેથ્યુ બ્રિટ્ઝકી (4 રન)ને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. જે બાદ ત્રીજી ઓવરમાં રીઝા હેન્ડ્રીક્સ રનઆઉટ થયો હતો.

પ્રથમ ત્રણ ઓવરમાં ઓપનરોની વિકેટો ગુમાવ્યા બાદ આફ્રિકન ટીમ દબાણમાં આવી ગઈ હતી અને પાવરપ્લેના અંત સુધીમાં ક્લાસેન પણ આઉટ થઈ ગયો હતો. તે છઠ્ઠી ઓવરના ચોથા બોલ પર અર્શદીપ સિંહની બોલિંગમાં રિંકુ સિંહના હાથે કેચ આઉટ થયો હતો. પાવરપ્લેમાં આફ્રિકાની ટીમે 42 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. છઠ્ઠી ઓવર બાદ ટીમનો સ્કોર 42/3 હતો.

સૂર્યાની શાનદાર સેન્ચુરી; ભારતે 201 રન બનાવ્યા
જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 201 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે 56 બોલમાં 100 રનની ઇનિંગ રમી હતી જ્યારે યશસ્વી જયસ્વાલે 60 રન બનાવ્યા હતા. સૂર્યાએ T20 ઈન્ટરનેશનલમાં ચોથી સદી ફટકારી છે. ભારત માટે સૌથી વધુ T20 સદી ફટકારનાર બેટર્સની યાદીમાં તે રોહિત શર્માની બરાબરી પર આવી ગયો છે. તો જયસ્વાલે તેની ત્રીજી અડધી સદી ફટકારી હતી.

ડેથ ઓવરમાં ભારતીય બેટર્સનું ઠીકઠાક પરફોર્મન્સ
મિડલ ઓવરોમાં શાનદાર બેટિંગ કર્યા બાદ ભારતીય ખેલાડીઓ ડેથ ઓવરોમાં મોટો સ્કોર કરી શક્યા ન હતા. 17મી અને 18મી ઓવરમાં કુલ 25 રન બનાવ્યા હતા. અહીંથી એવું લાગતું હતું કે ભારત 211 અથવા 213 રન બનાવશે, પરંતુ નાન્દ્રે બર્જરે 19મી ઓવરમાં 6 રન આપ્યા હતા. આ ઓવરમાં રિંકુ સિંહ પણ આઉટ થયો હતો. આ 6 રનની ઓવર અને રિંકુની વિકેટને કારણે દબાણ સર્જાયું હતું અને છેલ્લી ઓવરમાં 9 રન થયા હતા જ્યારે 3 વિકેટ પણ પડી હતી. ભારતે છેલ્લી 4 ઓવરમાં 40 રન બનાવ્યા હતા અને 4 વિકેટ પડી હતી.

મિડલ ઓવરોમાં સૂર્યા-યશસ્વીની વિસ્ફોટક ઇનિંગ્સ
પાવરપ્લેમાં મિશ્ર પ્રદર્શન બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને યશસ્વી જયસ્વાલે ઘણા રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ 99 રનમાં માત્ર એક વિકેટ ગુમાવી હતી. 16 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 161/3 હતો.

જયસ્વાલની ત્રીજી અડધી સદી: ઓપનર યશસ્વી જયસ્વાલે 60 રનની અડધી સદી રમી હતી. તેણે 34 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અડધી સદી ફટકારી હતી. યશસ્વી જયસ્વાલની આ ત્રીજી T20 અડધી સદી છે. છેલ્લી મેચમાં તે શૂન્ય રને આઉટ થયો હતો.

સૂર્યાની એક છગ્ગા સાથે ફિફ્ટી: કેપ્ટન સૂર્યકુમાર યાદવે છગ્ગા સાથે અડધી સદી ફટકારી હતી. તેણે સતત બીજી મેચમાં ફિફ્ટી ફટકારી છે.

સૂર્યા-જયસ્વાલની સદીની ભાગીદારીઃ 29 રનમાં સતત બે વિકેટ ગુમાવ્યા બાદ ઓપનર યશસ્વી જયસ્વાલ અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટીમ ઈન્ડિયાના સ્કોરને 100ની પાર પહોંચાડ્યો હતો. બંનેએ ત્રીજી વિકેટ માટે 116 રનની ભાગીદારી કરી હતી.

ઓપનરોની ઝડપી શરૂઆત, મહારાજે 2 વિકેટ લીધી
સતત બીજી મેચમાં ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા આવ્યા બાદ ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી હતી. પાવર પ્લેની પ્રથમ 2 ઓવરમાં ઓપનરોએ 6 બાઉન્ડરી સહિત 29 રન બનાવ્યા હતા, પરંતુ ત્રીજી ઓવરમાં આવેલા કેશવ મહારાજે 29ના સ્કોર પર ટીમ ઈન્ડિયાને બે ઝટકા આપ્યા હતા. તેણે આ ઓવરના બીજા બોલ પર ગિલ અને ત્રીજા બોલ પર તિલક વર્માને પેવેલિયનનો રસ્તો બતાવ્યો.

અહીંથી સૂર્યાએ જયસ્વાલ સાથે મળીને ટીમના સ્કોરને 50ની પાર પહોંચાડ્યો હતો. 6 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 62/2 થયો હતો.

સાઉથ આફ્રિકાએ ત્રણ બદલાવ કર્યા, ભારતે એકપણ નહીં
સાઉથ આફ્રિકાએ પોતાની પ્લેઇંગ-11માં કુલ ત્રણ બદલાવ કર્યા છે. માર્કો યેન્સન, ગેરાલ્ડ કોત્ઝી અને ટ્રિસ્ટન સ્ટબ્સની જગ્યાએ કેશવ મહારાજ, નંદ્રે બર્ગર અને ડોનોવન ફરેરાને લીધા છે. નંદ્રે બર્ગરે ડેબ્યૂ કર્યું છે. જ્યારે ટીમ ઈન્ડિયાએ પોતાની પ્લેઇંગ-11માં એકપણ ફેરફાર કર્યા નથી.

બન્ને ટીમની પ્લેઇંગ-11

સાઉથ આફ્રિકા: એડન માર્કરમ (કેપ્ટન), રીઝા હેન્ડ્રીક્સ, મેથ્યુ બ્રેટ્ઝકી, હેનરિક ક્લાસેન(વિકેટકીપર), ડેવિડ મિલર, ડોનોવન ફરેરા, એન્ડીલે ફેહલુકવાયો, કેશવ મહારાજ, લિઝાદ વિલિયમ્સ, તબરેઝ શમ્સી અને નંદ્રે બર્ગર

ભારત: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ અને મુકેશ કુમાર.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button