ઉમરપાડારાજનીતિ

ઉમરપાડામાં મહિલાના મોતની ઘટનાના વિરોધમાં આદિવાસી સમાજની રેલી

ભૂમિ હોસ્પિટલ ના ડો.ભાવેશ મિસ્ત્રી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ થઈ

ઉમરપાડા તાલુકા નાના સુત ખડકા ગામની મહિલાનું ભૂમિ હોસ્પિટલના ડોક્ટર બેદરકારીને કારણે મોત થવાની ઘટનાના વિરોધમાં આદિવાસી સમાજે મામલતદાર કચેરી સુધી રેલી યોજી પ્રદર્શન કરી ડોક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી હતી.

નાના સુત ખડકા ગામની ટીનાબેન મહેન્દ્રભાઈ વસાવા નામની મહિલા બીમાર થતા તેના પતિ ઉમરપાડા રામ વાટીકામાં આવેલ ભૂમિ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. આ સમયે ડોક્ટર ભાવેશ મિસ્ત્રીએ હોસ્પિટલમાં દાખલ થવા માટે જણાવતા મહિલાને દાખલ કરવામાં આવી હતી, પરંતુ તબિયતમાં કોઈ સુધારો ન થતા મહિલાના પતિએ વધુ સારવાર માટે આગળ લઈ જવા નું કહ્યું હતું, પરંતુ ડોક્ટરે મહિલાને હું સારી કરી દઈશ તેમ જણાવી રજા આપી ન હતી.

મહિલાને યોગ્ય પ્રકારની સારવાર આપી ન હતી. માત્ર ઊંચું બીલ બનાવવા માટે દર્દીના પતિની માગણી હોવા છતાં રજા આપી ન હતી. જ્યારે મહિલાની હાલત વધુ કથળતા આખરે ડોક્ટરે રાત્રિ સમયે દર્દીને આગળ લઈ જવાનું જણાવતા પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા હતા અને આખરે મહિલાનું મોત નીપજ્યું હતું.

ડોક્ટરની બેદરકારીથી મહિલા દર્દીનું મૃત્યુ થવાની ગંભીર ઘટનાના વિરોધમાં ઉમરપાડાના આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને પોસ્ટરો બેનરો સાથે ભૂમિ હોસ્પિટલના ડોક્ટર ભાવેશ મિસ્ત્રી વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે રેલી યોજી હતી. ન્યાય આપોના સૂત્રોચારો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ફરજ પર ના મામલતદાર મનસુખભાઈ ભેસાણીયાને એક આવેદનપત્ર મહિલાના પતિ મહેન્દ્રભાઈ તેમજ શાંતિલાલભાઈ અને અરવિંદભાઈ વસાવા સહિતના આગેવાનો દ્વારા આપવામાં આવ્યું હતું. આ સમયે મામલતદાર સમક્ષ મરણ જનાર દર્દી પરીવારની મહિલા ચોધાર આંસુ એ રડી પડી હતી. તેમણે જણાવ્યું કે ભૂમિ હોસ્પિટલના ડોક્ટર ભાવેશ મિસ્ત્રી હોસ્પિટલમાં દાખલ થવું પડશે તેવું કહી દર્દીઓ પાસે ઊંચી ફી વસુલી રહ્યો છે અને દર્દીઓના જીવન સાથે સતત ચેડા કરી રહ્યો છે. ભલા આદિવાસી દર્દીઓ ના મોત થઈ રહ્યા છે. તેના વિરુદ્ધ કાર્યવાહી કરી અમને ન્યાય આપો તેવી માંગ કરી હતી. જિલ્લા આરોગ્ય અધિકારી, ગુજરાતના રાજ્યપાલ સહિત ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવામાં આવી છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button