દેશરમતગમત

જન્મ દિવસની ખાસ ઉજવણી: જાણો કેપ્ટન કૂલની ટિકિટ કલેક્ટરથી ટ્રોફી કલેક્ટર સુધીની સફર

ભારતમાં ક્રિકેટ એ કોઈ રમ્મ્ત નહીં, પરંતુ તે એક તહેવાર તરીકે ઉજવવામાં કે મનાવવામાં આવે છે. અને આ તહેવારના  ભગવાન તરીકે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને માનવામાં આવે છે. ભારતીય ક્રિકેટમાં એક એવો પણ યુગ હતો, જેમાં સચિન તેંડુલકર આઉટ થઈ જાય તો લોકો TV બંધ કરી દેતા હતા. લોકો બસ સચિન તેંડુલકરને જોવા માટે જ ટીવી જોતા હતા, પણ સમય સંજોગો સાથે ઇતિહાસ બદલાતો ગયો અને એક ક્રિકેટર એવો આવ્યો, જેણે જોવા માટે સચિન તેંડુલકર જેવા મહાન ખેલાડી આઉટ થયો હોય તો પણ લોકોને ટીવી સામે બેસી રહેવા મજબૂર કરી દીધા હતા. લોકોને આશા રહેતી કે સચિન તેંડુલકર આઉટ થયો તો કાઇ નહીં, પરંતુ  વર્લ્ડનો બેસ્ટ ફિનિશર તો ટીમનો તારણહાર બનશે અને ટીમને જીત અપાવશે જ. હા, વાચક મિત્રો…. એ ક્રિકેટર એટલે મહેન્દ્ર સિંહ ધોની.

મહેન્દ્ર સિંહ ધોની, એક એવું નામ, જેને જોવા માટે, તેની એક ઝલક પામવા માટે સ્ટેડિયમ, હોટલ, ઘર, નાનાં બાળકો હોય કે વૃદ્ધો, પુરુષ હોય કે સ્ત્રી, કોઈપણ હોય, તેઓ ધોનીને જોવા માટે તલપાપડ હોય છે. વિશ્વના સૌથી સન્માનિત કેપ્ટનમાંના એક મહેન્દ્ર સિંહ ધોનીએ તેના બેટ, તેની આગેવાની અને સ્ટમ્પ પાછળની તેની શૈલીથી દેશને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની એક આગવી ઓળખ બનાવી છે અને તેમણે ક્રિકેટમાં ઘણી જીત અપાવવામાં મદદ કરી છે. દુનિયાના ક્રિકેટ ચાહકો મેદાનમાં તેની પ્રભાવશાળી હાજરી ઝંખે છે. આ ક્રિકેટર ધોની, માહી, કેપ્ટન કૂલ અને થાલા તરીકે ઓળખાય છે. તેના ચાહકો તેને આજે પણ ભગવાનની જેમ પૂજે છે. આ ક્રિકેટ પ્રેમીઓનું  ક્રેઝ તો આપણે આ વખતની IPL સીઝનમાં જોઈ જ લીધો છે. કોઈપણ સ્ટેડિયમ હોય, અમદાવાદથી લઈને મુંબઈ, દિલ્હીથી લઈને ચેન્નઈ સુધી પીળી જર્સી જ જોવા મળી હતી અને લોકો ધોનીને રમતો જોવા માગતા હોવાથી રવીન્દ્ર જાડેજાના આઉટ થવાની પ્રાર્થના કરતા હતા! વાચક મિત્રો છે ને જબરદસ્ત ક્રેઝ…

આજે આપણે મહેન્દ્ર સિંહ ધોનીના જન્મ દિવસના દિવસે તેના જીવન સફરમાં ટિકિટ કલેક્ટરથી લઈને ટ્રોફી કલેક્ટર સુધીની સફર જાણીશું…

૭  જુલાઈ, ૧૯૮૧ માં રાંચી બિહાર, (હાલનું ઝારખંડ)માં પાન સિંહ ધોની અને દેવકી દેવીને ત્યાં એક બાળકનો જન્મ થયો. પિતાએ તેનું નામ મહેન્દ્ર પાડયું હતું. પિતા પમ્પ ઓપરેટર હતા. માતા ઘર કામ કરતાં હતા. અને પરિવાર મધ્યમવર્ગી હતું. અન્ય માતા-પિતાની જેમ જ પાન સિંહ ધોની પોતાના ત્રણ બાળક નરેન્દ્ર, જયંતી અને મહેન્દ્ર સિંહ ધોનીને સારું ભણીને આગળ વધે એવી તેમની ઇચ્છા હતી. જોકે મહેન્દ્ર ઉર્ફે માહીના મનમાં નાનપણથી જ સ્પોર્ટ્સ પ્રત્યે  રુચિ વધારે હતી. ધોની શાળાના દિવસોમાં ફૂટબોલ ટીમનો ગોલકીપર હતો. તેને ફૂટબોલનો ભારે શોખ હતો, પણ તેના ભવિષ્યનો લેખ ચીતરનાર એવા શાળાની ક્રિકેટ ટીમના કોચે માહીને વિકેટકીપર બનાવવાનો મન બનાવી લીધું હતું. તેમણે ધોનીને બોલાવીને વિકેટકીપિંગ શીખવાડીને સ્કૂલની ટીમમાં લીધો. DAV જવાહાર વિદ્યા મંદિર સ્કૂલ તરફથી રમતા ધોનીએ પોતાની બેટિંગ શૈલીથી આજુબાજુના વિસ્તારનાં લોકોના દિલ જીતી લીધા હતા,  પરંતુ પિતાને માહી ક્રિકેટમાં આગળ વધે એ નહોતું ગમતું, પણ તેની બહેન અને માતાનો ખૂબ જ સપોર્ટ કર્યો હતો. તે આગળ વધતો ગયો અને તેની બેટિંગ વધુને વધુ ખીલતી ગઈ.

