ગુજરાતગુનોડાંગદક્ષિણ ગુજરાતરાજનીતિરાજ્ય

ડાંગ જિલ્લાના સરકારી ક્વાર્ટરમાં ભૂતિયાધારકોનો કબજો

79 સરકારી આવાસોમાં સરદાર, ગાંધી, શાસ્ત્રી અને ખેતીવાડી કોલોનીમાં ગેરકાયદે વસવાટ સામે તપાસ થાય તેવી માંગણી

  • ડાંગ જિલ્લાના સાપુતારામાં 36, આહવામાં 43 આવાસ તાકીદે ખાલી કરવા તંત્ર દ્વારા  નોટિસ આપવામાં આવી છે , મોટાભાગના કર્મચારીઓ બદલી કે નિવૃત થવા છતાં અન્યના નામે આવાસનો દુરૂપયોગ કરતાં રહ્યા છે.

ડાંગ જિલ્લામાં સ્ટેટ માર્ગ મકાન વિભાગ હસ્તકના સરકારી આવાસોમાં મોટા પ્રમાણમાં ગેરરીતિઓ થતી હોવાની ફરિયાદ બાદ આહવા અને સાપુતારાના સરકારી આવાસ ખાલી કરાવવાની નોટિસ તંત્ર દ્વારા ઇસ્યુ થતા ભૂતિયા આવાસ ધારકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં વેરિયસ, સરદાર, ગાંધી કોલોની, શાસ્ત્રી, ખેતીવાડી કોલોની સહિત સરકારી આવાસોમાં ગેરકાયદેસર રીતે રહેતા 43 જેટલા આવાસો અને સાપુતારામાં 36 આવાસો તાત્કાલિક ખાલી કરવાની તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે. ડાંગ જિલ્લાના વડા મથક આહવામાં જે આવાસો છે એ જિલ્લા બહારના કર્મચારીઓને માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ દ્વારા સરકારી આવાસ ફાળવવામાં આવ્યા હતા.

જેમાં મોટાભાગના કર્મચારીઓ બદલી કે નિવૃત થઈ ગયા હોવા છતાં અન્યના નામે સરકારી આવાસનો દુરુપયોગ થતો હોવાની ફરિયાદ છેક પ્રભારી મંત્રી કુંવરજી હળપતિને થતા તેમણે સંબંધિત અધિકારીને તેમના તાબા હેઠળના સરકારી કવાટર્સ વેરિયસ, સરદાર, ગાંધી, શાસ્ત્રી અને ખેતીવાડી કોલોનીના આવાસ ધારકોની તપાસ હાથ ધરવા સૂચના આપી હતી.

જે સંદર્ભે માર્ગ અને મકાન સ્ટેટ વિભાગે સરકારી આવસોમાં રહેતા કર્મચારીઓની તપાસ હાથ ધરતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. જેમાં સરકારી રાહે જે કર્મીને આવાસ ફાળવેલા હોય તેની જગ્યાએ અન્ય વ્યક્તિ તેનો ઉપયોગ કરતા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. ડાંગ જિલ્લામાં સરકારી કર્મચારીઓને આવાસનું ભાડુ ભરવું પડતું ન હોય કેટલાક કર્મચારીઓએ પોતાને મળેલા આવાસ બદલી થઈ કે નિવૃત્તિ બાદ પણ મનસ્વી રીતે અન્યને ભાડે કે મિત્રતામાં આપી દેવાયાનું જાણવા મળ્યુ હતું. ડાંગ જિલ્લા પ્રભારી મંત્રીની સતર્કતાને પગલે છેલ્લા કેટલાક સમયથી સરકારી આવસોમાં ચાલતી ગોબચારી બહાર આવી હતી.

હાલ આહવાની સરકારી કોલોનીમાં 43 જેટલા ભૂતિયા આવાસ ધારકો અને સાપુતારામાં વાઘબારી અને સરવર કોલોનીના 36 આવાસ ધારકોને તાત્કાલિક ધોરણે આવાસ ખાલી કરવા તેમજ આવાસ ખાલી નહીં કરે તો પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવાની માર્ગ અને મકાન સ્ટેટ વિભાગના કાર્યપાલક ઈજનેર દ્વારા નોટિસથી જાણ કરવામાં આવી છે. આ સાથે જિલ્લા કલેકટર દ્વારા પણ સંબંધિત સરકારી વિભાગોના વડાઓને નોટિસ ઇસ્યુ કરી તેમના તાબા હેઠળના કર્મીના નામે ભૂતિયા વ્યક્તિઓ આવાસનો ઉપયોગ કરતા હોય સત્વરે સરકારી આવાસ ખાલી કરી રિપોર્ટ કરવાનો આદેશ જારી કરતા કર્મચારીગણમાં  ફફડાટ ફેલાયો છે.

જે સરકારી આવાસો છે એ આ કમિટી મેમ્બર ફાળવે છે! 
ડાંગ જિલ્લામાં સરકારી કર્મચારીઓને આવાસ ફાળવવા એક કમિટીનું ગઠન કરાયું છે. આ કમિટીના ચેરમેન કલેકટર હોય છે અને કમિટીમાં જિલ્લા ન્યાયાધીશ, ડી.એસ.પી.તેમજ માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરનો સમાવેશ થાય છે. કમિટી દ્વારા જે તે વિભાગના કર્મચારીઓની અરજીને આધારે કમિટી દ્વારા નક્કી કરી આવાસ ફાળવાય છે ત્યારે સવાલ એ થાય છે કે આવાસ ફાળવવા હાઇ લેવલ્ના અધિકારીઓની કમિટી નીમી હોય તેમ છતાં ઘણાં સમયથી સરકારી ક્વાટર્સમાં ભૂતિયા કર્મીઓ કોના આશીર્વાદથી રહેતા આવ્યા છે? તે તપાસનો વિષય બન્યો છે. આ સંદર્ભે તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

કાર્યવાહી તો ત્યારે થઈ જ્યારે ખબર પડી કે, ભૂતિયા લાભાર્થીઓ રહેતા છે… 
આહવા અને સાપુતારાના સરકારી સ્ટાફ ક્વાર્ટરમાં ભૂતિયા  લાભાર્થીઓ રહેતા હોવાની ઉપલી કક્ષાએથી ફરિયાદ આવી હતી. જેમાં તપાસ બાદ ગેરરીતિઓ બહાર આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. > એસ.આર. પટેલ, કાર્યપાલક ઇજનેર, માર્ગ અને મકાન સ્ટેટ

જવાબદારો સામે શિક્ષાત્મક પગલાં ભરાશે કે નહીં? અને સરકારી આવસોમાં ભારે ગોબાચારી થતી હોવાની અને ભૂતિયા લાભાર્થીઓને આવાસ ફાળવી તેમની પાસેથી ભાડૂ વસુલ કરતા હોવાની અવિશ્વસનીય માહિતી મળી હતી. આ અંગે ડાંગ કલેકટર અને સંબંધિત અધિકારીને તપાસની સૂચના આપી છે. તપાસ બાદ ગેરરીતિ જણાશે તો કસૂરવારો સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. > કુંવરજીભાઇ હળપતિ, પ્રભારી મંત્રી, ડાંગ જિલ્લા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button