સુરત

દાંડી – તરસાડા બાર ધોરીમાર્ગને ફોરલેન કરવા નવસારી જિલ્લામાં કામ શરૂ, સુરતમાં ક્યારે?

સુરત જિલ્લામાં જમીન સંપાદન સાથે રૂ.110 કરોડનો અંદાજ મૂકી માર્ગ બનાવવા દરખાસ્ત કરવામાં આવી હતી

તરસાડા બારથી દાંડી રાજ્ય ધોરી માર્ગને નવસારી જિલ્લામાં ફોરલેન બનાવવાની મંજૂરી મળતા કામગીરીનો પ્રારંભ થઈ ગયો છે. પરંતુ સુરત જિલ્લામાં આ માર્ગને ફોરલેન કરવાની મંજૂરી મળી ન હોવાનું જાણવા મળે છે. એક જ રોડ હોવા છતાં એક જિલ્લામાં દરખાસ્ત થઈને કામ મંજૂર પણ થઈ ગયું અને બીજા જિલ્લામાં હજી સુધી કામ ચાલુ થયું નથી ત્યારે સરકારની બેધારી નીતિ ખુલ્લી પડી ગઈ છે. તો સામે પક્ષે બંને વિસ્તારના સ્થાનિક નેતાઓની શક્તિનો પણ પરચો લોકોને જોવા મળી ગયો છે.

સુરત અને નવસારી જિલ્લામાંથી પસાર થતો દાંડી-નવસારી-બારડોલી -તરસાડાબાર(માંડવી) રાજ્ય ધોરી માર્ગ નંબર 88 ત્રણ નેશનલ હાઇવેને જોડે છે. જેને કારણે આ માર્ગ પર ટ્રાફિકનું ભારણ પણ વધુ રહે છે. નવસારી જિલ્લામાં નેશનલ હાઇવે નંબર 48, સુરત જિલ્લામાં નેશનલ હાઇવે નંબર 53 અને 56ને જોડે છે. અતિ મહત્વના ગણાતા આ રાજ્યધોરી માર્ગને ફોરલેન કરવાનું ખુબ જ આવશ્યક છે. નવસારી જિલ્લા માર્ગ મકાન વિભાગ દ્વારા દાંડીથી સુપા ગામ સુધીના માર્ગને ફોરલેન કરવા માટે સરકારમાં દરખાસ્ત કરવામાં આવતા સરકારે તેને મંજૂર કરી દેતાં કામગીરીનો પણ પ્રારંભ થઈ ગયો છે. પરંતુ સુરત માર્ગ મકાન વિભાગ દ્વારા લાંબા સમયથી દરખાસ્ત કરવામાં આવી હોવા છતાં હજી સુધી કોઈ મંજૂરી આવી ન હોવાનું જાણવા મળી રહ્યું છે.

બારડોલી ઉપરાંત આદિજાતિ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિના મતવિસ્તારમાંથી પણ આ માર્ગ પસાર થઈ રહ્યો છે. ત્યારે તેઓ આ મામલે યોગ્ય રસ દાખવી રસ્તાને ફોરલેન કરવા માટે માર્ગ મકાન વિભાગને યોગ્ય રજૂઆત કરે તેવી માગ સ્થાનિક લોકો કરી રહ્યા છે.

દરખાસ્ત થઇ છે પણ મંજૂરી નથી મળી બીજી તરફ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બારડોલી માર્ગ મકાન વિભાગ દ્વારા દરખાસ્ત કરી દેવામાં આવી છે. વાઘેચથી તરસાડા બાર સુધી 41.900 કિમીના માર્ગને ફોરલેન કરવા માટે જમીન સંપાદન સાથે 110 કરોડ રૂપિયાના અંદાજ સાથે દરખાસ્ત કરવામાં આવી છે. પરંતુ સરકારમાંથી હજી સુધી મંજૂરી ન હોવાનું જાણવા મળી રહ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button