જુવાનીમાં ખડગપુર રેલવે સ્ટેશને ટિકિટ કલેક્ટરની નોકરીથી કરી શરૂઆત…
વર્ષ ૨૦૦૦નો સમય, U-19 વર્લ્ડ કપનો સમય નજીક હતો. અને ક્રિકેટમાં ૨૦-૨૦ ફોર્મેટ નવું નવું હોવાથી U-19 વર્લ્ડ કપનું મહત્ત્વ ખૂબ જ હતું. જેનું કારણ એ પણ હતું કે,  આ ફોર્મેટથી સીધી રીતે સિનિયર ટીમમાં આવવાના ચાન્સ વધી જતા હતા. અને U-19 વર્લ્ડ કપ માટે ટીમ જાહેર થઈ અને એમાં મહેન્દ્ર સિંહ ધોનીનું નામ સામેલ નહોતું. તેનાં પરિવારજનોએ હાર માની લીધી અને માહી માટે નોકરી શોધવા લાગ્યા. ત્યારે રેલવે તરફથી ખડગપુર રેલવે સ્ટેશનના ડિવિઝનલ રેલવે મેનેજર અનિમેશ ગાંગુલીએ ધોનીને ટિકિટ કલેક્ટરની પોસ્ટ માટે ઑફર કરી, કારણ કે તેમણે ધોની અને તેની ક્રિકેટ શૈલી વિશે ખૂબ જ સાંભળ્યું હતું. ત્યારે માહીને મહિને સારા પગારની નોકરીની ઑફર થઈ. વર્ષ ૨૦૦૦માં માત્ર ૧૯ વર્ષની ઉંમરે આટલી સારી પોસ્ટ સાથે સરકારી નોકરી મળવી એ ખૂબ જ મહત્ત્વની વાત હતી. અને માહીએ ઘરની પરિસ્થિતીને ધ્યાને રાખીને એ સ્વીકારવી પડી.

નોકરી કંટાળીને છોડી દીધી, ક્રિકેટની ટ્રેન ફરી પકડી લીધી
મહેન્દ્ર સિંહ ધોનીએ TCની બે વર્ષ સુધી નોકરી દરમિયાન તે ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ ભૂલ્યો નહીં. માહી નોકરી માંથી જ્યારે પણ સમય મળે એટલે એ ટેનિસ બોલથી પણ ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું હતું. પરંતુ આ દરમિયાન તે રેલવે તરફથી ટ્રાયલ્સ આપતો હતો, પણ સફળતા તેને હાથ નહોતી લાગી. અંતે, ૨ વર્ષ પછી તે થાકીહારીને ક્રિકેટમાં જ કરિયર બનાવવાના ઈરાદા સાથે ટિકિટ કલેક્ટરની નોકરી છોડીને ઘરે આવવા માટે ક્રિકેટની ટ્રેન પકડી લીધી હતી.

ધોનીએ ક્રિકેટમાં પોતાનું ભવિષ્ય બનાવવા માટે ફરી સીઝન બોલથી રમવાનું ચાલુ કર્યું. જોકે રેલવેની નોકરી છોડી દેતાં પિતા નારાજ થઈ ગયા હતા, પરંતુ બહેન અને માતાનો સહકાર માલ્ટા  ધોનીએ પ્રદર્શન જારી રાખ્યું અને અંતે, આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું. અને બાંગ્લાદેશ સામે પહેલી જ મેચમાં તે પહેલા જ બોલે રનઆઉટ થયો. શરૂઆતમાં તેને વારંવાર નિષ્ફળતા હાથ લાગતી રહી, પરંતુ તેણે હાર ના માની. પાકિસ્તાન સામેની પછીની સિરીઝમાં વધુ એક તક મળી અને ત્યારના કેપ્ટન સૌરવ ગાંગુલીએ માહીને નંબર-૩  પર બેટિંગ કરવા મોકલ્યો. આ દાવ સફળ રહ્યો અને ધોનીએ પહેલી આંતરરાષ્ટ્રીય સેન્ચુરી ફટકારી. આ સાથે જ લાંબા વાળ રાખનાર ધોનીનો ક્રિકેટ જગતમાં પીળા કલરના સૂર્ય સમાન ઉદય થયો.

