દેશમણિપુરરાજનીતિરાજ્ય

ઇઝરાયલીઓ કેવી રીતે ફસાયાં છે મણિપુરમાં?

તેઓ ત્યાં કેવી રીતે પહોંચ્યા?

મે મહિનાના પહેલા અઠવાડિયાથી દેશના પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં હિંસા ફેલાયેલી છે. કેટલાકના મતે તે કૂકી-મૈતેઈ, ખ્રિસ્તી અને હિંદુ, પહાડવાસી સામે તળેટીવાસી, આદિવાસી તથા બિનઆદિવાસી, ગેરકાયદેસર ઘૂસણખોરી, ડ્રગ્સના વેપાર માટેનો સંઘર્ષ છે.

જોકે, આ બધાની વચ્ચે બનેઈ મિનાશે સમુદાય પણ પ્રભાવિત થયો છે. જે સ્થાનિક બોલચાલમાં ‘કૂકી’ તરીકે ઓળખાય છે, પરંતુ તેમનાં મૂળ ઇઝરાયલી છે.

તેઓ સેંકડો વર્ષથી તેઓ પૂર્વોત્તર ભારતમાં સ્થાયી થયા છે, પરંતુ હવે તેઓ વતન જવાની વાટમાં છે. યહૂદી તરીકેની માન્યતા મળ્યા બાદ સેંકડો બનેઈ મિનાશે ઇઝરાયલ હિજરત કરી ગયા છે અને ત્યાંના સ્થાનિક સમુદાયમાં ભળી ગયા છે.

બાકી રહેલાઓ ત્યાં સ્થાયી થવાનું સપનું જુએ છે. પયગંબરે કરેલી અગમવાણી તેમને વિશ્વાસ અપાવે છે કે તેઓ એક સમયે પોતાના વતન ઇઝરાયલ પરત ફરી શકશે.

ઇઝરાયલે આલિયાહ દ્વારા ન કેવળ ભારતમાંથી પરંતુ અન્ય દેશોમાં વસતા યહૂદીઓને તેમના વતનમાં વસાવવા માટે પ્રયાસ કર્યા છે અને આને માટે તેની જાસૂસી સંસ્થા મોસાદે દીલધડક ઑપરેશનો પણ હાથ ધર્યાં છે.

કુકીઓનું મૂળ DNA ઇઝરાયલ

યહૂદીઓનો ઇતિહાસ તામ્રયુગ દરમિયાન શરૂ થાય છે. જ્યારે ઇશ્વરે વણજારાના નેતા અબ્રાહમને કહ્યું કે તે તેમના કહેવા મુજબ કરશે તો તેઓ મહાન લોકોના પિતા બનશે. ઇશ્વરે તેમને એકેશ્વરવાદનો પ્રચાર કરવા કહ્યું, એ પહેલાં લોકો અનેકેશ્વરવાદમાં માનતાં. એટલે સુધી કે અબ્રાહમના પિતા પણ મૂર્તિઓ વેચીને આજીવિકા રળતા.

અબ્રાહમને યહૂદીઓના આદિપુરુષ માનવામાં આવે છે. તેઓ ખ્રિસ્તીઓ અને મુસ્લિમો માટે પણ મહત્ત્વપૂર્ણ પાત્ર છે. મુસ્લિમોમાં તેમને ઇબ્રાહિમ તરીકે ઓળખવામાં આવે છે. તેમના દીકરા ઇસ્માઇલને આરબોના આદિપુરુષ માનવામાં આવે છે.

અબ્રાહમના પુત્ર આઇઝેક અને આઇઝેકની પત્ની રિબકા જોડિયાં બાળકોનાં માતા-પિતા બન્યાં.

જ્યારે રિબકા ગર્ભવતી હતાં, ત્યારે ઇશ્વરે તેમને કહ્યું કે તેઓ બે દીકરાને જન્મ આપશે. બંને મહાન દેશની સ્થાપના કરશે. આ ઉપરાંત મોટો ભાઈ તેના નાનાભાઈની નીચે કામ કરશે.

મોટા દીકરા એસાવ કુશળ શિકારી બન્યા અને વિચરતું જીવન ગાળતા, જ્યારે નાના દીકરા જૅકબને સ્થિર જીવન પસંદ હતું અને તેઓ તંબુઓમાં નિવાસ કરતા. જૅકબને યાકૂબ તરીકે પણ ઓળખવામાં આવે છે.

