દેશવિશ્વ

મહમદઅલી ઝીણા ભારત-પાકિસ્તાનના ભાગલા માટે જવાબદાર હતા?

77માં સ્વતંત્રતા દિવસ ખાસ ખબર...

અન્ય નેતાઓને તારવી દેવામાં આવે તો મને લાગે છે કે પાકિસ્તાનના સંસ્થાપક મહમદઅલી ઝીણા એવા નેતા હતા કે જે માત્ર પોતાનું જ ભલું નહોતા ઇચ્છતા.

તેઓ સમાજના એક મોટા વર્ગના ફાયદા અંગે વિચારી રહ્યા હતા. તેમણે એ બધું જ કર્યું, જે તેઓ કરી શકતા હતા.

ઝીણામાં પ્રામાણિકતા જોઈ શકાય છે. કારણ કે અંગ્રેજો તેમને ખરીદી શક્યા નહોતા. હું તેમનામાં ના તો કોઈ ખલનાયકને જોઉં છું કે ના કોઈ નાયકને.

ઝીણા એક પ્રકારે રાષ્ટ્રવાદી પણ હતા. હું કોઈ ઇતિહાસવિદ્ નથી અને જ્યારે મેં તેમના પર કંઈક લખવાનું વિચાર્યું ત્યારે હું તેમના અંગે કંઈ જ નહોતી જાણતી.

તેમને લઈને મારું મગજ એક કોરી પાટી જેવું હતું પણ ઇતિહાસનાં પુસ્તકોમાં જે કંઈ લખ્યું હતું એના પરથી તો લાગતું હતું કે તેઓ શાંતિ માટે એક ખલનાયક જ હતા.

ઝીણાએ અંગ્રેજો સાથે જુગાર રમ્યો હતો

કેટલાંક પુસ્તકો વાંચ્યાં બાદ મને આશ્ચર્ય થયું કે 1930 સુધી તો તેઓ બિલકુલ એવા નહોતા. 1929માં તેમનાં પત્ની રતિ ઝીણાનું નિધન થયું.

1930 સુધી તેમના રાજકારણનો મેં ઊંડો અભ્યાસ કર્યો. મને જણાયું કે એ દરમિયાન તેઓ કૉંગ્રેસ સાથે વાત કરવા સતત તક શોધતા હતા.

1930 બાદ તેમને લઈને જે કંઈ પણ થયું તે બહુ જ ભ્રામક હતું. મને લાગે છે કે તેમણે કદાચ અંગ્રેજો સાથે જુગાર રમ્યો હતો.

એવું પણ કહેવાય છે કે અંગ્રેજોએ દેશના ભાગલા પાડવામાં મોટી ભૂમિકા ભજવી. જોકે, આ ભૂમિકાથી પોતાના કોઈ નિસબત નથી એવું દર્શાવી દોષનું ઠીકરું તેઓ ઝીણા પર ફોડવા માગતા હતા.

દેશના ભાગલા માટે ઝીણાને ખલનાયક ગણવામાં આવે છે. જોકે, તેમાં ભારતીય નેતાઓની ભૂમિકાની કેમ ચર્ચા નથી થતી? વિભાજનની સમજૂતિમાં તો તેઓ પણ સામેલ હતા.

બાદનાં વર્ષોમાં ઝીણાએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે તેમણે કૉંગ્રેસ પાસે મુસલમાનો માટે દયાની ‘ભીખ’ માગી હતી. તેમણે કૉંગ્રેસ સાથે જોડાવાનો પ્રસ્તાવ પણ આપ્યો હતો પણ તેમની માગો નહોતી સ્વીકારાઈ.

કદાચ એ યોગ્ય પણ હોઈ શકે. હું કોઈ દાવો નથી કરતી. હું કોઈ ઇતિહાસકાર નથી.

ઝીણા ધનવાન હતા

ઝીણાને લઈને એક મોટો ભ્રમ એ પણ સેવાયો છે કે તેઓ કુલીન વર્ગમાંથી આવતા હતા. તેમણે પોતાની જાતે પૈસા કમાયા હતા. તેમના પિતા એક નિષ્ફળ વેપારી હતા.

