ગુજરાતરાજનીતિ

સોનગઢનો કાર્યક્રમ રદ કરી રાહુલ ગાંધી દિલ્હી જવા રવાના

શું ગુજરાતમાં ભારત જોડો ન્યાયયાત્રા પૂર્ણ?

આગામી લોકસભા ચૂંટણી પહેલાં રાહુલ ગાંધી મણિપુરથી મુંબઈ સુધી ભારત જોડો ન્યાયયાત્રા લઇને નીકળ્યા છે. ત્યારે ભારત જોડો ન્યાયયાત્રા હાલ ગુજરાતમાં ચાલી રહી છે. આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રાનો ગુજરાતમાં અંતિમ દિવસ હતો. રાહુલ ગાંધી સોનગઢનો કાર્યક્રમ રદ કરી દિલ્હી જવા રવાના થયા છે. આ સાથે જ ગુજરાતમાં ભારત જોડો ન્યાયયાત્રા પૂર્ણ કરી હતી. આવતીકાલે સાંજે કોંગ્રેસ સી.ઈ.સી.ની બેઠક યોજાશે. જે બાદ કોંગ્રેસની બીજી યાદી જાહેર થઈ શકે છે. હવે મંગળવારે અંતિમ તબક્કો ​​​​​​મહારાષ્ટ્રથી શરૂ કરાશે. ભરૂચ લોકસભા મતવિસ્તારમાં ‘આપ’ને ફળવાયેલ બેઠક મુદ્દે અહમદ પટેલ પરિવારમાં પ્રસરી રહેલ નારાજગી મુદ્દે જયરામ રમેશે જણાવ્યું કે આ બાબતે મને પણ દુઃખ છે.

આજે રાહુલ ગાંધીએ સ્વરાજ આશ્રમ ખાતે મુલાકાત લીધી હતી. આ દરમિયાન ફિલ્મ અભિનેતા અને કોંગ્રેસ નેતા રાજ બબ્બર, જયરામ રમેશ, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહિતના કોંગ્રેસ નેતાઓ જોડાયા હતા. બારડોલીમાં સભા રદ કરી રાહુલ ગાંધી વ્યારા પહોંચ્યા હતા. જ્યાં પરંપરાગત આદિવાસી નૃત્ય દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં રાહુલ ગાંધીએ ખુલ્લી જીપમાં લોકોને સંબોધ્યા હતા. ગુજરાત ખાતે યાત્રા દરમિયાન ‘ભારત જોડો ન્યાય યાત્રા’નું બીજું ગીત રિલીઝ કરાયું છે. નવા ગીતમાં કોંગ્રેસની તમામ ગેરંટીનો સમાવેશ કરવામાં આવ્યું છે.

22 લોકો પાસે ભારતની 50 ટકા વસ્તીના પૈસા છે: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ વ્યારામાં ખુલ્લી જીપમાં લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, ભારતમાં 22 લોકો એવા છે જેમની પાસે ભારતની 50 ટકા વસ્તી જેટલા પૈસા છે. સરકારે દેશના તમામ સેક્ટરને આ 22 લોકોને વેચી માર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ઉદ્યોગપતિને પૈસા મળી રહ્યા છે. વ્યારામાં રાહુલે અદાણી અને રિલાયન્સ પર નિશાન સાધ્યું હતું. તેમજ જનજાતિ ગણના અને આર્થિક સર્વેની માગ કરી હતી.

‘નોટબંધી અને GSTએ નાના-મધ્યમ વેપારને ખતમ કરી નાખ્યું’

ગુજરાતના 30 નાના વેપારીઓ અમારી જોડે આવ્યા હતા. તેમણે મને કહ્યું- નોટબંધી અને GSTએ ભારતના નાના-મધ્યમ વેપાર, ટેક્સટાઈલ ઉદ્યોગ, ડાયમંડ ઉદ્યોગને ખતમ કરી નાખ્યું. તો મેં તેમને પૂછ્યું કે નોટબંધી અને GSTનું લક્ષ્ય શું હતું? તો એમણે મને કહ્યું રાહુલજી નોટબંધી અને GSTનું લક્ષ્ય નાના વેપારોઓને ખતમ કરવાનું હતું.

‘અગ્નિવીર યોજના આવ્યા બાદ કોઈ સેનામાં જોડવા નથી માંગતું’

ભારતમાં પહેલાં લોકો તેમનાં બાળકોને સેનામાં મોકલતા હતા. કેમ કે જવાનોને સન્માન મળતું હતું. પરંતુ અગ્નિવીર યોજના આવ્યા બાદ સૈનિકોની વચ્ચે ભેદભાવ ઊભો થઈ ગયો છે. પહેલાં સેનાનાં સેન્ટર ભરેલાં જોવા મળતાં હતાં. ભરતી માટે લાઈનો લાગેલી જોવા મળતી હતી. પરંતુ આજે તે ખાલી જોવા મળે છે.