એસાવના જન્માધિકારને બદલે જૅકબ યુક્તિપૂર્વક તેમના પિતા પાસેથી રાજ્યાધિકાર મેળવવામાં સફળ રહ્યા. આથી એસાવ ગુસ્સે થયા. તેમના કોપથી બચવા માટે તેમણે પૂર્વજોની ભૂમિ મૅસોપોટેમિયા (વર્તમાન સમયના ઇરાક તથા આસપાસના વિસ્તાર) જવાનું નક્કી કર્યું.

માર્ગમાં જૅકબને દૈવી સાક્ષાત્કાર થયો, જેમાં ઇશ્વરે તેમને જમીન તથા અનેક સંતાન આપવાનું વચન આપ્યું, જે પૃથ્વી માટે આશીર્વાદરૂપ સાબિત થશે. જૅકબે સાક્ષાત્કારના સ્થળને ‘બૅથલ’ એવું નામ આપ્યું. અહીંથી જૅકબ તેમના મામા લાબાનને ત્યાં પહોંચ્યા અને તેમના ઘેટાં-બકરાં સાચવવામાં મદદ કરવા લાગ્યાં.

અહીં જૅકબને મામાનાં દીકરી રાહેલ સાથે પ્રેમ થઈ ગયો. જ્યારે મામાએ મહેનતના બદલામાં વળતર માટે પૂછ્યું, ત્યારે જૅકબે નાનાં દીકરી રાહેલ સાથે લગ્ન કરાવવાનો પ્રસ્તાવ મૂક્યો. રાહેલનો હાથ મેળવવા માટે જૅકબે સાત વર્ષ સુધી કામ કરવું એવું બંને વચ્ચે નક્કી થયું.

જોકે, રાહેલ સાથે લગ્ન માટે યોજાયેલાં સમારંભમાં મામા લાબાને કપટપૂર્વક મોટાં દીકરી લેઆહને જૅકબ સાથે પરણાવી દીધાં. જ્યારે જૅકબે આ મુદ્દે પોતાના મામા લાબાન સામે સવાલ ઉઠાવ્યા, ત્યારે તેમણે કહ્યું કે મોટી દીકરી પહેલાં નાની દીકરીનાં લગ્ન થઈ શકે તેમ ન હોવાથી તેમણે આમ કર્યું.

મામા લાબાને તેમને શાંત થવા અને રાહેલ સાથે લગ્ન કરવા માટે વધુ સાત વર્ષ સુધી કામ કરવાની શરત મૂકી. જેનો જૅકબે સ્વીકાર કર્યો. આગળ જતાં બંનેનાં પણ લગ્ન થયાં.

લાબાને તેમનાં મોટાં દીકરી લેઆહને સેવા માટે ઝિલ્પાહ અને નાનાં દીકરી રાહેલને દાસી તરીકે બિલ્હાહ આપ્યાં. આગળ જતાં જૅકબે પત્ની લેઆહના કહેવાથી ઝિલ્પાહને તથા રાહેલની સહમતિથી બિલ્હાહને ઋતુદાન કર્યું.

આટલાવર્ષો દરમિયાન એકઠી કરેલી ધનસંપત્તિ પત્નીઓ અને સંતાનોને લઈને જૅકબે પૅલેસ્ટાઇન તરફની મુસાફરી શરૂ કરી.

રસ્તામાં તેમનો ભેટો અજાણ્યા ગેબી અને દિવ્યપુરુષ સાથે થયો. જેમણે જૅકબનું નામ બદલીને ‘ઇઝરાયલ’ કર્યું. પરત ફર્યા બાદ બંને ભાઈઓ વચ્ચે સમાધાન થયું અને તેઓ સ્થાયી થયા.

જૅકબને 12 દીકરા થયા, જેમાંથી 10 તેમની જાતિઓના મૂળપુરુષ બન્યા. લેઆહ થકી તેમને એકમાત્ર દીકરી દીનાહનો થયો. રાહેલ થકી જન્મેલા બેન્જામિન અને જોસેફ થયા. જોસેફ પોતે કોઈ જાતિના મૂળપુરુષ ન હતા, પરંતુ તેમના દીકરા મિનાશે અને એફરમના નામથી જાતિઓ અસ્તિત્વમાં આવી. પૂર્વજ ઇઝરાયલના નામ થકી તેઓ ‘ઇઝરાયલી’ તરીકે ઓળખાયા.

