સુરત

સુરત જિલ્લા ખેડૂત સમાજ દ્વારા દરેક સુગર ફેક્ટરીએ 20 ટકા ખાંડ ફરજીયાત કંતાનની થેલીમાં જ ભરવાના નિર્ણયનો વિરોધ

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ દેશની બધી સુગર ફેક્ટરીઓએ પોતાના ખાંડના ઉત્પાદનની 20% ખાંડ ફરજીયાત કંતાનની થેલીઓમાં ભરવાની રહેશે, નહીંતર જે તે સુગર ફેક્ટરીની ખાંડ વેચાણનો કવોટો અટકાવી દેવામાં આવશે. જો, આમ કરવાની ફરજ પાડવામાં આવે તો, બધી ફેકટરીઓને કરોડો રૂપિયાનું ભારણ થઈ શકે, જેથી સુરત જિલ્લા ખેડૂત સમાજે કેન્દ્ર સરકારને ખેડૂતોને નુકશાન થાય એવો નિર્ણય નહી લેવા અને નિર્ણય લે તો,વધારાના ખર્ચનું વળતર આપવાની માંગ કરી છે.

સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ પરિમલ પટેલે જણાવ્યું હતું કે અત્યારે જે પ્લાસ્ટિકની થેલીમાં ખાંડ ભરવામાં આવે છે, એની 50 કિલો ખાંડની થેલીનો ભાવ 19 રૂપિયાની આજુબાજુ ચાલે છે. જયારે કંતાનની 50 કિલોની એક થેલીનો ભાવ 60થી 65 રૂપિયા છે. આમ એક કવિન્ટલ ખાંડ ભરવા માટેની થેલીઓનો ખર્ચ 80 થી 90 રૂપિયા વધારે થશે. અને જો ઉત્પાદનના 20 % ખાંડ કંતાનની થેલીઓમાં ભરવા માટે ફરજ પાડવામાં આવશે. તો બધી ફેક્ટરીઓને કરોડો રૂપિયાનું ભારણ વધશે. એનો અર્થ એ થશે કે ખેડૂતોની એક ટન શેરડી દીઠ 15થી 20 રૂપિયા જેટલો વધારાનો ખર્ચ આવવાથી 15થી 20 રૂપિયા ભાવ ઓછો પડશે.

હાલના વર્ષોમાં જયારે શેરડીનું એકર દીઠ ઉત્પાદન ઘટી રહ્યું છે અને જયારે આ વર્ષે રિકવરી પણ ઓછી છે. ત્યારે આ વધારાનો ખર્ચ ખેડૂતો માટે પડ્યા પર પાટા સમાન છે. કંતાન ઉદ્યોગને સાચવવા માટે સરકાર શેરડીના ખેડૂતોને નુકશાન કરીને આ પ્રકારનો નિર્ણય લે એ ખુબજ દુઃખદ બાબત છે.

સુરત જિલ્લા ખેડૂત સમાજ માગ કરે છે કે જો આ પ્રકારે કંતાનની થેલીઓમાં ખાંડ ભરવાનું ફરજીયાત કરવામાં આવે તો શેરડી પકવતા ખેડૂતોને આ વધારાના ખર્ચનું વળતર આપવામાં આવે તેમજ ખાંડની MSP પણ 4000 રૂપિયા કરવાની માંગણી કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button