ધોનીને અચાનક કેપ્ટનપદ મળ્યું અને પછી ઈતિહાસ રચાઈ ગયો
વર્ષ ૨૦૦૭ ના વન-ડે વર્લ્ડ કપમાંથી ભારતની કારમી હારથી ચાહકોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો હતો. અરે, મોટા શહેરોમાં તો પોસ્ટર બાળવા અને પૂતળાં બાળવા સુધીની ઘટનાઓ ઘટી હતી. એ જ વર્ષે સાઉથ આફ્રિકામાં પહેલો T20 વર્લ્ડ કપ રમાયો હતો, જેમાં રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર, વીવીએસ લક્ષ્મણ, સૌરવ ગાંગુલી જેવા સિનિયર પ્લેયર્સે આ વર્લ્ડ કપમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો. અને ODI વર્લ્ડ કપમાંથી બહાર નીકળી જવાથી રાહુલ દ્રવિડે કેપ્ટનપદેથી રાજીનામું આપી દીધું હતું. અને ચાહકોએ હમેશાં જેઓને મેદાનમાં જોયા હતા એ ના દેખાતા ચાહક વર્ગમાં પણ તંગદિલી સર્જાય હતી.  હવે T20 વર્લ્ડ કપ હોવાથી કેપ્ટન કોને બનાવવો એની મૂંઝવણ વચ્ચે સચિન તેંડુલકરે મહેન્દ્ર સિંહ ધોનીને કેપ્ટનશિપ સોંપવા માટે ભલામણ કરી હતી.

અને એકદમ જુવાન ખેલાડીઓએ અને કોઈપણ પ્રકારના પ્રેશર વગર ધોની એન્ડ કંપનીએ પાકિસ્તાનને હરાવીને વર્લ્ડ કપ જીત્યો. ત્યાર પછી ઓસ્ટ્રેલિયામાં જઈને ઓસ્ટ્રેલિયાને હરાવીને CB સિરીઝ જીતી. વર્ષ ૨૦૦૯માં ન્યૂઝીલેન્ડને તેના જ ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં હાર આપીને પહેલીવાર નંબર-૧ નો ખિતાબ જીત્યો. ૨૦૧૧માં વર્લ્ડ કપ ફાઈનલમાં છગ્ગો ફટકારીને ૨૮ વર્ષનો દુકાળ ખતમ કર્યો. વર્ષ ૨૦૧૩માં ફરી એકદમ જુવાન ખેલાડીઓ સાથે રાખીને ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતી અને પહેલો એવો કેપ્ટન બન્યો, કે જેણે ICCની બધી જ ટ્રોફી પોતાની ઝોળીમાં નાખી હોય. માહીની કેપ્ટનશિપમાં ભારતે ૨ વખત એશિયા કપ જીત્યો અને અસંખ્ય બાઇલેટરલ સિરીઝ પોતાના નામે કરી. આ વાત કરી આપણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની. ડોમેસ્ટિક લીગની વાત કરીએ તો ૫  વખત IPL ટ્રોફી, બેવાર ચેમ્પિયન્સ લીગ પણ ધોનીએ જીતી છે. ટૂંકમાં, એવી કોઈપણ ટ્રોફી બાકી નથી રહી, જે ધોનીએ જીતી ના હોય.

ધોનીના ક્રિકેટ દુનિયામાં તેના નેજાપણા હેઠળના કિસ્સાઓ વિશે જાણો…

ક્યારે ધોનીના દિમાગી રમ્મ્ત વિશે દુનિયાને ખબર પડી…
વર્ષ ૨૦૦૭માં ૧૪ સપ્ટેમ્બરના રોજ ડર્બનમાં રમાયેલી ગ્રુપ મેચમાં ટીમ ઈન્ડિયા પહેલી બેટિંગ કરી રહ્યું હતું, જેમાં નિર્ધારિત ઓવરમાં ભારતે ૧૪૧ રન જ કર્યા હતા, જેમાં રોબિન ઉથપ્પાએ ૫૦ રન બનાવ્યા હતા. તો મહેન્દ્રસિંહ ધોનીએ ૩૩ રન કર્યા હતા. મોહમ્મદ આસિફે ૪ વિકેટ લીધી હતી, જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ પણ ૧૪૧  રને જ અટકી ગઈ હતી. છેલ્લી ઓવરમાં એસ.શ્રીસંતની ધારદાર બોલિંગના કારણે પાકિસ્તાન જીતી શક્યું નહિ અને મેચ ટાઈમાં પરિણમી હતી.