ઇઝરાયલીઓ : વતન અને નિર્વસન

બાઇબલ મુજબ, જૅકબના વારસદારો લગભગ 450 વર્ષ સુધી ઇજિપ્તમાં રહ્યા અને ‘ઇઝરાયલ’ નામના રાષ્ટ્રનો ઉદય થયો. આને કારણે ઇજિપ્તવાસીઓ ભય અનુભવવા લાગ્યા અને તેમણે ઇઝરાયલીઓ (યહૂદી નહીં) ઉપર ગાળિયો કસવાનું શરૂ કર્યું. તેમને ગુલામ તરીકે કામ કરવા માટે મજબૂર કર્યા.

ઇઝરાયલીઓની સંખ્યા ઘટાડવા માટે તેમના નવજાતોને નાઇલ નદીમાં વહાવી દેવાનું શરૂ કર્યું. તેમણે ઇશ્વર પાસે સહાયની યાચના કરી એટલે તેમણે હજરત મૂસાને મોકલ્યાં.

માતાએ બાળ મૂસાને ટોકરીમાં મૂકી તેને નાઇલ નદીમાં તરતી મૂકી દીધી. તેમનું ભાવિ ઇશ્વરની મરજી ઉપર છોડ્યું, પરંતુ મૂસાનો બચાવ થયો. ઇજિપ્તના શાસકનાં દીકરીએ તેમને બચાવ્યાં અને રાજકુમારની જેમ તેમનો ઉછેર થયો. એક વખત યુવા મૂસાએ ઇઝરાયલીઓ સાથે થઈ રહેલા અન્યાય સામે અવાજ ઉઠાવ્યો અને દમન કરી રહેલા ઇજિપ્તના ચોકીદારની હત્યા કરી નાખી.

રાજાના કોપથી બચવા માટે તેઓ નાસી છૂટ્યા. નિર્વસન દરમિયાન તેમણે ચાલીસ વર્ષ સુધી ગોવાળ તરીકે કામ કર્યું અને ત્યાંના ધર્મગુરુનાં દીકરી સાથે લગ્ન થયું. આ સમયે તેમનો ઇશ્વરીય સંવાદ થયો, ઇજિપ્તમાંથી તેમના લોકોને ગુલામીમાંથી બહાર કાઢીને તેમને વચનના વતન સુધી લઈ જવા કહ્યું.

મૂસાએ ઇશ્વર સમક્ષ શંકા વ્યક્ત કરી કે ઇઝરાયલીઓ તેમની વાત નહીં માને તો? એટલે ઇશ્વરે તેમને ચમત્કારિક શક્તિઓ આપી. એ પછી મૂસા ઇજિપ્ત પરત ગયા અને શાસક સમક્ષ પોતાના લોકોની મુક્તિની માગ કરી.

ઇજિપ્તના શાસકે તેમ કરવાનો ઇન્કાર કર્યો એટલે તેમના ઉપર 10 પ્લેગનો કોપ વરસાવ્યો. એ પછી ઇઝરાયલીઓને જવા દેવા માટે તેઓ તૈયાર થયા. પાછળથી મન બદલતા તેમણે ઇઝરાયલીઓની પાછળ 600 રથમાં સૈનિકો મોકલ્યા.

જ્યારે તેઓ રાતા સમુદ્ર પાસે પહોંચ્યા, ત્યારે તેણે મૂસા અને ઇઝરાયલીઓને મારગ કરી આપ્યો. જ્યારે દુશ્મનોના સૈનિક ત્યાં પહોંચ્યા, ત્યારે તેમની ઉપર પાણી ફરી વળ્યું અને તેમનો નાશ થયો.

ત્રણ મહિના સુધી રણમાં મુસાફરી કર્યા બાદ તેઓ શિનાઈ પહાડ પાસે પહોંચ્યા. અહીં ઇશ્વર અને મૂસા વચ્ચે સંવાદ થયો અને તેમને 10 દૈવી આજ્ઞા કરી. જે ઇઝરાયલીઓના જીવનનો આધાર બની. આજે કુલ 613 જેટલા નિર્દેશ છે, જે ખાણીપીણી, આરોગ્ય, સ્વચ્છતા અને ખોરાકને લગતી વાતો કહે છે અને યહૂદીઓ તેને અનુસરવાનો પ્રયાસ કરે છે.

