દક્ષિણ ગુજરાત

દક્ષિણ ગુજરાતમાં લઠ્ઠાકાંડમાં જેવા અભ્યાસક્રમમાં વધુ એક વિષયનો સમાવેશ; તાડી-નિરો પીનાર ચેતજો, બજારમાં મળે છે કેમિકલથી બનેલ તાડી

પોલીસનો ડર ન હોવાથી કૅમિકલથી બનતી તાડી નશાખોરોને વધુ પસંદ

દક્ષિણ ગુજરાતના ગામોમાં તાડીના નામે કૅમિકલથી બનાવીને નકલી નશાકારક તાડીનું વેચાણ થઈ રહ્યું છે. પોલીસ પણ આવાં પીઠાં ચલાવનારા સામે કોઈ કાર્યવાહી કરતી ન હોવાથી, યુવાધન વધુ નકલી તાડીના રવાડે ચઢી ગયું છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તાન અનેક જિલ્લાઓનાં અંતરિયાળ ગામોમાં બારેમાસ નકલી તાડીનું વેચાણ થાય છે. કૅમિકલ પણ અમુક નશાખોર ગ્રાહકોને આપતા હોય, જે ખિસ્સામાં મૂકી ગમે ત્યાં લઈ જઈને નશો કરી શકાય, પોલીસ પકડાવાની બીક પણ નહીં રહે. જાતે નકલી તાડી બનાવીને નશો કરતા હોવાનું પણ જાણવા મળ્યું છે.

નશાખોરને ખબર હોવા છતાં કૅમિકલયુક્ત તાડીનો નશો કરીને આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. છતાં આ નશાના કારભારને બંધ કરવા માટે પોલીસ મૌની બાબાની ભૂમિકા ભજવી રહી હોવાનું કહેવામાં આવે તો ખોટું નથી. હકીકતમાં તાડ પરથી નીકળતા રસમાંથી અમુક મહિના જ તાડી બનતી હોય છે. તેના વેચાણના ઓથમાં કૅમિકલથી નકલી તાડીનો વેપાર પીઠાં પર બારેમાસ થઈ રહ્યો છે. ઘણા નશાખોર પરિચિત હોવા છતાં નકલી તાડીનો નશો કરીને આરોગ્યને જોખમમાં મૂકી રહ્યા છે.

અમુક માસ માટે જ તાડના ઝાડ પર તાડી બનતી હોય તો આખા વર્ષમાં કેવી રીતે વેચાણ કરવામાં આવે છે તે જાણવા માટે ટ્રાન્સપરન્સી ન્યુઝ દ્વારા તાડીનાં પીઠાં પર સ્ટિંગ કરતાં પ્લાસ્ટિકની કોથળીનું પૅકિંગ તૈયાર જ હતું. અને ૧૦ રૂપિયાની એક કોથળી (ગ્લાસ)ના ભાવ પ્રમાણે ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હતું. ના કોઈ રોકનાર, ના કોઈ ટોકનાર! કોઈ જાતનો ડર જ નથી! તપાસ કરતાં જાણવા મળ્યું કે આ કૅમિકલયુક્ત નશીલી તાડી આ અસામાજિક તત્ત્વોને કોઈ પરપ્રાંતીય ઘરબેઠાં આવીને આપી જાય છે.

અગાઉ કૅમિકલ યુક્ત તાડી વેચનારા ઝડપાયા હતા ત્યારે તેમના પીઠા પરથી દવાઓ પણ મળવાના બનાવો બની ચૂક્યા છે. કૅમિકલમાંથી તાડી બનાવતા હોવાનું પણ અમુક નશાખોરે જણાવ્યું હતું. સુરત અને નવસારી જિલ્લાનાં ગામોમાં થોડાં વર્ષો પહેલાં સખીમંડળની મહિલાઓએ ડુપ્લિકેટ તાડીના તમામ પીઠાંનો સફાયો કરી અસામાજિક તત્ત્વોને પણ સીધાદોર કર્યા હતા પરંતુ હાલ કોઈ નક્કર કાર્યવાહી કરાઇ નથી.

ઑક્સિટોસિન અને કૅમિકલ પાવડરનો થઈ રહ્યો છે ઉપયોગ

ડુપ્લિકેટ તાડીના બનાવટમાં પણ બાર ગામે બોલી બદલાય તેમ અલગ અલગ નશીલા પદાર્થનો ઉપયોગ કરતા હોવાનું જાણવા મળ્યું છે, જેમાં પશુઓ માટે વપરાતા ઑક્સિટોસિન ઇન્જેક્શનનો ઉપયોગ નશો વધારવા માટે આ તાડીના બનાવતામાં વપરાતા હોવાનું જાણવા મળ્યું છે. કેટલાંક અસામાજિક તત્ત્વો નશીલા કૅમિકલ પાઉડરથી આ તાડી બનાવતા હોવાનું, આ ક્ષેત્ર સાથે સંકળાયેલાઓના મુખે સાંભળવા મળ્યું છે.

ઑક્સિટોસિન અને કૅમિકલ પાઉડરનો ઉપયોગ નોતરે છે ગંભીર બીમારી

કૅમિકલયુક્ત નશીલી તાડી શરીરના હોજરી, લિવર તેમજ આંતરડાને નુકસાન કરે છે જેના લીધે અનેક ગંભીર બીમારીઓની શક્યતા વધી જાય છે. –

ડૉ. પ્રદિપભાઈ ગરાસિયા, તબીબી

માંગો એટલી તાડી હાજર સ્ટોકમાં!

તાડીનું ઉત્પાદન પ્રમાણમાં માપસરનું જ હોય છે પરંતુ ટ્રાન્સપરન્સી ન્યુઝના પ્રતિનિધિ દ્વારા તપાસ કરાઈ તો ચોંકાવનારી માહિતી મળી હતી કે જોઈએ એટલા પ્રમાણમાં તાડી મળી રહેશે. દક્ષિણ ગુજરાતના આદિવાસી જિલ્લાના ગામોમાં તાડ કે તાડી ઉત્પાદન પ્રમાણ મોટે પાયે નથી, છતાં વેપલો અનેકગણો વધારે છે. ડુપ્લિકેટ તાડીનો વેપલો કરનારા જોઈએ એટલા પ્રમાણમાં પહોંચાડે છે.

સસ્તા નશાનો જોખમી છે રસ્તો

ડુપ્લિકેટ તાડીની બનાવટમાં નશીલી દવાઓ તેમજ ઇન્જેક્શનોના ઉપયોગ થાય છે. સસ્તા નશાના રસ્તો અપનાવનારો શારીરિક રીતે ખોખલા થઈ રહ્યા છે અને ડુપ્લિકેટ તાડી વેચનારાઓને ઊની આંચ પણ નહીં આવતી. આ ડુપ્લિકેટ તાડીના સેવનથી આંખે ઝાંખું દેખાવું. શરીરે સોજા આવવા. રોગપ્રતિકારક શક્તિ ઘટી જવી. કિડની પર સોજા. ચામડીના રોગો જેવા રોગના ભોગ સેવન કરનારાઓ બની રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button