વિશ્વ

ઈરાનમાં મહિલાઓના અધિકારો માટે લડનાર નરગીસ મોહમ્મદીને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો

ઈરાનમાં મહિલાઓના અધિકારો માટે લડનાર નરગીસ મોહમ્મદીને નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. હાલ તે જેલમાં બંધ છે. ઈરાને સરકાર વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવવાના આરોપમાં તેમની ધરપકડ કરી હતી. નરગીસ મોહમ્મદીએ ઈરાનમાં માનવ અધિકારોને પ્રોત્સાહન આપવા અને મહિલાઓના શોષણ સામે લડવા માટે 2023નો નોબેલ શાંતિ પુરસ્કાર મેળવ્યો છે. સમિતિએ કહ્યું કે આ વર્ષનું નોબેલ શાંતિ પુરસ્કાર એવા લાખો લોકોને પણ માન્યતા આપે છે જેમણે મહિલાઓને નિશાન બનાવતી ધાર્મિક શાસનની ભેદભાવ અને દમનકારી નીતિઓ સામે અવાજ ઉઠાવ્યો છે.

નરગીસ મોહમ્મદીએ ઈરાનમાં માનવ અધિકારોને પ્રોત્સાહન આપવા અને મહિલાઓના દમન સામે લડવા માટે 2023 નો નોબેલ શાંતિ પુરસ્કાર જીત્યો છે. નોબેલ કમિટિનું કહેવું છે કે નરગીસે ​​મહિલાઓની સ્વતંત્રતા અને તેમના અધિકારો માટે ઘણી વખત અવાજ ઉઠાવ્યો છે. તેણીની 13 વખત ધરપકડ કરવામાં આવી છે. સમિતિએ ઈરાનની મહિલાઓના નારા લોકો-જિંદગી-આઝાદી…. સાથે શાંતિ પુરસ્કારની જાહેરાત કરી છે. 51 વર્ષના નરગીસ હજુ પણ ઈરાનની એવાન જેલમાં કેદ છે. તેઓને 31 વર્ષની જેલ અને 154 કોરડાની સજા આપવામાં આવી છે. ઈરાને સરકાર વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવવાના આરોપમાં તેમની ધરપકડ કરી હતી.

જ્યારે નરગીસ મોહમ્મદીને શાંતિ પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે ત્યારે પણ તે જેલમાં છે. સપ્ટેમ્બર 2022 માં ઈરાનમાં કુર્દિશ યુવતી મહસા ઝીના અમીની ઈરાની પોલીસની કસ્ટડીમાં મૃત્યુ પામી હતી. તેમના મૃત્યુ બાદ સમગ્ર ઈરાનમાં જોરદાર વિરોધ શરૂ થયો હતો. લોકોએ ઈરાન સરકાર વિરુદ્ધ જોરદાર પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનમાં નરગીસે સ્ત્રીઓ માટે સ્વતંત્રતાની માંગ કરી. પ્રદર્શનમાં લાખો ઈરાની લોકોએ ભાગ લીધો હતો. આ સમગ્ર પ્રદર્શન દરમિયાન વિરોધીઓએ મહિલા સ્વતંત્રતાનું સમર્થન કર્યું હતું અને નરગીસ મોહમ્મદીના અભિયાનને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. ઈરાની પોલીસ દ્વારા નરગીસ મોહમ્મદી પર ઈરાની સરકાર વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

નરગીસ ડિફેન્ડર્સ ઓફ હ્યુમન રાઈટ્સ સેન્ટરના ઉપ પ્રમુખ છે. તે એક NGO છે જેનું નિર્માણ શિરીન એબાદી દ્વારા કરવામાં આવ્યું હતું. શિરીનને વર્ષ 2003માં નોબેલ શાંતિ પુરસ્કાર પણ મળ્યો છે. ઈરાનમાં મહિલાઓના અધિકારો માટે લડનાર નરગીસ મોહમ્મદી નોબેલ શાંતિ પુરસ્કાર મેળવનાર 19મી મહિલા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button