મોસાદનું મિશન

ઇઝરાયલની જ્યૂ એજન્સી દ્વારા વિશ્વભરમાં ઠેર-ઠેર ફેલાયેલા યહૂદીઓને દૂધ અને મધથી ભરપૂર ‘વચનના વતન’માં પરત લાવવા અને તેમને વસાવવાનું કામ કરે છે.

યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ સમયે પણ અનેક યહુદીઓને યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી બહાર કાઢવામાં આવ્યા હોવાનું કહેવાય છે.

વર્ષ 1984માં ઇથિયૉપિયામાંથી હજારો યહૂદીઓ રાહતછાવણીમાં રહેવા માટે મજબૂર હતા. જ્યાં તેમની ઉપર અત્યાચાર થતા હતા.

આથી, તેમને સલામત રીતે બહાર કાઢવા માટે ઇઝરાયલનાં સંરક્ષણદળો અને મોસાદે ઑપરેશન હાથ ધર્યું હતું. મોસાદની વિશેષ ટુકડીઓ વિદેશમાં વસતા યહૂદીઓની સુરક્ષા કરવાના તથા તેમને વતન પરત લાવવાની પ્રવૃત્તિ સાથે જોડાયેલી હતી. મોસાદના અભિયાનને ‘ઑપરેશન મોઝેસ’ નામ આપવામાં આવ્યું હતું. શરૂઆતમાં તેમને નકલી પાસપોર્ટ અને બીજી કાયદેસરની રીતે બહાર કાઢવામાં આવ્યા.

એ પછી ઇથિયૉપિયાના તત્કાલીન શાસક સાથે મોસાદે સોદો કર્યો, જે મુજબ ગૃહયુદ્ધમાં ફસાયેલા શાસકને ‘યહૂદીઓને ભરીને વિમાન ઊડે અને હથિયાર ભરીને ઊતરે’ના કરાર કરવામાં આવ્યા હતા. લગભગ છ મહિના સુધી આમ ચાલ્યું, એ પછી ઇઝરાયલના સંરક્ષણમંત્રીની કથિત ભૂલથી આ વિગત સાર્વજનિક થઈ ગઈ, જેના કારણે આ વ્યવસ્થા પડી ભાંગી.

પાડોશી દેશ સુદાનમાં પહોંચેલા યહૂદી શિક્ષકે અમેરિકા અને ઇઝરાયલની અનેક યહૂદી તથા માનવાધિકાર સંસ્થાઓ અને સરકારી તંત્રને મદદ માટે પત્રો લખ્યા, આમાંથી એક પત્ર મોસાદ સુધી પહોંચ્યો. આ શિક્ષકની મદદથી ઇથિયૉપિયામાં વસતા યહૂદીઓને સુદાનના રસ્તે બહાર નીકળવાની આશા દેખાઈ.

ઇથિયૉપિયામાં છૂટાછવાયા રહેનાર, પરંતુ પોતાના મૂળને નહીં ભૂલનારા યહૂદીઓએ પગપાળા લગભગ 800 કિલોમિટરની મુસાફરી શરૂ કરી. રસ્તામાં ભૂખમરા, લૂંટ, પાણીના અભાવે, બીમારીથી અનેક લોકો મૃત્યુ પામ્યા.

આ કાળા યહૂદીઓ સુદાનમાં રાહતછાવણીઓ સુધી પહોંચ્યા. જ્યાં પણ તેમની યાતનાઓનો અંત ન હતો. ત્યાં યુવતીઓ સાથે દુર્વ્યવહાર થયાં, અપહરણ થયાં અને તેમને મધ્યપૂર્વીય દેશોમાં વેચી દેવાઈ.

મોસાદે બનાવટી નામથી સુદાનના બીચને પર્યટનના નામે લીઝ ઉપર લઈ તેને દેખાવે રિસૉર્ટમાં ફેરવી દરિયાઈમાર્ગે સેંકડો યહૂદીઓને સુદાનમાંથી બહાર કાઢ્યા હતા. આ માટે સુદાનની ગુપ્ત પોલીસ, સીઆઈએ, ભાડૂતી સૈનિકો સહિત અનેકે મદદ કરી હતી કે તેમને પૈસા આપીને ખરીદવામાં આવ્યા હતા.

