વિશ્વ

દુનિયામાં વર્ષે વ્યક્તિદીઠ 79 કિલો અન્નનો વેડફાટ, 78 કરોડ ભૂખમરાંથી પીડિત, UNનો ડરામણો રિપોર્ટ

અન્નના બગાડ અને કચરાંને કારણે આઠથી દસ ટકા ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન થતું હોઇ પર્યાવરણની સમસ્યા

૨૦૨૨માં દુનિયામાં પેદાં કરવામાં આવેલાં અન્નમાંથી અંદાજે ૧૯ ટકા એટલે કે ૧.૦૫ અબજ મેટ્રિક ટનનો વેડફાટ થયો હતો તેમ યુનાઇટેડ નેશન્સના નવા અહેવાલમાં જણાવ્યું હતું. તેમાં પણ સૌથી વધારે ૬૦ વેડફાટ ઘરોમાં થતો જોવા મળ્યો હતો જ્યારે રેસ્ટોરાં અને ફૂડ સર્વિસમાં આશરે ૨૮ ટકા અન્નનો વેડફાટ થયો હતો. બીજી તરફ દુનિયામાં હાલ ૭૮.૩ કરોડ લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે.

તાજેતરમાં યુએન પર્યાવરણ કાર્યક્રમના અન્ન બગાડ ઇન્ડેક્સ અહેવાલને બુધવારે પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેમાં ૨૦૩૦ સુધીમાં અન્નનો બગાડ ઘટાડીને અડધો કરવાના વિવિધ દેશોના પ્રયાસો પર નજર રાખવામાં આવે છે. ૨૦૨૧માં પ્રકાશિત અહેવાલમાં જણાવાયું હતું કે ૨૦૧૯માં દુનિયામાં પેદાં થયેલાં અન્નના ૧૭ ટકા અથવા ૯૩.૧ કરોડ મેટ્રિક ટન અન્નનો બગાડ થયો હતો. જો કે, બંને અહેવાલોના આંકડાની સીધી સરખામણી કરવી યોગ્ય નથી કેમ કે ઘણાં દેશોમાંથી પૂરતો ડેટા મળ્યો નથી.

યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ-યુએનઇપી એન આંતરરાષ્ટ્રીય સખાવતી સંસ્થા  વેસ્ટ એન્ડ રિસોર્સ એક્શન પ્રોગ્રામ -ડબલ્યુઆરએપી- દ્વારા સંયુક્ત રીતે આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. સંશોધકોએ દરેક દેશની માહિતીને ત્રણ શ્રેણીમાં વહેંચી કાઢી હતી જેમાં ઘરોમાં, ફૂડ સર્વિસ અને છૂટક વેચાણદારો દ્વારા થતાં વેડફાટની ગણતરી માંડવામાં આવી હતી. સંશોધકોના વિશ્લેષણ અનુસાર ઘરોમાં સૌથી વધારે વ્યક્તિ દીઠ  વર્ષે ૭૯ કિલો અન્નનો બગાડ થયો હતો. જે દુનિયામાં દરરોજ એક અબજ ભોજન સમાન છે. ઘરોમાં ૬૦ ટકા, ફૂડ સર્વિસમાં  અથવા રેસ્ટોરાંમાં આશરે ૨૮ ટકા અને આશરે બાર ટકા અન્નનો બગાડ છૂટક વેચાણકારો દ્વારા થયો હતો. દુનિયામાં જ્યારે ૭૮.૩ કરોડ લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે.

અન્નનો બગાડ એ વૈશ્વિક સમસ્યા પણ છે કેમ કે અન્નને પેદાં કરવાની પ્રક્રિયામાં પર્યાવરણ પર અસર પડે છે અને તેમાંથી મિથેન સહિત ઘણાં ગ્રીન હાઉસ ગેસ પેદાં થાય છે. ૩૦ ટકા ગ્લોબલ વોર્મિંગ માટે મિથેન ગેસ જવાબદાર ગણાય છે. અન્નના બગાડ અને કચરાંને કારણે આઠથીદસટકા  ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન થાય છે. જો અન્નનો બગાડ એ દેશ હોત તો ગેસ ઉત્સર્જનના મામલે તે યુએસ અને ચીન પછી ત્રીજા ક્રમે આવ્યો હોત.

નાઇજિરિયા અને કેન્યામાં થતાં અન્નના બગાડને અટકાવવા માટે થતાં પ્રયાસોનો અભ્યાસ કરતાં સંશોધક ફદીલા જુમારે જણાવ્યું હતું કે જે લોકોને આરોગ્યપ્રદ ખોરાક મળતો નથી તેમના માટે આ સમસ્યા વધારે ઘેરી છે. માનવતાની નજરે અન્નનો બગાડ એટલે ગરીબો માટે એટલો ઓછો ખોરાક. અહેવાલમાં જણાવ્યું હતું કે ઘણી સરકારો તથા સંસ્થાઓ જાહેર અને ખાનગી પાર્ટનરશિપ દ્વારા અન્નના બગાડને અટકાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. સરકારો અને મ્યુનિસિપાલિટીઓ ફૂડ સપ્લાય ચેઇન બિઝનેસ સાથે સહકાર સાધી  બિઝનેસને અન્નનો બગાડ અટકાવવાના પગલાં ભરવા બાધ્ય બનાવે છે. અન્નની પુન: વહેંચણીનું કામ પણ ફૂડ બેન્ક અને સખાવતી સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. કેન્યામાં આવું એક જૂથ ફૂડ બેન્કિંગ કરે છે. તેઓ ફાર્મ, બજારો, સુપરમાર્કેટ્સ અને પકિંગ હાઉસોમાંથી વધારાના અન્ન કે ખોરાકને મેળવી તેને શાળાઓમાં ભણતાં બાળકોને અથવા ગરીબોને પુરૂ પાડે છે. કેન્યામાં દર વર્ષે ૪૪.૫ લાખ ટન અનાજનો બગાડ થાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button