ત્યારે મેચ ઑફિશિયલ્સે મેચનું પરિણામ લાવવા માટે બોલઆઉટ કરવાનો નિર્ણય કર્યો હતો, જેમાં ભારતે ત્રણ બોલર સિલેક્ટ કર્યા હતા. હરભજન સિંહ, રોબિન ઉથપ્પા અને વિરેન્દ્ર સેહવાગને રાખ્યા હતા. આ તમામ ખેલાડીઓ સ્પિનર્સ છે. તો પાકિસ્તાને એક સ્પિનર અને બે ફાસ્ટ બોલર રાખ્યા હતા, જેમાં ભારતના ત્રણેય ખેલાડીઓએ બેઇલ્સ ઉડાડી હતી. તો પાકિસ્તાનના એકપણ ખેલાડી દાંડી ઉડાડી શક્યા નહોતા, જેના કારણે ટીમ ઈન્ડિયાએ આ મેચમાં જીત મેળવી હતી.

આ બોલઆઉટમાં ભારતની જીતનો મુખ્ય આધાર ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પણ છે. ધોની બોલઆઉટ વખતે એકદમ સ્ટમ્પ્સની પાછળ ઊભેલો છે, એટલે બોલર્સને સ્ટમ્પ્સને નિશાને લેવા માટે પર્ફેક્ટ જજમેન્ટ આવે, જે એકદમ સચોટ નીકળ્યું હતું અને ભારતના ત્રણેય બોલર્સે સ્ટમ્પ્સ બેલ્સ ઉડાડ્યા હતા. જ્યારે તેની સરખામણીમાં પાકિસ્તાનનો વિકેટકીપર કામરાન અકમલ આડોઅવળો ઊભો છે, જેના કારણે પાકિસ્તાનના બોલર્સને જજમેન્ટ મેળવવું અઘરું થઈ પડ્યું હતું અને તે એકપણ વાર સ્ટમ્પ્સને અડી પણ શક્યો નહિ.

એક સમયના ક્રિકેટ વિશ્વ વિજેતા ઓસ્ટ્રેલિયાને પરચો દેખાડી દીધો…

એમએસ ધોની પાસે ખરેખર જોરદાર મગજ છે જેનાથી તે ભલભલી ટીમ પાણીમાં બેસી ગઈ છે. જેમાં અનેક કિસ્સાઓ છે. તેમાનો એક કિસ્સો યાદ આવે છે કે વર્ષ ૨૦૦૮માં CB સિરીઝ વખતે ફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને ઈતિહાસ રચ્યો હતો. જ્યારે ટીમ ઈન્ડિયા જીતની આરે હતી, ત્યારે કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોની કે જેઓ માત્ર કેપ્ટનશિપના બીજા જ વર્ષમાં હતા, તેઓએ પોતાની ટીમ અને ડ્રેસિંગ રૂમમાં સ્પષ્ટપણે મેસેજ મોકલી દીધો હતો કે ટીમ જીતની ભારે ઉજવણી નહીં કરે. આમ કરવાનથી પોન્ટિંગ એન્ડ કંપનીને એક મેસેજ મળશે કે તેઓ અપસેટનો શિકાર નથી બન્યા, પરંતુ ટીમ ઈન્ડિયા જેવી સ્ટ્રોન્ગ ટીમ સામે હાર્યા છે અને હવે આવું થતું રહેશે. આટલી નાની ઉંમર અને માત્ર બીજું જ વર્ષ હોવા છતાં ધોનીની આ સ્ટ્રેટેજીએ માત્ર કાંગારૂઓને જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વને સ્પષ્ટપણે એક મેસેજ આપી દીધો કે ભારતીય ટીમ કોઈપણ જગ્યાએ પોતાનં ઝંડો લહેરાવી શકે તેમ છે.

ફાઈનલ ઓવરમાં હરભજનની જગ્યાએ અવિશ્વાસનીય કાર્ય કર્યું, જોગિન્દર શર્માને બોલ આપ્યો, પરિણામ… ભારત ચેમ્પિયન
૨૪ સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ રમાઈ હતી. જોહનિસબર્ગમાં રમાયેલી આ ફાઈનલમાં ભારતે પાકિસ્તાન સામે પ્રથમ બેટિંગ કરી હતી. જેમાં ભારતે ૨૦ ઓવરમાં ૫ વિકેટે ૧૫૭ રન બનાવ્યા હતા. જેમાં ગૌતમ ગંભીરે ૫૪  બોલમાં ૭૫ રન ફટકાર્યા હતા, તો રોહિત શર્માએ ૧૬ બોલમાં જ ૩૦ રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. ત્યારે ૧૫૮ રનના ટાર્ગેટને ચેઝ કરવા ઊતરેલી પાકિસ્તાનનો ધબડકો થયો હતો. જોકે મિસબાહ ઉલ હકે એક છેડો સાચવી રાખતા મેચને છેલ્લી ઓવર સુધી ખેંચી હતી. છેલ્લી ઓવરમાં પાકિસ્તાનને જીતવા માટે ૧૩ રનની જરૂર હતી. અને કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ સાવ નવા-સવા એવા જોગિન્દર શર્માના હાથમાં બોલ સોંપ્યો હતો.

