તાપી

સોનગઢના ગોલણ ગામે નવનિર્મિત પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાઈ થતાં એકનું મોત 3 સારવાર હેઠળ

ટાંકીના બાંધકામમાં હલકી કક્ષાના મટીરીયલનો ઉપયોગ કર્યો હોવાનો સરપંચનો આક્ષેપ

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગોલણ ગામે નવનિર્મિત પાણીની ટાંકીનો બોટમ સ્લેબ ધરાશાઈ થતાં એક મજુરનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ જેટલા મજૂર ગંભીર રીતે ઘાયલ થતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જેમાં સ્થાનિક સરપંચ દ્વારા હલકી કક્ષાના મટીરીયલનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. બનાવને લઈ ધારાસભ્ય પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા.

તાપી જિલ્લામાં ભષ્ટ્રાચારની ટાંકીનો સ્લેબ ધરાશાઈ થતાં એક મજુરનું મોત નીપજ્યું હતું. બનાવની વાત કરીએ તો તાપી જિલ્લાના અંતરિયાળ એવા સોનગઢ તાલુકાના ગોલણ ગામે પાણી પુરવઠા વિભાગ હસ્તક પૂર્વ સોનગઢ પેકેજ ત્રણ યોજના અંતર્ગત 18 મીટર ઊંચી ટાંકીનું કામ ચાલી રહ્યું હતું. જે ટાંકી વિનોદ પટેલ નામની મેહસાણાની એજન્સી કામ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.

જેમાં ટાંકીનું કામ ચાલુ હતું તે દરમ્યાન અચાનક બોટમ સ્લેબ ધરાશાઈ થઈ ગયો હતો. જેમાં મહારાષ્ટ્રના મજૂર અનિલભાઈ હનજીભાઈ ગાવિતનું મોત નીપજ્યું હતું. જ્યારે અમિતભાઈ અનિલભાઈ ગાવીત, સુનિલભાઈ ટાકલિયા ભાઈ ગામીત અને મલંગદેવ ગામના કિશનભાઇ સેદિયાભાઈ ગામીત ઘાયલ થતાં તેમને વ્યારા, સોનગઢ અને સુબીરની હોસ્પિટલમાં ખસેડાયા હતા.

પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાઈ થવાના પ્રકરણમાં ગામના સરપંચ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, આ ટાંકીના બાંધકામમાં હલકી કક્ષાના મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે સ્થાનિક નિઝર વિધાનસભાના ધારાસભ્ય ડૉ. જયરામ ગામીત પણ હોસ્પિટલ ખાતે ઘાયલ મજૂરની ખબર લેવા પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ટેકનિકલ તપાસ ટીમ કરશે બાદમાં કોની બેદરકારી હતી એ બહાર આવશે.

Related Articles

Back to top button