તાપી

રસ્તા રોકો આંદોલન: બસ સુવિધા મેળવવા ઉચ્છલમાં કોલેજના વિદ્યાર્થીઓનું ગાંધી ચિંધ્યા માર્ગે સત્યના પ્રયોગો

ઉચ્છલ તાલુકામાં માં દેવમોગરા સરકારી કોલેજમાં અભ્યાસ કરતાં અંદાજિત 200 કરતાં વધુ વિદ્યાર્થીઓ દ્વારા શનિવારે એસ ટી બસ શરૂ કરવાની માંગણીના અનુસંધાને ઉચ્છલ ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે સત્યના પ્રયોગો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. જો કે સોનગઢ એસ.ટી બસ ડેપોના મેનેજરે તેમની માંગણી બાબતે સોમવાર સુધીમાં યોગ્ય કાર્યવાહી કરવા માટે ખાત્રી આપતાં આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું હતું.

ઉચ્છલ ખાતેની સરકારી કોલેજમાં રૂમકી તળાવ અને ફૂલ ઉમરાણ ગામ અને તેની નજીક ના ગામડાં માંથી હજારોની સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો અભ્યાસ અર્થે આવે છે. જો કે આ વિદ્યાર્થીઓને પોતાના ગામથી કોલેજ સુધી આવવા જવા માટે એસ.ટી બસની પૂરતી સગવડ ન હોવાથી અભ્યાસ પર માઠી અસર થઈ રહી છે. આ અંગે કોંગ્રેસ પક્ષની વિદ્યાર્થી પાંખ એવી NSUI દ્વારા ગત તારીખ 18 મી સપ્ટેમ્બરના દિવસે મામલતદાર ઉચ્છલને લેખિત રજુઆત કરી ઉચ્છલ થી ફૂલ ઉમરાણ અને રૂમકીતળાવ થી ઉચ્છલ સુધીની બસ શરૂ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેમની માંગણી અંગે યોગ્ય ન કરવામાં આવે તો રસ્તા રોકો આંદોલન માટેની પણ ચીમકી આપવામાં આવી હતી.

આ આધારે ઉચ્છલ થી ફૂલ ઉમરાણ સુધીની બસ શરૂ પણ થઈ હતી પણ માત્ર બે દિવસ પછી ફરીથી એ ટ્રીપ બંધ કરી દેવામાં આવી હતી અને હાલમાં પણ એ બસ રૂટ બંધ જ પડ્યો છે. આખરે ઉચ્છલ કોલેજના વિદ્યાર્થીઓ સાથે યુવક કોંગ્રેસના પ્રમુખ વિરલ વસાવા અને NSUIના અંકુર વસાવા, હંસરાજ, વિશાલ વસાવા, જગદીશ ગામીત, પિયુષ વસાવા ,મહિમા બહેન,આનંદી બહેન વગેરે લોકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતાં. તેમણે પોતાની માંગણીના સમર્થનમાં ઉચ્છલ ખાતેના ઉચ્છલ નિઝર સ્ટેટ હાઇવે પર શનિવારે સવારે રસ્તા રોકો આંદોલન કર્યું હતું અને જે કારણે એસ.ટી બસ સહિતના વાહનો સ્થળ પર જ થંભી ગયાં હતાં. આ આંદોલન સંદર્ભે ઉચ્છલ પોલીસનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને તેમણે મધ્યસ્થી કરી આંદોલનકારી વિદ્યાર્થીઓ અને એસ.ટી બસ ડેપોના મેનેજર વચ્ચે ટેલિફોનિક વાત કરાવી હતી. સોનગઢ ડેપો મેનેજરે નવી બસ શરૂ કરવા અંગેની બાબતે સોમવાર સુધી નો સમય માંગતા આંદોલનકારી ઓ સહમત થઈ ગયાં હતાં અને હાલ પૂરતું આંદોલન સમેટી લીધું હતું.

આ બસનો રૂટ શરૂ કરવાની માંગ છે આ અંગે અંકુર વસાવા અને અન્ય વિદ્યાર્થી આગેવાનોના જણાવ્યાં મુજબ ઉચ્છલથી ફૂલઉમરાણ ગામ સુધીની બપોરે 2 કલાકના સમયે બસ શરૂ કરવી જરૂરી છે. એ સાથે જ રૂમકી તળાવ ગામથી સવારે 7.30 કલાકે ઉચ્છલ સુધી ની અને બપોરે 2 કલાકે પરત ઉચ્છલથી રૂમકી તળાવ ગામ સુધીની બસ શરૂ કરવામાં આવે તેવી તેમની માંગ છે. આ બંને રૂટ પર બસ શરૂ કરવામાં ન આવે તો આગામી સપ્તાહમાં ફરી વખત આંદોલનનો કાર્યક્રમ આપવામાં આવશે એવું જાણવા મળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button