અને જુઓ છેલ્લી ઓવરનો રોમાંચ… જોગિન્દર શર્મા/મિસબાહ ઉલ હક…
૧૯.૧ : જોગિન્દર શર્માએ પ્રેશરમાં આવીને પહેલો બોલ વાઈડ નાખ્યો હતો. હવે પાકિસ્તાનને જીતવા માટે ૬  બોલમાં ૧૨ રનની જરૂર.
૧૯.૧ : જોગિન્દર શર્માએ આઉટ સાઇડ ઑફ સ્ટંપમાં બોલ નાખ્યો હતો અને મિસબાહ તેને મારી શક્યો નહોતો અને બોલ ખાલી ગયો હતો. હવે પાકિસ્તાનને ૫ બોલમાં ૧૨ રનની જરૂર.
૧૯.૨ : જોગિન્દર શર્માએ ફૂલટોસ બોલ નાખ્યો, જેને મિસબાહે સીધો છગ્ગો ફટકારીને પાકિસ્તાનની છાવણીમાં જીતનો માહોલ સર્જી દીધો હતો. હવે પાકિસ્તાનને ૪ બોલમાં માત્ર ૬ રનની જરૂર.
19.3: મિસબાહને જોગિન્દર શર્માએ સ્લોઅર બોલ નાખ્યો હતો, જેને મિસબાહ થર્ડમેન ઉપરથી સ્કુપ શોટ મારીને ચોગ્ગો ફટકારવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તેનાથી સરખું ટાઈમિંગ થયું નહોતું અને તે થર્ડમેન ઉપર ઊભેલા એસ. શ્રીસંથના હાથે કેચ આઉટ થયો હતો.

આ સાથે જ ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચીને પાકિસ્તાનને ૫  રને હરાવીને T20 વર્લ્ડ કપનું સૌપ્રથમ ચેમ્પિયન બન્યું હતું. આ સાથે જ મહેન્દ્રસિંહની કેપ્ટનશિપનો સુવર્ણ યુગ પણ શરૂ થયો હતો.

૩ બોલમાં ૨ રન અને ધોનીએ વિકેટ પાછળથી કરી કમાલ…
ભારત ૨૦૧૬  T-20 વર્લ્ડ કપમાં નિર્ણાયક મેચ હારી જવાના આરે હતું કારણ કે બાંગ્લાદેશને છેલ્લી ઓવરમાં જીતવા માટે માત્ર ૧૧  રનની જરૂર હતી. ધોનીએ તે છેલ્લી ઓવર હાર્દિક પંડ્યાને આપી. તે વખતે પંડ્યા સાવ નવો હતો.

પ્રથમ ત્રણ બોલમાં ૯ રન આપ્યા બાદ મુશ્ફિકરે ભારતને મેચમાંથી વર્ચ્યુઅલ નોકઆઉટ મેચમાં બહાર કરી દેવાના કારણે સેલિબ્રેશન ચાલુ કરી દીધું હતું. અચાનક, માહીના માઇન્ડે બધું પલટી નાખ્યું. મુશ્ફિકરે પંડ્યાની બોલિંગમાં ધોનીની જેમ ફિનિશ કરવાના લોભમાં ડિપ મિડવિકેટ પર શોટ માર્યો, પણ ત્યાં ઊભેલા શિખર ધવને કેચ કરી લીધો. આ પછીના બોલે પંડ્યાએ મહમદુલ્લાહને ફૂલટોસ નાખ્યો, જેમાં તે પણ છગ્ગાથી ફિનિશ કરવાના ઈરાદે ફરી ડિપ મિડવિકેટ સાઇડ શોટ માર્યો, પણ ત્યારે તેમણે ફિલ્ડર બદલીને જાડેજાને રાખ્યો હોવાથી જાડેજાએ શાનદાર ડાઇવ કેચ કર્યો હતો.