ઝીણાએ પ્રારંભિક જીવનમાં જ દેવાળું ફૂંકી દીધું હતું. એ વખતે પરિવારની જવાબદારી પણ તેમના પર જ હતી.

લંડનમાં તેમણે પોતાના પૈસે અભ્યાસ કર્યો અને પોતાનો ખર્ચ પણ ઉઠાવ્યો. એ પછી બૉમ્બે આવીને તેમણે વકીલાત શરૂ કરી અને પ્રથમ સફળ મુસ્લિમ બેરિસ્ટર પણ બન્યા.

મહાત્મા ગાંધીથી અલગ નેતાના રૂપમાં તેમણે પોતાની છાપ ઊભી કરી. તેઓ મુસલમાનોને બતાવવા માગતા હતા કે પોતાની જાતે સફળ થવું અશક્ય નથી.

તેમણે જાણીજોઈને પોતાની એવી છાપ બનાવી કે જેમની પાસે મોટું ઘર અને કેટલીય ગાડીઓ હોય. એટલે જ તેમના અને ગાંધીના રાજકારણમાં અંતર છે.

પોતાને મુસલમાન માત્ર ગણતા

ઝીણાએ સ્પષ્ટ કહી દીધું હતું કે તેમની ભૂમિકા એક રાજકારણીની છે, નહીં કે કોઈ સમાજસેવકની. આ જ કારણે તેઓ કેટલીય બાબતોને લઈને સ્પષ્ટ હતા.

પંજાબના મુસલમાનો સાથેની બેઠકમાં જ્યારે અન્ય નેતાઓ લીંબુ-પાણી પીતાં ત્યારે ઝીણા હંમેશાં વિસ્કીનો જ આગ્રહ રાખતા હતા.

અલબત્ત, તેઓ મુસલમાનોના એક માત્ર નેતા હતા. ઝીણા જન્મે ખોજા ઇસ્માઇલી મુસલમાન હતા. જેમને મોટા ભાગના મુસલમાનો મુસ્લિમ જ નથી ગણતા.

તેમના પિતા જ્યારે કચ્છથી કરાચી ગયા ત્યારે મુસલમાનોના સંપર્કમાં આવ્યા અને પોતાનાં બાળકોને તેમણે ઇસ્લામિક શિક્ષણ અપાવ્યું.

ઝીણાના પિતા જે ગામમાંથી આવ્યા હતા એ ગામમાં ઇસ્લામિક શિક્ષણનું કંઈ ખાસ પ્રમાણ નહોતું પણ કરાચી આવ્યા બાદ તેમણે ઘરમાં કુરાનનો અભ્યાસ શરૂ કરાવી દીધો હતો.

લંડનથી આવ્યા બાદ ઝીણાએ શિયા સમુદાયમાં સુધારાવાદી આંદોલન શરૂ કર્યું. પોતાના પિતાને પણ ઝીણાએ આમાં સામેલ કરી લીધા. એક રીતે આ તેમના રાજકારણની શરૂઆત હતી.

આ જ સમય દરમિયાન તેમણે પોતાનાં બહેનનાં લગ્ન એક શિયા વ્યક્તિ સાથે કરાવ્યાં. એટલે જ તેઓ કહેતા હતા કે તેઓ કોઈ પણ પંથ સાથે સંકળાયેલા નથી.

તેઓ માત્ર મુસલમાન છે. કોઈ ખાસ સંપ્રદાયવાળી પોતાની ઓળખ તેમણે છોડી દીધી અને આ વાતને તેમણે દસ્તાવેજમાં પણ નોંધાવી દીધી.

ઝીણા એક રીતે અસફળ રહ્યા. તેઓ જે પ્રકારનું પાકિસ્તાન ઇચ્છતા હતા એવું પાકિસ્તાન તેઓ બનાવી ન શક્યા.

મને લાગે છે કે તેમના અનેક ગુણો ગાંધી જેવા હતા પણ તેમનામાં ગાંધી જેવી વિનમ્રતા નહોતી.

તેઓ પોતાની નિષ્ફળતાનો સ્વીકાર પણ નહોતા કરતા અને કદાચ તેમના પતનનું એ જ કારણ હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button