ડાંગ

સુબીર તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા જામન્યામાળ ગામે નાના ભૂલકાઓ માટે પાયાનું શિક્ષણ મેળવવા આંગણવાડીનું મકાન ન હોય બાળકોને ખાનગી કાચા ઘરના ઓટલા પર અભ્યાસ કરવાની નોબત ઉભી થતા સ્થાનિક તંત્રની લાલીયાવાડી ખુલ્લી પડી

સુબીર તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા જામન્યામાળ ગામે નાના ભૂલકાઓ માટે પાયાનું શિક્ષણ મેળવવા આંગણવાડીનું મકાન ન હોય બાળકોને ખાનગી કાચા ઘરના ઓટલા પર અભ્યાસ કરવાની નોબત ઉભી થતા સ્થાનિક તંત્રની લાલીયાવાડી ખુલ્લી પડી છે. સુબીર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ જામન્યામાળ ગામે વચલા ફળિયામાં આદિવાસી નાના ભુલકાઓને પાયાનું શિક્ષણ મેળવવા ફાંફાં પડી રહ્યાં છે. જામન્યામાળ વચલા ફળિયામાં આંગણવાડી મકાન તોડી નંખાયા બાદ ઇજારદારે નવું મકાનનું બાંધકામ કરવાની તસ્દી ન લેતા નાના ભૂલકાઓ કાચા ઘરના ઓટલા પર શિક્ષણ મેળવી રહ્યાં છે.

હાલ ચોમાસાની સિઝન હોય ઘરના ઓટલા પર વરસાદની વાછટથી બાળકો પલળી જતા બિમાર થઈ જતા હોય વાલીઓને આર્થિક નુકસાની વેઠવાની નોબત ઉભી થાય છે. રાજય સરકાર આદિવાસી બાળકોના શિક્ષણ માટે વર્ષે દહાડે કરોડો રૂપિયાનો આંધણ કરે છે પરંતુ સ્થાનિક તંત્ર અને ઇજારદારની મીલીભગતમાં યોજનાઓ કાગળ પરજ પૂર્ણ કરી દેતા સરકારનો હેતુ પૂર્ણ થતો નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં ઓરડાઓની ઘટ સાથે ઓછા શિક્ષકોને કારણે સ્કૂલોનો વહીવટ ખાડે ગયો છે, જેનું મુખ્ય કારણ જિલ્લા વિકાસ અધિકારીની જગ્યા જ ઇન્ચાર્જ દ્વારા ચલાવાય રહી છે. જેથી જિલ્લાનું સફળ સંચાલન ન થતા વિકાસ રૂંધાયો છે તેવામાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથાર સુબીર તાલુકાના જામન્યામાળ ગામે આંગણવાડી કેન્દ્રના મકાનનું બાંધકામ ક્યા કારણે અટવાયું છે તેની તપાસ હાથ ધરી આદિવાસી નાના ભુલકાઓને સુવિધાયુક્ત શિક્ષણ મળે તે દિશામાં યોગ્ય કાર્યવાહી હાથ ધરે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.

Related Articles

Back to top button