ગુજરાતરાજનીતિ

રેમડેસિવર ઇન્જેક્શનની વહેંચણી PIL પરેશ ધાનાણીએ પાછી ખેંચી

વર્ષ 2021માં પરેશ ધાનાણીએ ગુજરાત હાઇકોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, કોરોનાના કપરાં કાળમાં જ્યારે સરકારે રેમડેસિવર ઇન્જેક્શનની વહેંચણી પોતાની હસ્તકે લઈ લીધી છે. ત્યારે ભાજપની સુરત ઓફિસેથી કોઈપણ લાયસન્સ કે રજિસ્ટ્રેશન વગર કોરોનાના દર્દીઓના સગાને કોરોના રિપોર્ટ અને ડોક્ટરના પિસ્ક્રિપ્શન ઉપર 5000થી વધુ રેમડેસિવર ઇન્જેક્શનની વહેંચણી કરવામાં આવી રહી છે. આ અરજીમાં ભાજપના નેતા સી.આર.પાટીલ અને હર્ષ સંઘવીને પક્ષકાર બનાવાયા હતા.

રિપોર્ટ સરકારે એફિડેવિટ કરી હાઇકોર્ટ સમક્ષ મૂક્યો

ભાજપ તરફથી રેમડેસિવર ઇન્જેક્શનનો ગેરકાયદે સ્ટોક ખરીદી અને વહેંચણી કરવામાં આવી હતી. આ પ્રકારનું કાર્ય ફાર્મસી એક્ટ, ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને એકેડેમી એક્ટના નિયમોનો ભંગ છે. આથી હાઇકોર્ટ આ મુદ્દે તપાસના આદેશ આપે. હાઇકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરની આગેવાની હેઠળ તપાસ કમિટીની રચના કરી હતી. નવેમ્બર, 2023માં તેનો રિપોર્ટ સરકારે એફિડેવિટ ઉપર હાઇકોર્ટ સમક્ષ મૂક્યો હતો. જેની અંદર ભાજપના નેતા સી.આર.પાટીલ અને હર્ષ સંઘવીને ક્લીનચીટ આપવામાં આવી હતી.

રિપોર્ટમાં કશું ખોટું થયાનું સાબિત થયું નથી

અરજદારનું કહેવું હતું કે, કોરોના કાળમાં સરકારી હોસ્પિટલોમાં પણ રેમડેસિવર ઇન્જેક્શન મળતા નહોતા. ત્યારે ભાજપે આ જીવન બચાવનાર દવાને કોઇપણ પ્રકારના લાઇસન્સ વગર લોકોને વહેંચ્યા હતા. તપાસ રિપોર્ટમાં કશું ખોટું થયાનું સાબિત થયું નથી. પરંતુ કેટલાક લાયસન્સધારક કેમિસ્ટ સામે પગલાં લેવામાં આવ્યા છે. અરજદારને નોટિસ આપ્યા વગર રિપોર્ટ હાઇકોર્ટ સમક્ષ મુકાયો હતો. ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની આગેવાનીમાં સુરત અને નવસારી ખાતે આ બાબતની તપાસ કરવામાં આવી હતી.

રિપોર્ટ મુજબ સંસ્થાઓએ ડોનેશન આપ્યું હતું

તપાસ રિપોર્ટ મુજબ કેટલીક સંસ્થાઓએ ડોનેશન આપ્યું હતું. જેમાંથી લાઇસન્સ હોલ્ડર સ્ટોકિસ્ટ પાસેથી રેમડેસિવર ઇન્જેક્શનની વહેંચણી જરૂરિયાતમંદ લોકોને કરવામાં આવી હતી. આ તપાસ રિપોર્ટમાં સામાજિક કાર્યકરો, કોરોનાગ્રસ્ત દર્દીઓના સગાઓ, જેમને રેમડેસિવર ઇન્જેક્શન અપાયા હતા, કેમિસ્ટ વગેરેના નિવેદનો લેવામાં આવ્યા હતા.

સમાચાર અહેવાલને આધારે અરજી ફાઈલ કરાઈ

અરજદારને જણાવ્યું હતું કે, આ અરજી સમાચાર સંસ્થાઓના અહેવાલને આધારે ફાઈલ કરવામાં આવી છે. જોકે અરજદારે જણાવ્યું હતું કે રાજકીય નેતાઓએ તેમના ટ્વીટર હેન્ડલ ઉપર રેમડેસિવર વહેંચણીની બાબત મૂકી હતી. કોર્ટે કહ્યું હતું કે મદદ કરવી તે નિયમોનો ભંગ ગણી શકાય નહીં, આ મુદ્દો બ્લેક માર્કેટિંગનો નથી. કોઈપણ દર્દીના સગાએ ફરિયાદ કરી નથી. અરજદારે રિપોર્ટના અભ્યાસના આધારે વધુ કાનૂની કાર્યવાહીની શક્યતા કોર્ટ સમક્ષ કરી હતી. પરંતુ કોર્ટે કોઈપણ ટિપ્પણી કરવાનો ઇનકાર કરતા, અરજદારે અરજી પરત ખેંચી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button