સુરત

સુરત જિલ્લામાં 100થી વધુ ચેકડેમ જર્જરિત, રિપેરિંગ ન થતાં પાણી સંગ્રહ થવાના બદલે વ્યર્થ વહી જાય છે

550થી વધુ ચેકડેમ પૈકી 100 જેટલા ચેકડેમ જર્જરિત હોય પાણી સંગ્રહ થઈ શકતું નથી‎

સુરત જિલ્લામાં કરોડોના ખર્ચે વિવિધ વિભાગો દ્વારા બનાવવામાં આવેલા 550થી વધુ ચેકડેમ પૈકી 100 જેટલા ચેકડેમ જર્જરિત હોય પાણી સંગ્રહ થઈ શકતું નથી. કાળજીના અભાવે ચેકડેમમાંથી પાણી વ્યર્થ વહી જતું હોય પાણીની તંગી ઊભી થવાની શક્યતા છે. જિલ્લાના મહુવા, માંડવી, બારડોલી, પલસાણા, કામરેજ, ઉમરપાડા, ઓલપાડ, માંગરોળ સહિતના તાલુકામાં અનેક ચેકડેમ તૂટેલા તો કેટલાકની બારીઓ બંધ ન હોવાથી પાણી વ્યર્થ વહી રહ્યું છે.

વરસાદનું પાણી વ્યર્થ વહી ન જાય અને ભૂગર્ભ જળની સપાટી ઊંચી આવે તે માટે સરકાર દ્વારા નદી અને કોતરો પર ચેકડેમ બનાવવામાં આવે છે. આ ચેકડેમ અલગ અલગ વિભાગો બનાવે છે. જેમાં જિલ્લા પંચાયત સિંચાઇ વિભાગ, રાજ્ય સિંચાઇ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, ડ્રેનેજ વિભાગ તેમજ સરકારની 80-20ની યોજના હેઠળ પર ચેકડેમ બનાવવામાં આવે છે. ચેકડેમ બનાવવા માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. અલગ અલગ યોજનાઓ હેઠળ જિલ્લામાં અત્યાર સુધીમાં 550થી વધુ ચેકડેમ બનાવામાં આવ્યા છે.

અંદાજિત 100 ચેકડેમ જર્જરિત હોય પાણીનો સંગ્રહ થતો નથી. તો કેટલાકમાં ચેકડેમોમાં ભંગાણ પડતાં તેનું સમારકામ કરાતુ નથી. પરિણામે પાણીનો સંગ્રહ થતો નથી અને વહી જાય છે. આથી સરકાર પાણી સંગ્રહ કરવાનો જે હેતુ છે તે જળવાય શક્યો નથી.

હજી તો ચોમાસુ પૂરું થયું અને શિયાળાની શરૂઆત થઈ છે ત્યાં જ સમારકામના અભાવે તેમજ બારી ખુલ્લી મૂકી હોય ચેકડેમો ખાલી થવા લાગ્યા છે. તો ઉનાળામાં તો આવા ડેમોમાં ટીપું પાણી પણ બચશે કે કેમ તે સવાલ ઊભો થયો છે. સરકાર દ્વારા આવા ચેકડેમોનું સમારકામ કે નવીનીકરણ કરવામાં આવે તો વ્યર્થ વહી જતું હજારો ક્યુસેક પાણી બચાવી તેને લોકોપયોગી બનાવી શકાય એમ છે. મહુવા તાલુકાનાં ઓંડચ ગામે પુર્ણા નદી પર ઈજનેરી સર્વેક્ષણ વગર બનાવેલા ડેમને લીધે 15થી 20 વી ઘા જમીનનું ધોવાણ થઈ ગયું છે. ચેકડેમ બન્યાના થોડા જ દિવસમાં ડેમની દીવાલ તોડી પાણીએ તમામ જમીન નદીમાં સમાવી લેતા ખેડૂતોને મોટું નુકસાન થયું હતું. આમ, ડેમ બનાવે ત્યારે યોગ્ય સર્વેક્ષણ કરી તેની કામગીરી શરૂ કરવામાં આવે જેથી ઓછું નુકસાન થઈ શકે.

વરસાદ બાદ આ બારી બંધ કરવામાં આવતી નથી
ચેકડેમ જર્જરિત થવાની સાથે જે સારા ચેકડેમ છે તે ચોમાસા દરમિયાન ઓવરફ્લો થતાં તેની બારી ખોલી દેવામાં આવી હતી. પરંતુ વરસાદ બંધ થયા બાદ આ બારી બંધ કરવામાં આવતી ન હોય સંગ્રહ કરેલું પાણી વ્યર્થ વહી રહ્યું છે. જે ઉનાળો આવતા તો ચેકેડેમ ખાલી કરી દેશે. સિંચાઇ વિભાગ સહિતના વિભાગો તેમના તાબા હેઠળના ચેકડેમોની સમયાંતરે મુલાકાત લઈ બારીઓ બંધ કરે તેમજ લીકેજ હોય તો તે બંધ કરે તે જરૂરી બની ગયું છે .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button