ડાંગ

ચીખલીથી વાંગણ ફળિયાને જોડતા ધોવાયેલા કોઝવેની મરામત નહીં આંદોલનની ચીમકી

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ચીખલી ગામે અંબિકા નદીના કેચમેન્ટ એરિયાથી વાંગણ ફળિયાને જોડતો કોઝવે ગત ચોમાસામાં વ્યાપક ધોવાણ થઈ જતા લોકોને ભારે હાલાકી વેઠવાની નોબત ઉભી થઇ રહી છે.

આહવા તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા ચીખલી ગામે અંબિકા નદી પર બનાવાયેલ કોઝવે કમ ચેકડેમ ગત ચોમાસામાં બન્ને બાજુ વ્યાપક ધોવાણ થવા સાથે એપ્રોચમાં ગાબડું પડતા અવરજવર કરવા હાલાકી વેઠવી પડે છે, જયારે ચોમાસા દરમિયાન ઉપરવાસમાં 1 ઇંચ વરસાદ પડે ત્યારે આ કોઝવે કલાકો સુધી નદીના ધસમસતા પ્રવાહમાં ગરક થઈ જતો હોય છે ત્યારે શાળા કે જરૂરિયાત સમયે પસાર થઈ શકાતું નથી.

તદુપરાંત ચોમાસામાં ચીખલી ગામથી વાંગણ ફળિયા સંપર્ક વિહોણો બની જતા પ્રાથમિક શાળાના બાળકો, ગ્રામજનોને કોઝવે પસાર કરવા ભયજનક બની રહે છે. કેટલાક દર્દીઓને દવાખાને પહોંચાડવા કોઝવે પરથી તણાઈ જઇ મોતને ભેંટયાના કિસ્સાઓ પણ બન્યા હોય ગ્રામજનો દ્વારા જિલ્લા પંચાયતના બાંધકામ અધ્યક્ષ સહિત સંબધિત અધિકારીઓને કોઝવેમાં થયેલ ભંગાણ બાબતે અનેક લેખિત રજૂઆતો કરવા છતાં તંત્રની ઊંઘ ઉડી નથી.

આવા સંજોગોમાં આગામી ચોમાસાની સિઝન પહેલા ચીખલી ગામથી વાંગણ ફળિયાને જોડતો કોઝવેના બન્ને છેડે એપ્રોચનું મરામત કરવામાં ન આવે તો ગ્રામજનો દ્વારા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. તંત્ર લોકોની રજૂઆતને ધ્યાને રાખી ચીખલીથી વાંગણ ફળિયાને જોડતા માર્ગની મરામત માટે આળસ ખંખેરી કામગીરી હાથ ધરે તે જરૂરી છે.

Related Articles

Back to top button