ઇઝરાયલના ઇતિહાસકાર માઇકલ બાર-ઝોહાર તેમના પુસ્તક ‘મોસાદ’ના 21માં પ્રકરણમાં તેનો ઉલ્લેખ કર્યો છે. એ પછી પણ વર્ષો સુધી આ પ્રક્રિયા ચાલતી રહી છે અને જૂજ સંખ્યામાં યહૂદી ત્યાં બાકી રહેવા પામ્યા છે.

જૅકબનાં પત્ની રાહેલનાં દાસી બિલ્હાહ થકી ડેન થયા હતા, મૂસાના દીકરા તેમને ઇથિયૉપિયા દોરી ગયા હતા. જ્યારે મિનાશેના વંશજો લાંબી યાત્રા ખેડીને પૂર્વોત્તર ભારત પહોંચ્યા હતા.

ભારતમાં તબક્કાવાર આગમન

ઈસુ પૂર્વે આઠમી સદીમાં અસીરિયનોના હુમલામાં ઉત્તર ઈઝરાયલના રાજનું પતન થયું. સમુદાયના મૌખિક ઇતિહાસ પ્રમાણે, આ સમુદાય પર્શિયા (વર્તમાન સમયનું ઈરાન), અફઘાનિસ્તાન, તિબેટ અને ચીન થઈને પૂર્વોત્તર ભારત પહોંચ્યો હતો. એ સમયે પ્રચલિત ‘સિલ્ક રૂટ’ને મળતો જણાય છે. તેઓ વર્તમાન સમયના બાંગ્લાદેશ, ભારત અને મ્યાનમારની ત્રિભેટે આવેલા મિઝોરમ અને મણિપુરમાં મુખ્યત્વે રહે છે.

સદીઓ સુધી તેઓ પૂર્વોત્તર ભારતમાં અલગ-થલગ જીવન જીવતાં અને પૂર્વજો દ્વારા જણાવવામાં આવેલી કેટલીક પ્રથા-રિવાજોનું પાલન કરતા. મુખ્ય પ્રવાહથી દૂર અલગ જીવન જીવતા હોવાથી પૂર્વોત્તર ભારતના શાસકોએ તેમની ઉપર ધ્યાન કેન્દ્રિત નહોતું કર્યું અને તેઓ પોતાની ધાર્મિકમાન્યતાઓને અનુસરતા રહ્યા. છ કોણવાળા ડેવિડના તારાનું ધાર્મિકચિહ્ન પણ તેમની માન્યતા સાથે જોડાયેલું હતું.

પૂર્વજો દ્વારા જણાવવામાં આવતું કે તેઓ એક દિવસ તેઓ બધા ‘વચનના વતન’માં જઈ શકશે અને આ વાત પિતા-પુત્ર અને માતા-પુત્રીના માધ્યમથી પેઢી દર પેઢી સદીઓ સુધી ચાલતી રહી.

19મી સદીના અંતભાગમાં બ્રિટિશરાજના પગ દેશમાં મજબૂત થઈ ગયા હતા. આ અરસામાં દેશમાં ઈસાઈ ધર્મનો ફેલાવો થયો અને ખ્રિસ્તી મિશનરીઓ તથા પાદરીઓએ દેશભરમાં અલગ-અલગ સ્થળોએ ધર્મપ્રચાર માટેની યાત્રાઓ ખેડી.

તેમણે પૂર્વોત્તર ભારતના આદિવાસીવિસ્તારોમાં પણ ગયા. જેમાં મિનાશેના વંશજો પણ સમાવિષ્ટ હતા. તેમણે ખિસ્તીધર્મનો અંગીકાર કર્યો. વર્ષ 1951માં તચાલાહે દાવો કર્યો હતો કે ઇશ્વરે તેમને કહ્યું છે કે હવે તેઓ પવિત્રભૂમિએ પરત ફરી શકશે. જોકે, એ સમયે તેમના સંબંધનો સ્વીકાર નહોતો કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે ત્રણ વર્ષ પહેલાં જ ઇઝરાયલનો જન્મ થયો હતો.

1970ના દાયકામાં જ્યારે બાઇબલનો સ્થાનિક ભાષામાં અનુવાદ કર્યો ત્યારે તેમને રીત-રિવાજ અને આચરણમાં ઇઝરાયલીઓ સાથે સમાનતા દેખાઈ હતી. મિઝો સમુદાયના ઝૈથાનચૂંગીએ ગુમ થયેલી જાતિનો દાવો આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવ્યો હતો અને ઇઝરાયલમાં તથા વિદેશમાં અનેક સેમિનારોમાં આ મુદ્દે સંશોધનપત્રો રજૂ કર્યાં છે.

