IPL 2024

PBKS vs DC: પંજાબે દિલ્હીને 4 વિકેટે આપી માત, આ ખેલાડીઓનું બલ્લે બલ્લે પ્રદર્શન

પંજાબ કિંગ્સે આઈપીએલ 2024માં જીત સાથે શરૂઆત કરી છે. મુલ્લાનપુર (ચંદીગઢ)ના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પંજાબે દિલ્હી કેપિટલ્સને ચાર વિકેટથી હરાવ્યું.

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 ની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે ટક્કર થઈ. આ મેચમાં પંજાબ કિંગ્સે દિલ્હી કેપિટલ્સને ચાર વિકેટથી હરાવ્યું હતું. મેચમાં પંજાબ કિંગ્સની જીતના હીરો સેમ કુરન અને લિયામ લિવિંગસ્ટોન રહ્યા હતા. ઈંગ્લેન્ડના આ બે સ્ટાર ખેલાડીઓની મદદથી પંજાબ કિંગ્સે ચાર બોલ બાકી રહેતા લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. એક સમયે પંજાબની ટીમે 100 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી કરન અને લિવિંગસ્ટોન વચ્ચેની 67 રનની ભાગીદારીએ મેચને પલટી દીધી હતી. સેમ કરને 47 બોલમાં 63 રન બનાવ્યા જેમાં 6 ફોર અને 1 સિક્સ સામેલ હતી. જ્યારે લિવિંગસ્ટોને અણનમ 38 રન બનાવ્યા હતા. લિવિંગસ્ટોને 21 બોલની ઈનિંગમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. લિવિંગસ્ટોને છેલ્લી ઓવરમાં સુમિત કુમારના બોલ પર વિનિંગ સિક્સર ફટકારી હતી. દિલ્હી તરફથી ખલીલ અહેમદ અને કુલદીપ યાદવે બે-બે વિકેટ લીધી હતી.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત સારી રહી હતી. મિચેલ માર્શ અને ડેવિડ વોર્નરે પ્રથમ વિકેટ માટે 39 રન જોડ્યા હતા. જોકે, બંને ઓપનર પોતાની ઇનિંગને વધારે લંબાવી શક્યા ન હતા. માર્શે 20 અને વોર્નરે 29 રન બનાવ્યા હતા. ત્યારબાદ શાઈ હોપ (33)એ વિસ્ફોટક બેટિંગ કરતા કેટલાક મોટા શોટ ફટકાર્યા, જોકે તે મોટી ઇનિંગ્સ રમવામાં પણ નિષ્ફળ રહ્યો હતો.

હોપના આઉટ થયા બાદ વિકેટો પડવાનો ધમધમાટ જોવા મળ્યો હતો. 454 દિવસ બાદ મેદાન પર પરત ફરેલા રિષભ પંત પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા હતી, પરંતુ તે 18 રન બનાવવામાં સફળ રહ્યો. એક સમયે દિલ્હીએ 147 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી. આવી સ્થિતિમાં અભિષેક પોરેલે તોફાની ઇનિંગ રમીને દિલ્હીને સારા સ્કોર સુધી પહોંચાડી દીધું હતું. અભિષેક પોરેલે 10 બોલમાં 4 ચોગ્ગા અને બે છગ્ગા સાથે અણનમ 32 રન બનાવ્યા હતા. આ દરમિયાન પોરેલે છેલ્લી ઓવરમાં હર્ષલ પટેલ સામે 25 રન બનાવ્યા હતા. પંજાબ કિંગ્સ તરફથી અર્શદીપ સિંહ અને હર્ષલ પટેલે બે-બે વિકેટ લીધી હતી.

બંને ટીમો વચ્ચેની આ મેચ મુલ્લાનપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબના પ્લેઇંગ-11માં વિદેશી ખેલાડીઓ તરીકે જોની બેરસ્ટો, સેમ કરન, લિયામ લિવિંગસ્ટોન અને કાગીસો રબાડાને સ્થાન મળ્યું છે. જ્યારે ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, શાઈ હોપ અને ટ્રિસ્ટન સ્ટબ્સને દિલ્હી કેપિટલ્સના પ્લેઈંગ-11માં વિદેશી ખેલાડીઓ તરીકે સામેલ કરવામાં આવ્યા હતા.

આ મેચમાં બધાની નજર દિલ્હીના કેપ્ટન રિષભ પંત પર હતી. પંત જે ડિસેમ્બર 2022 માં એક ભયાનક કાર અકસ્માતમાંથી બચી ગયો હતો, તેણે ક્રિકેટ પ્રત્યેના તેના જુસ્સાના બળ પર અકાળે સ્વસ્થ થઈ ગયો છે. તેને બેટ્સમેન અને વિકેટકીપર તરીકે રમવાની પરવાનગી મળી ગઈ છે. IPLમાં અત્યાર સુધી દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની ટીમો 33 વખત સામસામે આવી ચુકી છે. આ દરમિયાન પંજાબે 17 મેચ જીતી છે અને દિલ્હીએ 16 મેચ જીતી છે.

પંજાબ અને દિલ્હી કેપિટલ્સની ટીમો હજુ સુધી આઈપીએલનો ખિતાબ જીતવામાં સફળ રહી નથી. પંજાબ કિંગ્સ માત્ર એક જ વાર ફાઇનલમાં પહોંચી છે, જ્યારે 2014માં તેને કોલકાતા નાઇટ રાઇડર્સ દ્વારા પરાજય મળ્યો હતો. આ પછી, 2019 થી 2022 સુધી, ટીમ સતત ચાર સીઝન સુધી છઠ્ઠા સ્થાને રહી અને 2023 માં આઠમા સ્થાને સરકી ગઈ. બીજી તરફ દિલ્હી કેપિટલ્સ પણ 2020 IPL સિઝનની ફાઇનલમાં પહોંચી હતી, જ્યાં તેને મુંબઈ ઈન્ડિયન્સે હાર આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button