હવે બાંગ્લાદેશને ૧  બોલમાં ૨ રનની જરૂર હતી. એટલે ધોનીએ અગાઉ જ જમણા હાથના ગ્લોવ્ઝ કાઢી નાખ્યા. સ્ટ્રાઈક પર શુભાગત હતો અને હાર્દિકે છેલ્લો બોલ નાખ્યો, શુભાગત ચૂકી ગયો અને ધોની વીજળીની માફક દોડીને રનઆઉટ કર્યો. આમ, માહીએ પોતાના પ્રેઝન્સ ઑફ માઇન્ડથી એકતરફી મળી રહેલી હારને રોમાંચક મેચને જીતમાં પલટીને ભારતને સેમિફાઈનલમાં પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઈશાંત શર્માને ઓવર આપીને સૌને ચોંકાવી દીધા, પણ દાવ સફળ રહ્યો
ઇંગ્લેન્ડ ૨૦૧૩ ની ચેમ્પિયન્સ ટ્રોફી જીતશે તેવી દરેક દેશના કેપ્ટનોએ આગાહી કરી હતી. વરસાદના કારણે ૫૦ ઓવરની ફાઈનલ ૨૦  ઓવરની થઈ. ભારતે પહેલા બેટિંગ કરતા નિર્ધારિત ઓવરમાં ૧૨૯ રન બનાવીને ઇંગ્લેન્ડને ૧૩૦  રનનો ટાર્ગેટ આપ્યો. ટીમ ઈન્ડિયાના બોલર્સે સારી શરૂઆત કરી. પણ ઇઓન મોર્ગન અને રવિ બોપારા, બે બેટર્સ કે જેમણે ઇંગ્લેન્ડનો વિજયનો સરળ માર્ગ બનાવી દીધો હતો. ત્યારે ધોનીએ ઈશાંત શર્માને ઓવર આપી. ઈશાંતે તે દિવસે ખરાબ બોલિંગ કરી હતી. ઉપરાંત ઇંગ્લેન્ડને ૧૮  બોલમાં માત્ર ૨૮  રનની જ જરૂર હતી. ધોનીએ ઈશાંત પર વિશ્વાસ દર્શાવ્યો અને ઈશાંતે તે સાર્થક કરી બતાવ્યો.

શર્માએ ઓવરનો પહેલો બોલ વાઈડ નાખ્યો. આ પછી ધોનીએ ઈશાંત સાથે વાત કરી. ત્રીજા બોલમાં, શર્માએ મોર્ગનને સ્લોઅર બોલ નાખ્યો અને સેટ બેટર મોર્ગન આઉટ થયો. પછી પાંચમા બોલે પણ ઈશાંતે વધુ એક સેટ બેટર રવિ બોપારાને શોર્ટ પિચ બોલ ફેંક્યો. જેમાં તે આઉટ થતાં ભારત ગેમમાં પરત ફર્યું હતું. છેલ્લી બે ઓવર ધોનીએ જાડેજા અને અશ્વિન પાસે નખાવી અને ચેમ્પિયન્સ ટ્રોફી ૫ રને જીતીને ઈતિહાસ રચી દીધો. તે ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાની સાથે જ મહેન્દ્ર સિંહ ધોની એકમાત્ર એવા કેપ્ટન બન્યા, કે જેઓએ ICCની તમામ ટ્રોફી જીતી હોય. તમને જણાવી દઈએ કે આ રેકોર્ડ હજુ પણ તૂટ્યો નથી. અને ભવિષ્યમાં કોઈ તોડી શકે તેના ચાન્સ પણ ખૂબ જ ઓછા છે.

વર્લ્ડ કપ ફાઈનલમાં ઇનફોર્મ યુવરાજ સિંહની જગ્યાએ પોતાને પ્રમોટ કરવો
એક નિર્ણય કે જેણે ધોનીને એક લેજેન્ડરી કેપ્ટન બનાવી દીધો, અને તે છે ૨૦૧૧માં શ્રીલંકા વિરુદ્ધ વર્લ્ડ કપ ફાઈનલમાં પોતાને બેટિંગ ઑર્ડરમાં પ્રમોટ કરવો. શ્રીલંકાના ખેલાડીઓએ સ્કોરબોર્ડ પર ૨૭૪ રનનો જબરદસ્ત સ્કોર બનાવ્યો. જે સ્કોર ફાઈનલમાં ક્યારેય કોઈએ ચેઝ કર્યો ન હતો અને ભારતનો રનચેઝ કરવામાં સ્કોર ૧૧૪/૩ હતો.

દરેકને અપેક્ષા હતી કે ફોર્મમાં રહેલા યુવરાજ સિંહ જે એક શાનદાર ટુર્નામેન્ટ રમી રહ્યો હતો, આવશે અને સ્ટ્રાઇક લેશે. તેના બદલે ધોની જ આવ્યો. ધોનીની ફાઈનલ સુધીની સફર ટુર્નામેન્ટની એવરેજ રહી હતી અને તેના કારણે આખી દુનિયાને આશ્ચર્ય થયું હતું. પરંતુ બધાને ખોટા પાડતા તેણે શાનદાર રીતે ગૌતમ ગંભીર (૯૭ રન) સાથે મેચ વિનિંગ ભાગીદારી કરી. ધોની ત્યારપછી રમતના શ્રેષ્ઠ ફિનિશરોમાંનો એક સાબિત થયો અને તેણે યુવરાજ સિંહ સાથે અંત સુધી બેટિંગ કરી. તેણે એક છગ્ગા સાથે ગેમ પૂરી કરી જે ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં યાદગાર ક્ષણોમાંની એક છે. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ ૨૮ વર્ષ પછી વર્લ્ડ કપ જીત્યો અને મહેન્દ્ર સિંહ ધોનીની ગણના દુનિયાના સફળ કેપ્ટનમાં થવા લાગી.