આ સમુદાયના દાવાની સત્યતા ચકાસવા માટે ઇઝરાયલના રબાઈએ પ્રતિનિધિઓને અહીં મોકલ્યા હતા. તેમની રહેણી-કરણી, યહૂદી માન્યતા મુજબ શું ખાવા યોગ્ય છે અને શું નથી, લોકકથાઓ, ધર્મગીતો, કપડાં વગેરે વિશે છણાવટ કરતા તેમાં ઘણી સામ્યતા જોવા મળી હતી.

ત્યારબાદ ડીએનએ તપાસ કરવામાં આવતાં, સમુદાયના માતૃપક્ષના ડીએનએ મધ્યપૂર્વની ઉત્પતિ ધરાવતા હોવાનું બહાર આવ્યું હતું. આવું આંતરલગ્નોને કારણે થયું હોય શકે. આ પછી ઇઝરાયલની કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓએ આ મુદ્દે ત્યાં તજવીજ હાથ ધરી હતી.

માર્ચ-2005માં ઇઝરાયલના મુખ્ય રબાઈએ પૂર્વોત્તર ભારતમાં રહેતા તેમને મિનાશેના વંશજ અને યહૂદી તરીકે માન્યતા આપી, જેના કારણે આલિયાહ હેઠળ ઇઝરાયલમાં તેમનો કાયમી વસવાટ શક્ય બન્યો. યહૂદી હોવાને કારણે તેમને ત્યાંના ગૃહ મંત્રાલયના ક્લિયરન્સની જરૂર નથી રહેતી.

યહૂદી ધર્મમાં ધર્માંતરણ બાદ, હિબ્રૂ ભાષા, રીતરિવાજ, સંસ્કૃત્તિ, ધાર્મિક રિવાજ અને પુરુષ હોય તો તેના સુન્નત બાદ તેમને ઇઝરાયલ મોકલવામાં આવે છે. લગભગ બે હજાર 700 વર્ષ પછી હજારોની સંખ્યામાં મિનાશે ઇઝરાયલમાં વસવાટ કરે છે અને તે ઇઝરાયલના સંરક્ષણબળો, શિક્ષણ તથા અન્યક્ષેત્રે પ્રદાન આપે છે.

એ સમયે કેટલાક ઇઝરાયલી નિષ્ણાતોએ કહ્યું હતું કે પૅલેસ્ટાઇન સાથે જોડાયેલાં વિસ્તારોમાં વસતિ વધે તે માટે આવા છેવાડાંના લોકોને લાવીને અહીં વસાવવામાં આવી રહ્યા છે.

વેપારને કારણે પણ હજારો યહૂદીઓનું ભારતમાં આગમન થયું હતું. સદીઓ પહેલાં સ્પાઇસ-રૂટના રસ્તે મલાબારના દરિયાકિનારે તેઓ પહોંચ્યા અને ત્યાં સ્થાયી થયા. બ્રિટિશરાજમાં રાજધાની કલકત્તા અને આર્થિક રાજધાની બૉમ્બેમાં પણ વેપાર અર્થે આવેલા યહૂદી હજારોની સંખ્યામાં આ શહેરોમાં અસ્તિત્વ ધરાવતા હતા.

ભારતમાંથી તબક્કાવાર નિર્ગમન

ઈસ 1945થી 1950 દરમિયાન વૈશ્વિકસ્તરે ત્રણ ઘટના ઘટી, જે ભારતમાં વસતા યહૂદીઓનું ભાવિ નક્કી કરવાની હતી. હિટલરના શાસનકાળ દરમિયાન યહૂદીઓને વંશીય નિકંદનનો સામનો કરવો પડ્યો હતો. એટલે બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીના પરાજય પછી વિશ્વભરમાં વસતા યહૂદીઓને પોતાના વતનની આશા દેખાઈ હતી.

પહેલાં વિશ્વયુદ્ધ પછીથી જ વર્તમાન સમયના પૅલેસ્ટાઇનની આસપાસ યહૂદીઓ એકઠા થઈને વસાહતો સ્થાપવા લાગ્યા હતા અને આરબો સાથે તેમના સંઘર્ષ થતા હતા. છેવટે 1948માં ઇઝરાયલ વિશ્વના નક્શા ઉપર અસ્તિત્વમાં આવ્યું. પૉલેન્ડ, જર્મની, અમેરિકા, બ્રિટન, પૉર્ટુગલ સહિત યુરોપ અને વિશ્વભરમાંથી યહૂદીઓ અહીં આવીને વસવા લાગ્યા.

