દેશરાજનીતિ

આજે શુભ મુહૂર્તમાં લોકસભા, ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી જાહેર થશે

ગુજરતામાં વિધાનસભાની છ બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે

  • ભાજપ 400 બેઠકો જીતવા, ‘ઈન્ડિયા’ એનડીએને હરાવવા મેદાનમાં : નવીન પટનાયકને 6ઠ્ઠી વખત સીએમ બનવાની આશા

  • ચૂંટણીની જાહેરાત સાથે આચારસંહિતા અમલી બનશે : 12 લાખ મતદાન મથકો પર 97 કરોડ લોકો મતદાન કરી શકશે


દેશમાં ખૂબ જ આતુરતાપૂર્વક લોકસભા ચૂંટણીની જાહેરાતની રાહ જોવાઈ રહી છે ત્યારે ચૂંટણી પંચે શનિવારે બપોરે લોકસભા ચૂંટણી અને ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરશે.વર્તમાન લોકસભાની મુદત ૧૬ જૂને પૂરી થઈ જાય છે. તે પહેલાં નવી લોકસભાની રચના થઈ જવી જરૂરી છે.  વધુમાં ગુજરાતમાં વિધાનસભાની છ બેઠકો પર પેટા ચૂંટણીની પણ જાહેરાત થવાની શક્યતા છે.  ચૂંટણી પંચે શુક્રવારે એક્સ પોસ્ટ પર જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી તેમજ ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ શનિવારે બપોરે ૩.૦૦ વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરવામાં આવશે.

આંધ્ર પ્રદેશ, સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ અને ઓડિશામાં વિધાનસભાની મુદત જૂનમાં પૂરી થવાની છે. આ ચૂંટણીની જાહેરાત સાથે દેશભરમાં ચૂંટણી આચાર સંહિતાનો અમલ શરૂ થઈ જશે.

વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી વખતે  ચૂંટણી કાર્યક્રમની જાહેરાત ૧૦ માર્ચે થઈ હતી અને ૧૧ એપ્રિલથી શરૂ કરીને સાત તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી તથા ૨૩ મેના રોજ મતગણતરી થઈ હતી. વર્ષ ૨૦૧૪માં પણ ચૂંટણી પંચે ચૂંટણી કાર્યક્રમની જાહેરાતના એક દિવસ પહેલાં પત્રકારોને આમંત્રણ પાઠવ્યું હતું. આ વર્ષે ચૂંટણીમાં ૧૨ લાખ મતદાન મથકો ઉપર ૯૭  કરોડ લોકો મતદાન કરવા માટે લાયક છે.

છેલ્લી લોકસભા ચૂંટણીમાં ભાજપે ૩૦૩ બેઠકો પર વિજય મેળવ્યો હતો જ્યારે કોંગ્રેસને બાવન બેઠક મળી હતી. કોંગ્રેસ લોકસભામાં વિપક્ષના નેતાના પદનો દાવો કરવા જેટલી બેઠકો પણ જીતી શકી નહોતી. ૨૦૨૪ની લોકસભા ચૂંટણી વિપક્ષ ઈન્ડિયા ગઠબંધન માટે કરો યા મરોના યુદ્ધ સમાન છે.

ભાજપે આગામી લોકસભા ચૂંટણીમાં પોતાના માટે ૩૭૦થી વધુ અને એનડીએ માટે ૪૦૦થી વધુ બેઠકો પર વિજયનો લક્ષ્યાંક નિશ્ચિત કર્યો છે. કેટલાક ઓપિનિયન પોલ મુજબ એનડીએને આ વખતે લોકસભાની ૫૪૩માંથી ૪૧૧ બેઠકો મળી શકે છે જ્યારે ભાજપ એકલા હાથે ૩૫૦થી વધુ બેઠકો જીતવાનો વિક્રમ સર્જી શકે છે.

લોકસભાની સાથે  આંધ્ર પ્રદેશ, સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ અને ઓડિશામાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે. આંધ્ર પ્રદેશમાં વાયએસઆર કોંગ્રેસનું શાસન છે જ્યારે આ વખતે વિપક્ષ ટીડીપીનું પલ્લુ ભારે લાગે છે. બીજીબાજુ ઓડિશામાં નવીન પટનાયકના નેતૃત્વમાં બીજેડી સતત છઠ્ઠી વખત ચૂંટણી જીતવાનો વિક્રમ સર્જે તેવી સંભાવના છે. ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની સાથે ગુજરાતમાં વિધાનસભાની છ બેઠકો પર પેટા ચૂંટણીની પણ જાહેરાત થઈ શકે છે. ગુજરાતમાં કોંગ્રેસના ચાર, આપના એક અને એક અપક્ષ ધારાસભ્યે તેમની બેઠકો પરથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હોવાથી હાલ છ બેઠકો ખાલી છે. લોકસભા ચૂંટણીની સાથે વિધાનસભાની આ બેઠકો પર પણ પેટા ચૂંટણી યોજવાની શક્યતા છે.

કોંગ્રેસની લોકસભામાં બધા જ વીવીપેટની ગણતરીની માંગ

લોકસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાતની પૂર્વ સંધ્યાએ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ શુક્રવારે માગણી કરી હતી કે, મતગણતરી સમયે વોટર વેરીફિએબલ પેપર ઓડિટ ટ્રેઈલ (વીવીપેટ)ની ગણતરી થવી જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, લોકો માગણી કરી રહ્યા છે કે આગામી ચૂંટણી ઈવીએમના બદલે બેલટ પેપરથી થવી જોઈએ. અમે શરૂઆતથી માગ કરી રહ્યા છીએ કે ૧૦૦ ટકા વીવીપેટની ગણતરી થવી જોઈએ જ્યારે ચૂંટણી પંચ માત્ર કેટલાક વીવીપેટની ગણતરી કરે છે. વીવીપેટ ઈવીએસ સાથે જોડાયેલી એક સ્વતંત્ર સિસ્ટમ છે, જે મતદારોને તેમનો મત તેમણે આપેલા પક્ષને જ ગયો હોવાની ખાતરી પૂરી પાડે છે. મતદાર મતદાન કરે ત્યારે સિરિયલ નંબર, પક્ષના નામ, ઉમેદવારના નામ સાથેની એક સ્લિપને સાત સેકન્ડ સુધી મતદાર પારદર્શી કાચ મારફત જોઈ શકે છે. ત્યાર પછી આ સ્લિપ વીવીપેટના ડ્રોપ બોક્સમાં જતી રહે છે. મત ગણતરી સમયે સેમ્પલ સ્વરૂપે કેટલીક વીવીપેટ સ્લિપની ગણતરી કરવામાં આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button