વિશ્વ

બોર્નવિટા બાદ નેસ્લે વિવાદમાં, ગરીબ દેશોમાં સુગરનું પ્રમાણ વધુ હોવાના દાવા પર આપ્યો જવાબ

નેસ્લેના ઉત્પાદનોમાં ખાંડનું પ્રમાણ વધુ હોવાના ચોંકાવનારા અહેવાલો આવ્યા છે. સ્વિસ ઈન્વેસ્ટિગેટિવ ઓર્ગેનાઈઝેશન પબ્લિક આઈ તેમજ ધ ઈન્ટરનેશનલ બેબી ફૂડ એક્શન નેટવર્ક (IBFAN) દ્વારા જાહેર કરાયેલા આ અહેવાલનો નેસ્લેએ તથ્યો સાથે જવાબ પણ આપ્યો છે. જો કે હાલમાં જ કેન્દ્ર સરકારે બોર્નવિટાનું પીણું હેલ્ધી ન હોવાના વિવાદ પર તપાસ કરી તેને હેલ્ધી ડ્રિંક કેટેગરીમાંથી દૂર કરવા આદેશ આપ્યો હતો.

હવે નેસ્લેના આ રિપોર્ટને સંદર્ભમાં લઈ  FSSAIએ તેના વિરૂદ્ધ તપાસ હાથ ધરી છે. આ કારણસર આજે શેરમાં 5.40 ટકા સુધીનો કડાકો નોંધાયો છે. 12.10 વાગ્યે 3.42 ટકા ઘટાડે 2460ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.

નેસ્લેએ ખાંડનું પ્રમાણ 30 ટકા ઘટાડ્યું

નેસ્લેના સેરેલેક, સિરિલ્સ જેવા બેબી ફૂડમાં એડેડ સુગર (ખાંડ)નું પ્રમાણ વધુ હોવાના અહેવાલ પર પ્રતિક્રિયા આપતાં નેસ્લે ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, ‘અમે દુનિયાભરમાં છેલ્લા પાંચ વર્ષમાં તેની બાળકો માટેની સિરિલ રેન્જમાં એડેડ સુગરનું પ્રમાણ 30 ટકા સુધી ઘટાડ્યું છે. અમે નવજાત બાળકો માટેની પ્રોડક્ટ્સની પોષણક્ષમ ગુણવત્તા જાળવી રાખવામાં માનીએ છીએ. આ માટે માટે ઉચ્ચ ગુણવત્તાને પ્રાધાન્ય આપીએ છીએ.’

ગરીબ દેશોમાં વેચાણ કરતી પ્રોડક્ટ્સમાં ખાંડનું પ્રમાણ વધું

આ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, સ્વિસ ફૂડ કંપની નેસ્લે ગરીબ દેશોમાં નવજાત બાળકો માટે વધુ પડતી ખાંડ અને મધ ધરાવતી મિલ્ક અને સિરિલ પ્રોડક્ટ્સ વેચે છે. જ્યારે યુરોપ અને યુકે જેવા દેશોમાં ઝીરો સુગર એડેડ પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે. વળી, તેની સુગરને લગતી માહિતી પણ પેકેટ પર અપાતી નથી. નેસ્લે વિકાસશીલ અને ગરીબ દેશોમાં વેચાતા ઉત્પાદનોમાં ખાંડના પ્રમાણમાં પણ અસમાનતા રાખે છે. આ સંસ્થાએ આફ્રિકા, એશિયા, લેટિન અમેરિકાના બજારોમાં નેસ્લેની વેચાતી 115 પ્રોડક્ટ્સનું પરીક્ષણ કરી આ રિપોર્ટ તૈયાર કર્યો છે.

ભારતમાં વેચાતા સેરેલેકમાં પણ ખાંડનું પ્રમાણ વધુ

ભારતમાં વેચાતી નેસ્લેની સેરેલેક પ્રોડક્ટમાં ખાંડનું પ્રમાણ 3 gm છે. ફિલિપાઈન્સમાં સૌથી વધુ 7.3 gm ખાંડ ધરાવતી પ્રોડક્ટ વેચે છે. તો છ માસથી 3 વર્ષ સુધીના બાળકને આપવામાં આવતા સેરેલેકમાં એવરેજ 4 gm ખાંડ જોવા મળી છે. બીજી તરફ, યુરોપમાં વેચાતી પ્રોડક્ટ્સમાં ખાંડનું પ્રમાણ નહીંવત છે. કંપનીની મિલ્ક પ્રોડક્ટ્સ અને ન્યુટ્રિશન પોર્ટફોલિયોમાં ડેરી વ્હાઈટનર, કન્ડેન્સ્ડ મિલ્ક, યોગર્ટ, મેટરનલ અને ઈન્ફાટ ફોર્મ્યુલા, બેબી ફૂડ્સ, હેલ્થ કેર ન્યુટ્રિશિયન સહિતની પ્રોડક્ટ્સ સમાવિષ્ટ છે.

WHOએ પણ નેસ્લેના બેવડા વલણની ટીકા કરી

આ રિપોર્ટમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના વિજ્ઞાની નાઇજેલ રોલિન્સના નિવેદનનો પણ સંદર્ભ અપાયો છે. આ રિપોર્ટ જાહેર થયા પછી નેસ્લે ઈન્ડિયા લિમિટેડના શેર 5.40 ટકા સુધી તૂટ્યાં હતા. બીજી તરફ, ભારત સરકારે પણ નેસ્લે સામે યોગ્ય કાર્યવાહી કરવાના સંકેત આપ્યા હતા.

Related Articles

Back to top button