વ્યારામાં એક કોર્નર પબ્લિક મિટિંગ

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા તાપી જિલ્લાના વ્યારા ખાતે પહોંચી હતી. તેમણે વ્યારામાં એક કોર્નર પબ્લિક મિટિંગ કરી હતી. જેમાં દરમ્યાન તેમણે અદાણી અને રિલાયન્સ પર નિશાન સાધ્યું હતું. તેમણે જનજાતિ ગણના અને આર્થિક સર્વેની માગ કરી વિવિધ મુદ્દે મોદી અને અમિત શાહને નિશાને લીધા હતા. બાદ તેમની યાત્રા ટૂંકાવી સુરત એરપોર્ટ ખાતે રવાના થયા હતા.

‘અહમદ પટેલ પરિવારની નારાજગી મુદ્દે મને પણ દુઃખ છે’: જયરામ રમેશ

જયરામ રમેશ સહિત જીગ્નેશ મેવાણી, મનીષ દોષીએ પત્રકાર પરિષદ યોજી યાત્રાનો ઉદેશ્ય જણાવી આદિવાસી વિસ્તારમાં ફરી રહેલ ન્યાય યાત્રા આદિવાસીઓ માટે કઈ રીતે ફળદાયી રહશે. સાથે ભરૂચ લોકસભા મતવિસ્તારમાં આપને ફળવાયેલ બેઠક મુદ્દે અહમદ પટેલ પરિવારમાં પ્રસરી રહેલ નારાજગી મુદ્દે પૂછતાં તેમણે જણાવ્યું કે આ બાબતે મને પણ દુઃખ છે. નિરાશા છે કે ભરૂચ નથી લડી શક્યા. 40 વર્ષથી અમે આ સીટ નથી જીતી શક્યા પણ આજેય એ સીટ અહેમદ પટેલના નામથી જોડાયેલી છે. મને પણ ઉદાસી થઈ. મુમતાઝ અને ફૈઝલ કોંગ્રેસ સાથે છે અને રહેશે. એમની નારાજગી છે, નિરાશા છે. ગઠબંધનમાં એ સીટ નીકળી ગઈ.

બારડોલી સ્વરાજ આશ્રમની મુલાકાત લીધી

આજે સવારે 10:30 વાગ્યે રાહુલ ગાંધીએ સ્વરાજ આશ્રમની મુલાકાત લીધી હતી. આશ્રમની સ્થાપના વલ્લભભાઈ પટેલ દ્વારા 1922માં કરવામાં આવી હતી અને 1928માં તેમણે અહીંથી બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું હતું. જેને કારણે તેઓ સરદાર પટેલ તરીકે ઓળખાવા લાગ્યા. બારડોલી સત્યાગ્રહ એક સીમાચિહ્નરૂપ છે.

11 માર્ચે ભારત જોડો યાત્રાનો વિરામ

કૉંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે, આવતીકાલે 11મી માર્ચે વિરામ રહેશે. નંદુરબાર ખાતે 12મી માર્ચે ‘આદિવાસી સંમેલન’ યોજાઈ રહ્યું છે. જ્યાં રાહુલ ગાંધી આદિવાસી સમુદાયને સંબોધશે. 13મી માર્ચે, ધુલેમાં, કોંગ્રેસ અધ્યક્ષ અને રાહુલ ગાંધી ‘નારી ન્યાય’ અંગે કોંગ્રેસ પક્ષની બાંયધરી જાહેર કરશે. આ ચોથો ‘ન્યાય’ હશે. ‘શ્રમિક ન્યાય’ મુંબઈમાં અંતે જાહેરાત કરવામાં આવશે.

હિન્દૂ સંગઠન અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ

બારડોલીમાં રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન હિન્દુ સંગઠને જય શ્રી રામના નારા લગાવ્યા હતા. જ્યારે કોંગ્રેસના કાર્યકરોએ રાહુલ ગાંધી જિંદાબાદના નારા લગાવ્યા હતા. બારડોલી સર્કલ પર કાર્યકરો સામસામે આવી ગયા હતા તેમજ ઉગ્ર નારેબાજી વચ્ચે હાથાપાઈ પર ઊતરી આવ્યા હતા. હિન્દૂ સંગઠનના કાર્યકરોએ ‘જો રામ કા નહીં, વો કિસી કામ નહીં’ના નારા લગાવ્યા હતા. જ્યારે કોંગ્રેસ કાર્યકરોએ ‘રાહુલ ગાંધીના સબકો જય શ્રીરામ’ના નારા લગાવ્યા હતા. પોલીસે સ્થળ પર પહોંચી આવી સમર્થકોને છુટા પાડ્યા હતા.

