Uncategorised

ન્યૂઝીલેન્ડના વિજયી શ્રીગણેશ, ઈંગ્લેન્ડને હરાવીને જીતી વર્લ્ડ કપની પહેલી મેચ, બે કિવી બેટર અંગ્રેજો પર તૂટી પડ્યાં

  • વર્લ્ડ કપની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડના વિજયી શ્રીગણેશ
  • ઈંગ્લેન્ડને 9 વિકેટથી હરાવીને જીતી પહેલી મેચ 
  • ન્યૂઝીલેન્ડના ડેવોન કોનવે અને રચિન રવિન્દ્રે સદી ફટકારી

ક્રિકેટના મહાકૂંભ ગણાતા ક્રિકેટના વર્લ્ડ કપનો પ્રારંભ થઈ ગયો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી મેચ રમાઈ હતી. પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડને 9 વિકેટથી હરાવીને વર્લ્ડ કપની પહેલી મેચ જીતી લીધી હતી. ઈંગ્લેન્ડ તરફથી મળેલો 283 રનનો ટાર્ગેટ ન્યૂઝીલેન્ડે 36.2 ઓવરમાં પૂરો કરી લીધો હતો.

ન્યૂઝીલેન્ડની ટીમે 36.2 ઓવરમાં ટાર્ગેટ પૂરો કર્યો 
આ મેચ જીતવા માટે ન્યૂઝીલેન્ડની ટીમને 283 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં ટીમે 36.2 ઓવરમાં ટાર્ગેટ પૂરો કરી લીધો હતો. 10 રનના સ્કોર પર વિલ યંગના રૂપમાં ન્યૂઝીલેન્ડની પ્રથમ વિકેટ પડી હતી. પરંતુ તે પછી ડેવોન કોનવે અને રચિન રવિન્દ્રએ મોરચો સંભાળ્યો હતો અને ઇંગ્લેન્ડના બોલરોની જોરદાર ધોલાઇ શરૂ કરી દીધી હતી. પહેલા બંનેએ પોતાની ફિફ્ટી પૂરી કરી. આ પછી બંનેએ પોતપોતાની સદીઓ પૂરી કરી હતી. પ્રથમ સ્ટાર ઓપનર ડેવોન કોનવેએ તોફાની અંદાજમાં સદી ફટકારી હતી. તેણે 83 બોલમાં આ સદી ફટકારી હતી. તે દરમિયાન કોન્વેએ 2 છગ્ગા અને 13 ચોગ્ગા ફટકાર્યા હતા. ત્યાર બાદ રચિન રવિન્દ્રે પણ સદી ફટકારી હતી. રવિન્દ્રે 96 બોલમાં 123 રન કર્યાં હતા.

ડેવોન કોનવેએ વર્લ્ડ કપની પહેલી સદી ફટકારી
તેણે ઇંગ્લેન્ડના બંને પેસરો અને સ્પિનરોની ધોલાઈ કરી હતી. ડાબોડી બેટ્સમેન કોનવેએ 83 બોલમાં 13 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી સદી પુરી કરી હતી, જે તેની વન ડે ઈન્ટરનેશનલ કારકિર્દીની પાંચમી સદી હતી. આ સાથે જ આ તેમનો પહેલો વર્લ્ડ કપ છે અને તેણે પહેલી જ મેચમાં સદી ફટકારી છે. કોનવે લાંબા સમયથી કિવી ટીમ માટે સતત રન બનાવી રહ્યો છે. તે દરેક ફોર્મેટમાં ટીમ સાથે સતત રમી રહ્યો છે અને દરેક ફોર્મેટમાં રન બનાવી રહ્યો છે. ખાસ વાત એ છે કે કેન વિલિયમસન આ મેચમાં નથી રમી રહ્યો, તેથી જવાબદારી તેના પર હતી કે તે ટીમને આગળ વધારે. તેમને 3 નંબર પર ઉતરેલા રચિન રવિન્દ્રએ સાથ આપ્યો હતો. તેઓ સદી ફટકારવાની પણ નજીક પહોંચી ગયા છે.

ન્યૂઝીલેન્ડે લીધો હારનો બદલો
2019ના વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું જેનો હવે ન્યૂઝીલેન્ડે બદલો લીધો છે અને પહેલી જ મેચમાં તેણે ધમાકેદાર શ્રીગણેશ કર્યાં છે.

ઈંગ્લેન્ડની ટીમે 9 વિકેટમાં 282 રન કર્યાં
પહેલા બેટિંગ માટે ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 9 વિકેટમાં 282 રન કર્યાં હતા. જો રૂટે 86 બોલમાં સૌથી વધુ 77 રનની ઇનિંગ રમી હતી. જ્યારે કેપ્ટન જોસ બટલરે 43 રન અને જોની બેયરસ્ટોએ 33 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી ફાસ્ટ બોલર મેટ હેનરીએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. જ્યારે મિશેલ સેન્ટનર અને ગ્લેન ફિલિપ્સને 2-2 સફળતા મળી હતી. કેન વિલિયમસન આ મેચમાં નથી રમી રહ્યો. વિલિયમસનની ગેરહાજરીમાં વિકેટકીપર બેટ્સમેન ટોમ લાથમ ન્યુઝીલેન્ડની કેપ્ટનશીપ કરી રહ્યો છે.

ઈંગ્લેન્ડની ટીમ : જોની બેરસ્ટો, દાવિદ મલાન, જો રુટ, હેરી બ્રુક, જોસ બટલર (વિકેટકિપર/કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, સેમ કરન, ક્રિસ વોક્સ, આદિલ રાશિદ અને માર્ક વૂડ.

ન્યૂઝીલેન્ડની ટીમ : ડેવોન કોન્વે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરિલ મિચેલ, ટોમ લાથમ (વિકેટકીપર/કેપ્ટન), ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મેટ હેનરી, મિચેલ સેન્ટનર, જેમ્સ નીશમ, ટ્રેન્ટ બોલ્ટ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button