ગુજરાતરાજનીતિ

ગુજરાતમાં ભાજપનું સરપ્રાઈઝ, રાજ્યસભાની ચૂંટણી માટે 4 ઉમેદવારોના નામ કર્યા જાહેર

ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો છે. જેમાંથી એપ્રિલ 2024માં ગુજરાત રાજ્યસભાના ચાર સભ્યોની ટર્મ પૂર્ણ થઈ રહી છે. આ ચાર સભ્યોમાં ભાજપના પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા અને કોંગ્રેસના નારણ રાઠવા અને અમીબેન યાજ્ઞિકનું નામ સામેલ છે. ચૂંટણીપંચ દ્વારા ગુજરાત રાજ્યસભાની 4 સીટ સહિત કુલ 15 રાજ્યમાં 56 સીટ માટે ચૂંટણીની જાહેરાત કરાઈ છે. આગામી 27 ફેબ્રુઆરીના રોજ રાજ્યસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે.

ભાજપે જાહેર કર્યા ઉમેદવારો

ત્યારે ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જેમાં ભાજપે પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાનું પત્તી કાપીને બધાને ચોંકાવી દીધા છે. ભારતીય જનતા પાર્ટીએ જે.પી નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જસવંતસિંહ પરમારના નામની જાહેરાત કરી છે.

કોણ છે જે.પી નડ્ડા?

જે.પી નડ્ડા એટલે કે જગત પ્રકાશ નડા વિશે વાત કરીએ તો તેઓ હાલ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. તેઓનો જન્મ 2 ડિસેમ્બર 1960માં થયો હતો.  જે.પી નડ્ડા મૂળ હિમાચલ પ્રદેશથી છે. તેઓ હિમાચલ પ્રદેશમાંથી ત્રણ વાર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા  તેઓ વર્ષ 1993માં હિમાચલ પ્રદેશની બિલાસપુર સદર બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા હતા. જે બાદ તેઓને વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા હતા. વર્ષ 1998માં તેઓ ફરી એકવાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. જે બાદ તેઓને વર્ષ 2010માં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા હતા. તો પાર્ટી હાઈકમાન્ડ દ્વારા તેઓને વર્ષ 2012માં રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદી સરકારમાં તેઓ આરોગ્ય મંત્રી હતા. 2020માં તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા.

કોણ છે ગોવિંદ ધોળકિયા?

ભાજપ દ્વારા ગોવિંદ ધોળકિયાનું નામ પણ જાહેર કરવામાં આવ્યું છે. તેમના વિશે વાત કરીએ તો તેઓ પાટીદાર અગ્રણી અને સુરતના હીરાના મોટા વેપારી છે. તેઓ મૂળ અમરેલી જિલ્લાના વતની છે. તેઓ ત્યારે ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેઓએ રામ મંદિર માટે 11 કરોડ રૂપિયાનું દાન  આપ્યું હતું. તેઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીકના માનવામાં આવે છે.

 

કોણ છે જશવંતસિંહ પરમાર?

જશવંતસિંહ પરમારનો જન્મ 15 જૂન 1975ના રોજ થયો હતો. તેઓ ગોધરાના રહેવાસી છે. તેઓએ બી.જે મેડિકલ કોલેજમાંથી MBBSનો અભ્યાસ કર્યો છે. તેઓનો પરિવાર વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે. જશવંતસિંહ પરમાર ગોધરા શહેરના જાણીતા ડોક્ટર છે. જશવંતસિંહ પરમાર પંચમહાલના બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્ય પણ રહી ચૂક્યા છે.

કોણ છે મયંક નાયક?

ભારતીય જનતા પાર્ટીએ મહેસાણાના મયંક નાયકને પણ ઉમેદવાર બનાવ્યા છે. તેઓ ઉત્તર ગુજરાતનો ભાજપનો અગ્રણી ચહેરો છે. તેઓ ગુજરાતના ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાના પ્રમુખ છે. તેઓ મારી માટી મારો દેશ અભિયાનના ઈન્ચાર્જ રહી ચુકેલા છે.  તેમણે મંડળ સ્તરથી પ્રદેશ સ્તર સુધીની જવાબદારી નિભાવેલી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button