“નકારાત્મકતા”  ટેક્ટિક્સથી ઓસ્ટ્રેલિયા સામે મેચ જીતી
૨૦૦૮માં ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારત ૧-૦ થી આગળ હતું. ભારતે પ્રથમ બેટિંગ કરીને ૪૪૧ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા બીજા દાવમાં માત્ર ૪૯ ઓવરમાં ૧૮૯/૨ પર સારી બેટિંગ કરી રહ્યું હતું. ત્યારબાદ ધોનીએ તેના બોલરોને ઑફ-સ્ટમ્પની બહાર બોલિંગ કરવા માટે સૂચના આપી.

ઘણા ટીકાકારોએ ધોનીની “નકારાત્મક” વ્યૂહરચનાની ટીકા કરી અને તેને ડ્રો માટે રમવા માટે ફટકાર લગાવી. જોકે ઓસ્ટ્રેલિયાની ટીમ ૩૫૬ રનમાં આઉટ થઈ ગઈ હતી. તે પછી, ભારતે અચાનક વળતો હુમલો કર્યો અને સેહવાગે ૯૨ રન ફટકાર્યા અને ધોનીએ ઝડપી અડધી સદી ફટકારીને ૩૮૨ રનનો અસંભવિત લક્ષ્યાંક આપ્યો. ધોનીએ બધાને ખોટા પાડતા, ભારતે ૧૭૨ રનનો વિજય મેળવ્યો અને દરેકને ટેસ્ટમાં ધોનીની કંઈક વિશેષ ઝલક મળી.

આ તો વાત કરી ધોનીની કેપ્ટનશિપની, પણ હવે વાત કરીએ વિકેટ પાછળના એવા સ્ટમ્પિંગ્સ  ધોનીની…

રાઉન્ડ ધ વિકેટથી બોલ દ્વારા ચિત્ર બદલવું… 
ટીમ ઈન્ડિયાના સ્ટાર પ્લેયર રવિચંદ્રન અશ્વિને પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સુરેશ રૈના સાથે લાઇવ ચેટ વખતે ધોની વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે, ‘ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં માહીભાઈએ મને આવીને કહ્યું કે જોનાથન ટ્રોટને તું રાઉન્ડ ધ વિકેટથી બોલિંગ કર, એટલે બોલ ટર્ન થશે અને હું તેને સ્ટમ્પ્ડ કરી લઈશ. મેં તેવી રીતે બોલ નાખ્યો અને જોનાથન ટ્રોટ આઉટ થયો. મને આજ સુધી ખબર નહીં પડી કે માહીભાઈએ તે પ્લાન કેવી રીતે મારી પાસે એક્ઝીક્યૂટ કરાવ્યો, પણ સફળતા મળી.’

ધોનીના સ્ટમ્પિંગમાં: શબ્બીર રહેમાનનો પગ હવામાં રહ્યો અને ખતમ
૨૦૧૬ ના T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે વર્ચ્યુઅલ નોકઆઉટ મેચ રમી રહી હતી. ધોનીએ સુરેશ રૈનાના હાથમાં બોલ સોંપ્યો. સ્ટ્રાઈક પર શબ્બીર રહેમાન હતો. સુરેશ રૈનાએ લેગ સાઇડમાં બોલ નાખ્યો, જે વાઇડ ગયો. પરંતુ ત્યારે શબ્બીર રહેમાનનો એક પગ હવામાં હતો, અને ધોનીએ આંખના પલકારામાં જ તેને સ્ટમ્પ્ડ કર્યો.

૦.૦૮  સેકન્ડમાં જ બેટરને પેવેલિયન ભેગો કર્યો
વર્ષ ૨૦૧૮માં ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે વન-ડે મેચ હતી. તેમાં રવીન્દ્ર જાડેજા બોલિંગ કરી રહ્યો હતો અને સ્ટ્રાઈક પર કિમો પોલ હતો. જાડેજાએ મિડલ સ્ટમ્પ પર બોલ ફેંક્યો, જે થોડો ટર્ન થઈ ગયો, જેમાં વિકેટની પાછળ ઊભેલા ધોનીએ માત્ર ૦.૦૮ સેકન્ડમાં કિમો પોલને સ્ટમ્પ્ડ કર્યો. માત્ર ૦.૦૮ સેકન્ડ એટલે આંખના પલકારા કરતા પણ ઝડપથી સ્ટમ્પિંગ કરીને સૌને ચોંકાવી દીધા હતા. આ સ્ટમ્પિંગ ક્રિકેટ ઈતિહાસમાં ફાસ્ટેસ્ટ સ્ટમ્પિંગ છે.