1947માં દેશના ભાગલા થયા. શરૂઆતના વર્ષ અંધાધૂંધીભર્યા હતા અને ખાનગી ઉદ્યમીઓને રાષ્ટ્રીયકરણ, હિંસા, કોમવાદ વગેરે કારણે તેમને સંપત્તિ માટે જોખમ દેખાતું હતું. ઇઝરાયલનું ગઠન થતા ભારતીય યહૂદીઓ ‘વચનના વતન’માં સ્થાયી થવા પહોંચ્યા.

જોકે, પ્રારંભિક દાયકામાં ત્યાં પહોંચેલા ભારતીયોને યુરોપના શ્વેત યહૂદીઓની સામે ઘઉંવર્ણા હોવાને કારણે રંગભેદનો સામનો કરવો પડ્યો હતો.

શ્વેત દુકાનદારો દ્વારા ભારતીય યહૂદીઓને સફેદના બદલે કાળી બ્રૅડ આપવામાં આવતી. તેમને હંગામી તથા સામાન્ય પ્રકારના ઘરમાં રહેવું પડતું, જે તેમના ભારતના જીવનધોરણ કરતાં ઘણું નીચું હતું. તેમને અન્ય યહૂદીઓ સાથે લગ્નની મંજૂરી ન હતી અને તેની મંજૂરી મેળવવા માટે તેમણે આંદોલન કરવું પડ્યું હતું.

ઇથિયૉપિયાથી આવેલા કાળા યહૂદીઓ સાથે પણ રંગભેદને કારણે અન્યાય થયો હતો. એક ઘટનામાં તેમના દ્વારા કરવામાં આવેલું રક્તદાન ઍઇડ્સના ચેપની આશંકાને કારણે ફેંકી દેવામાં આવ્યું હતું.

ઇથિયૉપિયાનાં કાળાં યહૂદી મહિલાઓને જાણ બહાર ગર્ભનિરોધક ઇંજેક્શન આપવામાં આવતાં હોવાના આરોપ લાગ્યા હતા. તેમની વસતિમાં અસામાન્ય ઘટાડો નોંધાતા તપાસ દરમિયાન આ વાત બહાર આવી હતી. આ ડૉક્યુમૅન્ટ્રી બહાર આવતાં સમાજમાં ખળભળાટ મચી ગયો હતો.

પૂર્વોત્તર ભારતમાં વસતા હજારો બેનઈ મિનાશે ઇઝરાયલ જોવાનું સપનું જુએ છે અને તાજેતરની હિંસા પછી તેમની ઇચ્છામાં વૃદ્ધિ જ થઈ હશે.

એવું શું છે કે દુનિયાભરના યહૂદી સમુદાય ઇઝરાયલમાં એકઠા થઈ રહ્યાં છે?

બાઇબલમાં કરવામાં આવેલી અગમવાણી પ્રમાણે, વિશ્વના દરેક ખૂણેથી યહૂદીઓની જાતિઓ ઇઝરાયલમાં એકઠી થશે. જોસેફના સંતાનો મિનાશે અને એફરમના સંતાનો પ્રાચીન ઇઝરાયલીઓને નેતૃત્વ આપશે.

ભારતથી ગયેલા મિનાશે ઇઝરાયલના સંરક્ષણબળોમાં ફરજ નિભાવી રહ્યા છે, એટલે કેટલાકને તે આગાહીમાં તથ્ય જણાય છે. બાઇબલમાં અનુયાયીઓને જે કહેવામાં આવ્યું છે, તેના પર તેમને વિશ્વાસ છે. જે મુજબ:

તમે ગભરાશો નહીં, હું તમારી સાથે છું; હું તમારા સંતાનોને પૂર્વથી લાવીશ અને પશ્ચિમથી એકઠાં કરીશ.

હું ઉત્તરને કહીશ, ‘તેમને સોંપી દો,’ અને દક્ષિણને કહીશ, ‘તેમને રોકશો નહીં.’

મારા દીકરાને દૂર-દૂરથી લાવો અને મારી દીકરીઓને ધરતીના છેડેથી પણ લાવો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button