દેશ

ISRO ચીફે કહ્યું- સફર શરૂ થઈ ગઈ: ચંદ્રયાન-3 પૃથ્વીની કક્ષામાં પહોંચ્યું

40 દિવસ પછી ચંદ્ર પર ઊતરશે

વાચક મિત્રો, 3 વર્ષ, 11 મહિના અને 23 દિવસ પહેલા ભારતે ચંદ્રયાન-2 લોન્ચિંગ કર્યું હતું. ત્યાર પછી ફરી ભારતે શુક્રવારે ચંદ્રયાન-3 મિશન લોન્ચ કર્યું. એને આ મિશન લોન્ચ બાહુબલી રોકેટ LVM3-M4 દ્વારા આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી બપોરે 2.35 વાગ્યે અવકાશમાં મોકલવામાં આવ્યું છે. 16 મિનિટ પછી ચંદ્રયાનને રોકેટ દ્વારા ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું. સાથે જ ISRO ચીફ એસ. સોમનાથે આ સફળ લોન્ચિંગ બાદ કહ્યું હતું કે ચંદ્રયાન-3એ ચંદ્ર તરફ એની યાત્રા શરૂ કરી દીધી છે.

ચંદ્રયાન-3 અવકાશયાનમાં ત્રણ લેન્ડર/રોવર અને પ્રોપલ્શન મોડ્યૂલ છે. લગભગ 23 કે 24 ઓગસ્ટે એટ્લે કે 40 દિવસ પછી, લેન્ડર અને રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઊતરશે. આ બંને 14 દિવસ સુધી ચંદ્ર પર પ્રયોગ કરશે, જ્યારે પ્રોપલ્શન મોડ્યૂલ ચંદ્રની ભ્રમણકક્ષામાં રહીને પૃથ્વી પરથી આવતા રેડિયેશનનો અભ્યાસ કરશે. મિશન દ્વારા ISRO એ શોધી કાઢશે કે ચંદ્રની સપાટી કેટલી સિસ્મિક છે, જેના માટે માટી અને ધૂળનો અભ્યાસ કરવામાં આવશે.

જો આ મિશન સફળ થશે તો, ભારત આવું કરનાર ચોથો દેશ બની જશે
જો આ મિશન સફળ થશે તો અમેરિકા, રશિયા અને ચીન પછી ચોથો દેશ તરીકે ભારતની ગણના થશે. અમેરિકા અને રશિયા બંને ચંદ્ર પર સફળતાપૂર્વક ઊતર્યા એ પહેલાં ઘણા અવકાશયાન ક્રેશ થયાં હતાં. 2013માં ચાંગ ઈ-3 મિશન સાથેના પ્રથમ પ્રયાસમાં સફળ થનારો ચીન એકમાત્ર દેશ છે.

ચંદ્રયાન-3 આદિપુરુષ ફિલ્મના બજેટ કરતાં પણ સસ્તું… 
તાજેતરની ફિલ્મ આદિપુરુષની કોસ્ટ 700 કરોડ રૂપિયા હતું જ્યારે ચંદ્રયાન-3નું બજેટ લગભગ 615 કરોડ રૂપિયા જ છે,  એટલે કે ચંદ્રયાન-3 આ ફિલ્મની કિંમત કરતાં લગભગ 85 કરોડ રૂપિયા સસ્તું છે. આ મિશન પહેલા 4 વર્ષ પૂર્વે  મોકલવામાં આવેલું ચંદ્રયાન 2ની કિંમત પણ 603 કરોડ રૂપિયા હતી. જોકે એના લોન્ચિંગ પર પણ 375 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

ઈતિહાસમાં 14 જુલાઈ 2023નો દિવસ સુવર્ણ અક્ષરે લખવામાં આવશે
પીએમ મોદીએ ચંદ્રયાન-3ના લોન્ચિંગ પહેલાં જ  મિશનની શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે, “ભારતના અવકાશક્ષેત્રમાં 14 જુલાઈ 2023ની તારીખ હંમેશાં સુવર્ણ અક્ષરોમાં અંકિત રહેશે. અમારું ત્રીજું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 એની યાત્રાએ રવાના થશે. આ મિશન આપણા રાષ્ટ્રની આશાઓ અને સપનાંને આગળ વધારશે. ચંદ્રયાન-3 મિશન માટે શુભેચ્છાઓ!”

ચંદ્રયાન-3નું લોન્ચિંગ ઓનલાઇન અને ટીવી પર લાઇવ જોઈ શકશે
ઈસરોની સત્તાવાર વેબસાઈટ અને યુટ્યૂબ ચેનલ પર ચંદ્રયાન-3નું પ્રક્ષેપણ લાઈવ બતાવવામાં આવશે. તમેજ  દૂરદર્શન પર પણ  ચંદ્રયાન-3નું લાઈવ પ્રક્ષેપણ પણ જોઈ શકાઈ છે. જ્યારે કેટલાક લોકો સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે લોન્ચ વ્યૂ ગેલરીમાંથી પ્રક્ષેપણને લાઈવ જોવા માંગતા હતા તેઓ માટે સ્પેસ એજન્સીએ ivg.shar.gov.in/ પર રજિસ્ટ્રેશન શરૂ કર્યું હતું. હવે રજિસ્ટ્રેશન બંધ છે.