મંગળવારે ફરી યાત્રા મહારાષ્ટ્રથી શરૂ થશે

બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે રાહુલ ગાંધી મુલાકાત લીધી હતી. સરદાર પટેલના બીજા નિવાસસ્થાન તરીકે સ્વરાજ આશ્રમ ઓળખાય છે. તેમજ બોરડોલીમાં કોર્નર મિટિંગ યોજી હતી. રોડ શો બાદ બારડોલીથી બાજીપુરા અને વ્યારા ખાતે યાત્રા જશે.રાહુલ ગાંધી સોનગઢનો કાર્યક્રમ રદ કરી દિલ્હી જવા રવાના થયા છે. આ સાથે જ ગુજરાતમાં ભારત જોડો ન્યાયયાત્રા પૂર્ણ કરી હતી. આવતીકાલે યાત્રાનો વિરામ રહેશે અને મંગળવારે મહારાષ્ટ્રથી યાત્રા ફરી શરૂ કરશે.

રાજ બબ્બર યાત્રામાં જોડાયા

ફિલ્મ અભિનેતા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા રાજ બબ્બર યાત્રામાં જોડાયા છે. તેઓ તેમણે સ્વરાજ આશ્રમ ખાતે સરદાર નિવાસની મુલાકાત લીધી હતી. રાજ બબ્બર ૩ વખત લોકસભા અને 2 વખત રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે.

રાજ બબ્બરે મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, આ યાત્રામાં સહભાગી થવા આવ્યો છું. આ ખૂબ જ ઐતિહાસિક સ્થળ છે. દેશની આઝાદી માટે અને કોંગ્રેસ માટે પણ સરદાર સાહેબે આંદોલન સંચાલન અહીંયાંથી કર્યું હતું. અહીંયાંથી આશીર્વાદ લઈને દેશમાં એક સાર્થક આંદોલન, એક ન્યાયનું આંદોલન, મહોબ્બતનું આંદોલન એક બરાબરીનું આંદોલન રાહુલ ગાંધી કરી રહ્યા છે.

સુરત જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા પહોંચી ગઈ છે. ગતરોજ સાંજે આ યાત્રાએ સુરત જિલ્લામાં પ્રવેશ કર્યો હતો. માંગરોળ તાલુકાના ઝંખવાવ ત્રણ રસ્તા પર યાત્રાનું કોંગ્રેસના કાર્યકરોએ સ્વાગત કર્યું હતું. તેમજ માંડવી તાલુકામાં રાહુલ ગાંધીએ રાત્રી રોકાણ કર્યું હતું. માંડવીથી યાત્રા નીકળી અને સરદાર નગરી બારડોલીમાં પ્રવેશ કર્યું હતું. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રાને લઇને સુરત જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ગઈકાલે ન્યાયયાત્રા સુરત જિલ્લામાં પ્રવેશી હતી

ગઈકાલે સુરત જિલ્લામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા સુરત જિલ્લામાં આવી પહોંચી હતી. જ્યાં ઝંખવાવ ત્રણ રસ્તા ખાતે યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો એકઠા થયા હતા. કોંગ્રેસના કાર્યકરોનું અભિવાદન રાહુલ ગાંધીએ ઝીલ્યું હતું. હવે યાત્રા માંડવી ખાતે જવા રવાના થઈ હતી. રાહુલ ગાંધીના સુરત જિલ્લામાં આગમનને લઈને કોંગ્રેસમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

નેત્રંગમાં રાહુલ ગાંધીનું સંબોધન

નેત્રંગમાં યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ભાજપવાળા તમને કહેશે સારો વિકાસ થઇ રહ્યો છે, પણ વિકાસ અદાણી-અંબાણીનો થઇ રહ્યો છે, તમારો નહીં. આદિવાસીઓ હિન્દુસ્તાનની જમીનના પહેલા માલિક છે. ભાજપ તમને આદિવાસી નથી કહેતી તે તમને વનવાસી કહે છે કારણ કે તે તમને તમારા અધિકાર આપવા માંગતી નથી. અદાણીનાં દેવા માફ થઇ જાય છે પણ તમને તમારો હક નથી મળતો, ભાજપ ખેડૂતોના અને આદિવાસીઓનાં દેવા માફ કરતી નથી. કોંગ્રેસ તમને તમારા જળ-જમીનના તમામ હક્ક આપશે.

