ગુનોબનાસકાંઠા

અધિકારીની કાર નીચે ખનીજ માફિયાએ લગાવી દીધું GPS, રેડ કરવા પહોંચે તે પહેલા સગે-વગે કરી દેવાતો હતો માલ: બનાસકાંઠામાં નવો કીમિયો

ખનીજ માફિયાઓએ અધિકારી રેડ કરવા પહોંચે તે પહેલા જ ખબર પડી જાય અને મુદ્દામાલ સગેવગે થઇ શકે તે માટે અધિકારીની સરકારી ગાડીની ડીઝલ ટેન્ક પર જ GPS લગાવી દીધું

  • બનાસકાંઠામાં ખનીજમાફિયાઓ તંત્ર કરતાં પણ હોશિયાર નીકળ્યા 
  • GPSથી અધિકારીઓનું લોકેશન ટ્રેસ કરતાં હતા ખનીજ માફિયા 
  • માફિયાઓએ સરકારી ગાડીની ડીઝલ ટેન્ક પર જ GPS લગાવી દીધું 

બનાસકાંઠા જિલ્લામાં બેફામ બનેલા ખનીજ માફિયાઓએ ખનીજ ચોરી કરવા નવો કીમિયો અપનાવ્યો છે. વાત જાણે એમ છે કે, અધિકારી રેડ કરવા પહોંચે તે પહેલા જ ખબર પડી જાય અને મુદ્દામાલ સગેવગે થઇ શકે તે માટે ખનીજ માફિયાઓએ અધિકારીની સરકારી ગાડીની ડીઝલ ટેન્ક પર જ GPS લગાવી દીધું હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગઈ છે. જેથી અધિકારી ઓફિસથી નીકળી ક્યાં જાય તેની ખબર પડી જાય તેવી ટેકનિક અપનાવતા ખુદ અધિકારીઓ પણ ચોંકી ઊઠ્યા છે. જોકે હવે ખાણખનીજ વિભાગના અધિકારીને ઘટનાની જાણ થઇ તો તેમને પશ્ચિમ પોલીસ મથકે પહોંચી અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ખનિજ ચોરી કરતા ઈસમોએ પણ અધિકારીઓને મૂંઝવણમાં મૂકી દીધાનો કિસ્સો સામે આવ્યો છે. જે ટેકનિક અધિકારી ખનિજ ચોરો સામે અપનાવતા હતા તે ટેકનિક નો ભોગ ખુદ અધિકારી બની ગયા છે. બનાસકાંઠામાં આવેલી નદીઓમાંથી રેતી ચોરી સહિત જિલ્લામાં થતી ખનીજ ચોરી અટકાવવા એક તરફ અધિકારી કડક વલણ દાખવી રહ્યાની વાતો કરી રહ્યા છે. એક તરફ અધિકારીએ ખાણકામ સાથે સંકળાયેલા વાહનો પર GPS લગાવવા સુચના આપી તો બેફામ બનેલા ખનીજ માફિયાઓએ સહેજ પણ ગભરાયા વિના જ ખુદ ખાણ ખનીજ વિભાગના અધિકારીની સરકારી ગાડીમાં જ GPS લગાવી દીધું.

જાણો કેવી રીતે ખબર પડી કે કારમાં GPS છે ? 
ગત 12 ડિસેમ્બરે અધિકારીની ગાડીનો ડ્રાઇવર ગાડી સાફ કરી રહ્યો હતો. આ દરમિયાન તેમને ડીઝલ ટેન્ક પર કોઈ ડિવાઇસ લાગેલું જોવા મળતા ત્યાં ડિવાઇસ લઈ અધિકારી પાસે પહોંચ્યા હતા. જોકે આ ડિવાઇસ GPS ડિવાઇસ હોવાનું સામે આવતા જ હડકંપ મચી ગયો છે. આ તરફ હવે અધિકારીની ગાડી પર લાગેલું આ GPS ડિવાઇસ ભૂમાફિયાઓને કોઈપણ પ્રકારનો ભય જ ન રહ્યો હોય તેની સાબિતી આપી રહ્યું છે.

પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ 
આ તરફ આ GPS ડિવાઇસ લગાવ્યાની જાણ હવે ખાણ ખનીજ વિભાગને થતા ખાણ ખનીજ વિભાગે GPS ડિવાઇસ કાઢી પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ તો નોંધાવી છે. આ તરફ હવે આ GPS ડિવાઇસ કોને લગાવ્યું ? છેલ્લા કેટલા સમયથી લાગેલું હતું અને અત્યાર સુધી આ ડિવાઇસના કારણે ભૂ માફિયાઓને કેટલો ખુલ્લોદોર મળ્યો અને કેટલી ખનીજ ચોરી થઈ છે ? તે તપાસનો વિષય છે.

નોંધનિય છે કે, Whatsapp ગ્રુપો દ્વારા ખાણ ખનીજના વાહનોની રેકી કરી ખનીજ ચોરી થતાની ફરિયાદો તો અનેક ઊઠી પરંતુ આ અધિકારીની ગાડી પર લાગેલા GPSએ જિલ્લામાં ચારે કોર ચર્ચાનો દોર ઉભો કર્યો છે. ત્યારે વહેલી તકે ખાણ ખનીજ વિભાગ જાગે અને આવા બેફામ બનેલા ભૂમાફિયા સામે કડકમાં કડક ભગલા ભરે તેવી પણ માંગ જિલ્લા વાસીઓમાં ઊઠેલી જોવા મળી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button