નો લૂક રનઆઉટ…
૨૦૧૭માં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચોથી વન-ડે મેચ હતી. જેમાં ૪૬મી ઓવરમાં ઉમેશ યાદવના બોલ પર રોસ ટેલરે ફાઇન લેગ પર ફ્લિક શોટ માર્યો. બાઉન્ડરી પર ઊભેલા ધવલ કુલકર્ણીએ તેને રોકીને વિકેટકીપર તરફ ફેંક્યો. બધાને એમ હતું કે રોસ ટેલર બીજો રન આરામથી પૂરો કરી લેશે. પણ કેપ્ટન કૂલના મગજમાં કંઈ બીજું જ હતું. તેમણે હાથના એક ગ્લોવ્ઝ કાઢીને સ્ટમ્પને જોયા વગર ડાયરેક્ટ હીટ કરી. થર્ડ અમ્પાયર પાસે નિર્ણય ગયો અને પરિણામ… આઉટ. ધોનીના આ નો લૂક રનઆઉટ ભારે ચર્ચામાં રહ્યા છે. તેમની પ્રેઝન્સ ઑફ માઇન્ડ કમાલની હતી.

મિચેલ માર્શને પ્રેઝન્સ ઑફ માઇન્ડથી પછડાટ આપી
વર્ષ ૨૦૧૬માં ભારત ઓસ્ટ્રેલિયા વન-ડે સિરીઝ રમવા ગઈ હતી. જેમાં એક મેચમાં બ્રિએન્દર સરને ગ્લેન મેક્સવેલને બોલ ફેંક્યો, તો મેક્સવેલે કવર પર શોટ માર્યો. ઉમેશ યાદવે બાઉન્ડરી રોકીને વિકેટકીપર સાઇડ થ્રો કર્યો. હવે ત્રીજો રન પૂરો કરવામાં મિચેલ માર્શ સ્ટ્રાઈક એન્ડ પર જતો હતો. ત્યારે ધોનીએ તેની પાસે બોલ હજુ ના આવતો હોય, તેવી રીતે હાથ નીચે રાખ્યા. જેનાથી લીધે માર્શ ધીમો પડી ગયો, પણ ફરી એક જ સેકન્ડમાં ધોનીએ તેને રનઆઉટ કરીને ઓસ્ટ્રેલિયન કેમ્પમાં સોંપો પાડી દીધો. આમ, તેની ઝલક ઓસ્ટ્રેલિયન ખેલાડીને જોવા મળી હતી.

મહેન્દ્ર્સિંહ ધોની લેફ્ટનન્ટ કર્નલ રેન્ક ધરાવે છે
ધોની ઈન્ડિયન ટેરિટોરિયલ આર્મીની પેરાશૂટ રેજિમેન્ટમાં લેફ્ટનન્ટ કર્નલનો માનદ રેન્ક ધરાવે છે. તેમને ક્રિકેટર તરીકે રાષ્ટ્ર પ્રત્યેની તેમની સેવા બદલ ૨૦૧૧માં ભારતીય સેનાએ આપ્યો હતો. ધોનીને વિશ્વના સૌથી લોકપ્રિય ક્રિકેટરોમાંથી એક ગણવામાં આવે છે. વર્લ્ડ કપ ૨૦૧૯ પછી ધોનીએ વિક્ટર ફોર્સના ભાગ રૂપે કાશ્મીરમાં તેના યુનિટને સેવા આપવા માટે ક્રિકેટમાંથી બે મહિનાનો વિરામ લીધો હતો. ધોનીની તેની બટાલિયન સાથે તાલીમ લેવાની વિનંતીને ભારતીય સૈન્યએ જુલાઈમાં મંજૂર કરી હતી.

એક મામૂલી પમ્પ ઓપરેટરનો છોકરો કે જેની મેદાનમાં એક ઝલક જોવા માટે કરોડો ચાહકોના દિલની ધડકન બે ગણી સ્પીડથી પમ્પ થવી શરૂ જતી હતી. લોકોને ટ્રોફીઝ પસંદ હતી, પણ અહીં ટ્રોફીઝને ધોની પસંદ હતો. જેના પિતા મેદાનમાં પાણી નાખતા હતા, તેનો છોકરો ક્રિકેટમાં વિરોધીઓના ઈરાદા ઉપર પાણી ફેરવી દેતો હતો. જો ટીમનો કોઈ ખેલાડી રાહ ભટકી ગયો હોય, તો તેને સમજાવીને ફરી ગેમમાં લાવીને તેને મેચ વિનર બનાવી દેતો હતો. ધોની ગેમને બે રીતે પલટી નાખતો હતો…એક વિકેટ પાછળ ડાંડી ઉડાવીને, જ્યારે બીજી વિકેટની આગળ રહીને છગ્ગા ફટકારીને ટીમને જિતાડીને પલટી નાખતો હતો. નાનો હતો, ત્યારે કબાટમાં બૂક્સથી લઈને મોટા થયા પછી કબાટમાં ટ્રોફી લાવવા જેટલી સફર તેણે ખેડી છે. કેપ્ટન કૂલે સૌથી વધુ ટ્રોફી જીતી છે… રનચેઝમાં સૌથી વધુ એવરેજ છે… સૌથી વધુ સ્ટમ્પિંગ કર્યા છે… આવા તો ઘણા રેકોર્ડ તેમણે પોતાના નામે કર્યા છે… હવે એક સવાલ ઊભો થાય છે.. કે શું દેશને બીજો મહેન્દ્ર સિંહ ધોની મળશે?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button