રાહુલ ગાંધીએ પ્રસિદ્ધ હરસિદ્ધિ માતાના મંદિરમાં દર્શન કર્યા હતા

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા રાજપીપળા ખાતેથી વાડિયા પેલેસ, કાળિયાભૂત, ગાંધી ચોક, સંતોષ ચોકડી, સફેદ ટાવર, આંબેડકર પ્રતિમા, કાલાઘોડા તરફના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ હતી. રાહુલ ગાંધીએ રાજપીપળાના પ્રસિદ્ધ હરસિદ્ધિ માતાના મંદિરમાં જઇ દર્શન કર્યા હતા. રાહુલ ગાંધીને નિહાળવા અને રાહુલ ગાંધીનું સ્વાગત કરવા હજારોની સંખ્યામાં જનમેદની ઊમટી પડી હતી. એક વૃદ્ધ આદિવાસી મહિલા 10 રૂપિયાનાં ફૂલો લઈને રાહુલ ગાંધીને પુષ્પો અર્પણ કરવા માટે આવી હતી, પરંતુ રાહુલ ગાંધીની સાથે મુલાકાત ન થતા આદિવાસી મહિલા રડમસ થઈ હતી.

ન્યાયયાત્રા છોટાઉદેપુર થઈ નર્મદા ગઈ હતી

સવારે ખાંડીવાવ ખાતેથી યાત્રા પ્રસ્થાન કરાઈ હતી, ત્યાંથી કકરોલિયા ખાતે છોટાઉદેપુર જિલ્લામાં પ્રવેશ કર્યો જ્યાં રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાંથી યાત્રા આગળ વધી અને બોડેલીના અલીપુરા થઈ નસવાડી ગામમાં યાત્રાએ પ્રવેશ કર્યો હતો. જે બાદ રાહુલ ગાંધી ન્યાયયાત્રા લઇને નર્મદા જિલ્લામાં પહોંચ્યા હતા.

70 સામાજિક સંગઠનો સાથે રાહુલ ગાંધીએ મુલાકાત કરી હતી

ભારત જોડો ન્યાયયાત્રાના ત્રીજા દિવસે 70 સામાજિક સંગઠનો સાથે રાહુલ ગાંધી મુલાકાત કરી હતી. નર્મદા જિલ્લાના કુંવરપારા વિસ્તારમાં મુલાકાત યોજાઇ હતી. જે દરમિયાન ખેડૂતો, આદિવાસી અને દલિતના મુદ્દા પર કામ કરતાં એક્ટિવિસ્ટ પણ જોડાયા હતા. જે બાદ ભરૂચમાં યોજાનારી જનસભામાં ચૈતર વસાવા હાજર રહ્યા હતા. ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે.

રાહુલ ગાંધીએ પાવાગઢ મંદિરનાં દર્શન કર્યા હતા

ગોધરા અને હાલોલમાં જનમેદની સંબોધ્યા બાદ રાહુલ ગાંધીએ પાવાગઢ મંદિરનાં દર્શન કર્યા હતા. ત્યાં મંદિરની તળેટીમાં આવેલ ત્રણ દેવીનાં મંદિરે દર્શન કર્યા હતા. આ મંદિર મૂળ ખોડિયાર માતાનું છે પરંતુ ત્યાં મહાકાળી માતાનાં પગલાં પણ છે. રાહુલ ગાંધીએ દર્શન બાદ મંદિરમાં 501 રૂપિયા ભેટ ચડાવી હતી.

હાલોલમાં રાહુલ ગાંધીનું સંબોધન

ભારતમાં જે કોઈ ગરીબ વ્યક્તિ છે તેમની સાથે આ દેશમાં અન્યાય થઈ રહ્યો છે. એક તરફ અદાણી જેવા લોકો છે તો બીજી તરફ ભારતના 90 ટકા લોકો છે. દેશની જે પૂંજી છે એ 4-5 લોકોના હાથમાં છે. ભારતના અરબપતિઓની 200 કંપની છે, જે ભારતના ધનને કાબૂ કરે છે. આ 200 લોકોમાં સામાન્ય કે ગરીબ લોકો કેટલા છે? એકપણ નહીં. અદાણીની સિનિયર મેનેજમેન્ટમાં એકપણ આદિવાસી કે દલિત કે ગરીબ નથી. 70 ટકા લોકો દેશને બનાવવાનું કામ કરે છે, પણ જ્યારે ધન આપવાનું કે કામ આપવાનું આવે તો તેમનો સમાવેશ થતો નથી. નરેન્દ્ર મોદીએ 50-60 લોકોને 24 વર્ષના મનરેગાના પૈસા આપી દીધા. ભારતના બજેટને 90 લોકો ચલાવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button