હવે ચંદ્રયાન મિશન સંબંધિત 4 મહત્ત્વપૂર્ણ બાબતો

1. આ મિશનથી ભારતને શું ફાયદો થશે?
ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક મનીષ પુરોહિતનું કહેવું છે કે,  “આ મિશન દ્વારા ભારત દુનિયાને જણાવવા માગે છે કે તેની પાસે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવાની અને ત્યાં રોવર ચલાવવાની ક્ષમતા છે. આનાથી ભારત પર વિશ્વનો વિશ્વાસ વધશે, જે કોમર્શિયલ બિઝનેસ વધારવામાં મદદ કરશે. ભારત તેના હેવી લિફ્ટ લોન્ચ વ્હીકલ LVM3-M4થી ચંદ્રયાન લોન્ચ કરશે. ભારત આ વાહનની ક્ષમતા દુનિયાને બતાવી ચૂક્યું છે.”

અગાઉ એમેઝોનના સ્થાપક જેફ બેઝોસની કંપની ‘બ્લૂ ઓરિજિન’એ ISROના LVM3 રોકેટનો ઉપયોગ કરવામાં રસ બતાવ્યો હતો. બ્લૂ ઓરિજિન વ્યાપારી અને પ્રવાસન હેતુઓ માટે LVM3નો ઉપયોગ કરવા માગે છે. LVM3 દ્વારા બ્લૂ ઓરિજિન તેના ક્રૂ-કેપ્સ્યૂલને આયોજિત લો અર્થ ઓર્બિટ (LEO) સ્પેસ સ્ટેશન પર લઈ જશે.

2. મિશનને માત્ર દક્ષિણ ધ્રુવ પર જ કેમ મોકલવામાં આવી રહ્યું છે?
ચંદ્રના ધ્રુવીય પ્રદેશો અન્ય પ્રદેશો કરતાં તદ્દન અલગ છે. અહીં ઘણા ભાગો છે, જ્યાં સૂર્યપ્રકાશ ક્યારેય પહોંચતો નથી અને તાપમાન -200 ડીગ્રી સેલ્સિયસની નીચે જાય છે. આવી સ્થિતિમાં વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે બરફના રૂપમાં હજુ પણ પાણી હાજર હોઈ શકે છે. ભારતના 2008ના ચંદ્રયાન-1 મિશને ચંદ્રની સપાટી પર પાણીની હાજરીનો સંકેત આપ્યો હતો.

આ મિશનની લેન્ડિંગ સાઇટ ચંદ્રયાન-2 જેવી જ છે. 70 ડીગ્રી અક્ષાંશ પર ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક. જો બધું બરાબર રહ્યું તો ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક સોફ્ટ-લેન્ડ કરનાર વિશ્વનું પ્રથમ અવકાશયાન બનશે. ચંદ્ર પર ઊતરવા માટેના અગાઉનાં તમામ અવકાશયાન વિષુવવૃત્તીય પ્રદેશમાં​​​​​, ચંદ્ર વિષુવવૃત્તની ઉત્તર અથવા દક્ષિણમાં થોડા ડીગ્રી અક્ષાંશ પર ઊતર્યા છે

3. આ વખતે લેન્ડરમાં 5ને બદલે 4 એન્જિન શા માટે?
આ વખતે લેન્ડરના ચાર ખૂણા પર ચાર એન્જિન (થ્રસ્ટર્સ) છે, અને છેલ્લી ઘડીએ વચ્ચેનું પાંચમું એન્જિન હટાવી દેવામાં આવ્યું છે. આ સિવાય ફાઈનલ લેન્ડિંગ માત્ર બે એન્જિનની મદદથી કરવામાં આવશે, જેથી બે એન્જિન ઈમર્જન્સીમાં કામ કરી શકે. ચંદ્રયાન 2 મિશનમાં છેલ્લી ક્ષણે પાંચમું એન્જિન ઉમેરવામાં આવ્યું હતું. જે એન્જિનને હટાવી દેવામાં આવ્યું છે, જેથી વધુ ઈંધણ સાથે લઈ જઈ શકાય.

4. મિશન માત્ર 14 દિવસ માટે જ શા માટે હશે?
મનીષ પુરોહિતે જણાવ્યું હતું કે,  “ચંદ્ર પર 14 દિવસ-રાત અને 14 દિવસ પ્રકાશ રહે છે. જ્યારે અહીં રાત હોય છે, ત્યારે તાપમાન -100 ડીગ્રી સેલ્સિયસથી નીચે જાય છે. ચંદ્રયાનનું લેન્ડર અને રોવર તેમની સોલર પેનલથી પાવર જનરેટ કરશે. એટલા માટે તેઓ 14 દિવસ સુધી પાવર જનરેટ કરશે, પરંતુ રાત્રિના સમયે પાવર જનરેશન પ્રક્રિયા બંધ થઈ જશે. જો ત્યાં પાવર જનરેશન ન હોય તો ઇલેક્ટ્રોનિક્સ સખત ઠંડીનો સામનો કરી શકશે નહીં અને બગડી જશે.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button