ગુનોનર્મદા

વનકર્મીઓ પર હુમલા કેસમાં આરોપી બલિરામ પાસેથી 30 હજાર રીકવર

હથિયારની શોધ ચાલુ

વનકર્મીઓ પર હૂમલાના કેસમાં પોલીસ સમક્ષ આત્મ સમર્પણ કરનારા દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ પોલીસના 3 દિવસના રીમાન્ડ પર છે. કોર્ટમાં પોલીસે વનકર્મીઓ પાસેથી લીધેલી રકમ પૈકી 30 હજાર તથા હવામાં ગોળીબાર કરવા વપરાયેલું હથિયાર કબજે લેવાનું બાકી હોવા સહિતની બાબતો ટાંકીને 14 દિવસના રીમાન્ડ માંગ્યા હતાં પણ કોર્ટે 3 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે.

રીમાન્ડના પહેલાં દિવસે જ પોલીસ ધારાસભ્યને લઇ બોગજ અને જયાં કપાસ કાપવાની ઘટના બની હતી તે ખેતરમાં લઇ ગઇ હતી અને આખી ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરાવ્યું હતું. પોલીસ વર્તુળોમાંથી મળતી માહિતી અનુસાર પોલીસે 30 હજાર રૂપિયા રીકવર કરી લીધાં છે. આ રકમ બલીરામ નામની વ્યકિત પાસેથી મળી આવ્યાં છે.

જયારે હથિયારની તલાશી જારી છે. પોલીસ કસ્ટડીમાં રહેલાં ધારાસભ્યને ઘરેથી આવેલું ટિફીન જમવાની છૂટ આપવામાં આવી છે પણ તેમણે પોલીસે આપેલાં દાળ, ભાત અને શાક-રોટલી ખાધા હતાં અને ઘરેથી આવેલું ટિફિન પરત મોકલી આપ્યું હતું. 29મી ઓકટોબરના રોજ બોગજ ગામ નજીક વનકર્મીઓએ ભાંગડા વસાવા નામના ખેડૂતના ખેતરમાં તૈયાર થયેલો કપાસનો પાક કાપી નાંખ્યો હતો. આ સંદર્ભમાં ચૈતર વસાવાએ વનકર્મીઓને ઘરે બોલાવી ધમકાવીને વનકર્મીઓ પાસેથી ખેડૂતને નુકસાનીના 60 હજાર રૂપિયા અપાવ્યાં હતાં. 29મી તારીખે બનેલી ઘટનામાં 4 નવેમ્બરના રોજ ફરીયાદ થઇ હતી અને ચૈતર વસાવા 40 દિવસ સુધી ભુર્ગભમાં ઉતરી ગયાં હતાં.

બે દિવસ પહેલાં તેમણે શકિત પ્રદર્શન સાથે આત્મ સમર્પણ કર્યું હતું. રાજપીપળામાં પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે. તેમની સાથે ચાર અન્ય આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. ધારાસભ્યના પત્ની સહિતના 3 આરોપી સબજેલમાં છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button