માંગરોળ

કોસંબા ગામે રેલવે સ્ટેશન રોડ પર આવેલી 120થી વધુ દુકાનોને રેલવે વિભાગે હટાવવા નોટીસ પાઠવી

વેપારીઓએ રોષ ઠાલવ્યો

માંગરોળ તાલુકાના કોસંબા ગામે રેલવે સ્ટેશન રોડ પર મુખ્ય બજારમાં આવેલા આઝાદી પૂર્વેથી સ્થાપિત એવી 120થી વધુ દુકાનોને રેલવે દ્વારા તેમની હદમાં હોવાનું જણાવી 15 દિવસમાં હટાવવા સંદર્ભે નોટિસ આપી હતી. દુકાનનો ભોગવટો કરી રહેલા વેપારીઓમાં પોતાની રોજીરોટી છીનવાઈ જશે તે બીકથી ભારે નારાજગી ફેલાઈ રહી હતી. આજરોજ બહોળી સંખ્યામાં વેપારીઓ ભેગા થયા હતા અને રોષ વ્યક્ત કર્યો હતો.

કોસંબા પશ્ચિમ વિભાગમાં પશ્ચિમ રેલવેને સમાંતર રેલવે સ્ટેશન રોડ પર રેલવે તરફ આવેલી દુકાનો અંદાજિત 80 વર્ષથી વધુ જૂની છે. આઝાદી પહેલાથી ગાયકવાડ સરકારના સમયથી આ જગ્યાએ લોકો નાની-નાની દુકાન અને પાથરણા પાથરી પોતાની રોજીરોટી ચલાવી વેપાર કરતાં આવ્યા છે. તરસાડીનું મુખ્ય બજાર પણ આવેલું છે. રેલવેના મત મુજબ રેલવેને સમાંતર આ દુકાનોની લાઈન રેલવેની હદમાં છે. બુધવારે દિવસ દરમિયાન ભરૂચ સેક્સન એન્જિનિયર પશ્ચિમ રેલવે દ્વારા બહાર પાડવામાં આવેલી એક નોટિસ બધી દુકાનો ઉપર મારવામાં આવી હતી.

નોટીસમાં જણાવામાં આવ્યું હતું કે, કોસંબા રેલવે સ્ટેશનના પશ્ચિમભાગમાં રેલવે દ્વારા વાર્ષિક નિરિક્ષણમાં આ જમીન રેલવેની હદમાં છે અને તેની ઉપર બાંધવામાં આવેલા બાંધકામ પણ રેલવેની હદમાં હોવાનું બહાર આવ્યું હતું. જેથી રેલવે પ્રસાશને આદેશ જાહેર કરી 120થી વધુ દુકાનદારોને તેમની દુકાન ઉપર નોટિસ ચોંટાડી આ ગેરકાયદે બાંધકામ 15 દિવસની અંદર હટાવી લેવાની સૂચના નોટિસના માધ્યમથી આપવામાં આવી હતી. ત્યારબાદ રેલવે પોતાની રીતે કાર્યવાહી કરશે તેવું જણાવવામાં આવ્યું છે. આ નોટિસને પગલે મોટી સંખ્યામાં દુકાનદારો પ્રભાવિત થતા વર્ષોથી કામધંધો જમાવી બેઠેલા આ વેપારી વર્ગમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

આજરોજ સવારે બહોળી સંખ્યામાં સ્થાનિક વેપારીઓ તેમજ રાજકીય આગેવાનો એકઠા થયા હતા અને આ બાબતે રોષ વ્યક્ત કર્યો હતો. તરસાડી નગર ભાજપ પ્રમુખ સંગઠનના પ્રમુખ કિશોર સિંહ કોસાડાએ જણાવ્યું હતું કે, આજે 150 જેટલા વેપારીઓ સાથે બેઠક કરી હતી. 80 વર્ષથી આ દુકાનો છે. આ કુટુંબો તેઓ પર જ નિર્ભર છે. ત્યારે આ ડીમોલેશન અટકે તે માટે ઉપલા સ્તરે રજૂઆત કરવામાં આવશે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button