નર્મદા

ડેડીયાપાડાના કોકમ ગામે ઝરવાણી પ્રોજેક્ટ અંતર્ગત ચાલતા પાઇપલાઇનના કામમાં મજૂર પાઈપો નીચે દબાઈ જતા મોત

ડેડીયાપાડાના ડુમખલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલા કોકમ ગામે ચાલતા SSNL ડીપાર્ટમેન્ટ હેઠળના ઝરવાણી પ્રોજેક્ટમાં હાલ પાઇપલાઇન નાખવાનું કામકાજ ચાલી રહ્યું છે. જેનો કોન્ટ્રાક્ટ VRS પ્રાઇવેટ લિમિટેડ કંપનીને આપવામાં આવેલો છે. આ કંપનીનો પાઇપલાઇનનો માલ સામાન કોકમ ગામે રાખવામાં આવ્યો હતો. આ પાઇપલાઇનની કામગીરીમાં મજૂર તરીકે જતા છનાભાઈ ખાતરીયાભાઈ વસાવા આજ રોજ ટ્રકમાંથી પાઇપ ઉતારતી વખતે અચાનક એકાએક પાઇપ ખસી જતાં પાઈપો નીચે દબાઈ ગયા હતા. પાઇપ નીચે દબાઈ જવાથી છના ભાઈ વસાવાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

ઘટનાસ્થળે જોતા કામ કરતી એજન્સી દ્વારા કામ અર્થે આવતા મજૂરોને કોઈ પણ જાતની સેફ્ટીના સાધનો આપવામાં આવ્યા નહોતા. આ રીતેનો કોઈ મોટો પ્રોજેક્ટ ચાલતો હોય ત્યારે ત્યાં કામ કરતા કામદારોને હાથના મોજા, સેફટી બુટ, હેલ્મેટ, વગેરે જેવા સલામતીના સાધનો આપવાની જવાબદારી જે તે કામ કરતી એજન્સી કે કોન્ટ્રાક્ટરની હોય છે. ત્યારે આ ઘટનામાં કામ કરતી VRS પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ઘોર બેદરકારી સામે આવી છે. જેની સામે ત્યાંના સ્થાનિકોમાં કંપની સામે રોષ જોવા મળ્યો છે. આ અંગે એજન્સીને પૂછતાં કોઈ પણ જવાબ આપવાનું ટાળ્યું હતું. ત્યારે શું વહીવટી તંત્ર આ કામ કરતી એજન્સી સામે કોઈ કાયદાકીય પગલાં લેશે કે કેમ તે જોવું રહ્યું. તેમજ મૃતકના પરિવારને યોગ્ય વળતર મળે તેવું ત્યાંના સ્થાનિકોમાં માંગ ઉઠી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button