તાપી

સરપંચો દ્વારા વારંવાર ઉચાપત થવાની રાવથી તાપી વિસ્તારમાં ફફડાટ

આંબાના સરપંચે ગ્રામજનો પાસે રૂપિયા ઉઘરાવી બોર ન કરી આપ્યાં હોવાનો આક્ષેપ

સોનગઢ તાલુકાના આંબા ગ્રામ પંચાયત ના સરપંચ દ્વારા તેમના જ કાર્ય વિસ્તારમાં આવેલાં ગામોમાં રહેતાં 77 જેટલાં લોકો પાસે તેમના ખેતરમાં બોર કરાવી આપવાના નામે દરેક ખેડૂત પાસે રૂ.12,500 ઉઘરાવી લીધાં બાદ બોર ન કરાવી આપતાં છેતરાયેલા ગ્રામજનો એ તપાસ માટે તાલુકા ન્યાય સમિતિ, પોલીસ મથક અને કલેક્ટરને રજૂઆત કરી હતી.

સોનગઢ તાલુકાના આંબા ગામમાં રહેતાં વિજયભાઈ ઘેલુંભાઈ કોંકણી અને અન્ય અરજદારોએ કરેલી લેખિત રજૂઆતમાં કરેલાં આક્ષેપ મુજબ તેઓને ગામના સરપંચ રાહુલ પીલાજીભાઈ ગામિતે ગત વર્ષે ખેતરમાં બોર કરાવવા માટેની સરકારી યોજના આવી હોવાની વાત કરી હતી. તેમણે ખેતરમાં બોર માટે લાભાર્થીઓને એક બોર દીઠ રૂ.12,500 ભરવા પડશે એવું જણાવ્યું હતું. ગામના 77 નાના ખેડૂતએ ખેતરમાં બોર કરાવવા સરપંચને વ્યક્તિ દીઠ રૂ.12,500 આપ્યાં હતાં.

આ વાતને એકાદ વર્ષ વીતી ગયું હોવા છતાં ખેતરોમાં બોર ન થતાં લોકોએ સરપંચનો સંપર્ક કરી જાણકારી માંગી હતી. ખેડૂતોએ વધુ તપાસ કરતાં સરકારની ખેતરોમાં બોર કરી આપવાની આવી કોઈ યોજના જ ન હોવાનું બહાર આવ્યું હતું. એ પછી લોકોએ સરપંચ પાસે પોતાના નાણાં પરત માંગતા તેમણે ગલ્લા તલ્લા કર્યા હતાં.

26/9/22 ના રોજ રાહુલભાઈએ સાદા કાગળ પર નાણાંની વ્યવસ્થા કરવા માટે સમય માંગી નાણાં પરત આપવાની બાંહેધરી લખી આપી હતી. જો કે સરપંચનો એ વાયદો પણ ખોટો પડ્યો હતો. એ પછી અરજદારોએ તાલુકા પંચાયત ન્યાય સમિતિમાં રજૂઆત કરતાં વળી 18/12/23 સુધી તમામને રૂપિયા પાછા આપી દેવા સમાધાન પત્ર લખી આપ્યું હતું.

જો કે બીજી વખત પણ રાહુલ ગામિતે નાણાં પરત આપ્યાં ન હતાં આખરે રૂપિયા પરત મેળવવા ગ્રામજનોએ સોનગઢ પોલીસ મથકે અરજી આપી હતી અને ગત રોજ કલેક્ટરને રજૂઆત કરી સરપંચ પાસેથી તેમના નાણાં પરત અપાવવા માટે વિનંતી કરી હતી. આ પ્રકરણમાં સરપંચ દ્વારા કુલ રૂ.962500 ઉઘરાવાયા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. એ સાથે જ ગ્રામજનોએ પોતાની ફરિયાદ બાબતે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતી હોવાની રાવ પણ કરી હતી.

અરજદારોને આપેલ ચેક પણ રિટર્ન થયાં છે

તાલુકા પંચાયત ખાતે મળેલી મિટિંગ દરમિયાન સરપંચ દ્વારા અરજદારોના નીકળતાં નાણાં પેટે ચાર લોકોના નામના ચેકો આપવામાં આવ્યાં હતાં.જો કે આ ચેક પણ ખાતામાં પૂરતી રકમ ન હોવાથી બાઉન્સ થયા હોવાની વિગત પણ લેખિત રજૂઆતમાં જણાવવામાં આવી હતી.

સિંચાઈન નામે રૂપિયા ઉઘરાવાયા હતાં

​​​​​​​ગત વર્ષે સરપંચ રાહુલ ગામિતે અમને જણાવ્યું કે સરકારની યોજના છે જેમાં તમારે રૂપિયા 12,500 ભરવાના છે અને યોજના અન્વયે તમારા ખેતરમાં બોર કરાવી અપાશે . સરપંચની વાત પર વિશ્વાસ કરી અમે રૂપિયા આપ્યાં છે. હજી સુધી ખેતરમાં બોર કરાવી નથી આપ્યો કે નાણાં પણ પરત નથી આપ્યા જેથી અમે સોનગઢ પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રને રજૂઆત કરી છે. ગમનભાઈ કોંકણી, ભોગ બનનાર ખેડૂત, આંબા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button