માંડવી

કીમ-માંડવી સ્ટેટ હાઇવેની હાલત કફોડી બનતા વાહનચાલકો પરેશાન

પૂલિયાઓ પર સળિયા નીકળી ગયા:તાત્કાલિક કમરતોડ રોડનું સમારકામ કરાવવા માંગ

સુરતના કીમ અને માંડવીને જોડતા રાજ્ય ધોરી માર્ગની હાલત કફોડી બની છે. ઠેર-ઠેર મસમોટા ખાડા પડતા અકસ્માતની ઘટનામાં વધારો થયો છે. ત્યારે તંત્ર દ્વારા ખાડાઓ નહીં પુરાતાં વારંવાર અકસ્માતો થઈ રહ્યા છે. મોતનું કારણ બનેલા ખાડાઓને તંત્ર ક્યારે પુરશે એ એક પ્રશ્ન છે? તંત્રની આવી બેદરકારીના કારણે સ્થાનિકો તેમજ વાહનચાલકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.

ગતિશીલ ગુજરાતમાં એક એવો સ્ટેટ હાઇવે જે હાઇવે ઉપર કાર તો ઠીક પણ બાઈક ચલાવવું પણ વાહન ચાલકો માટે મુશ્કેલ બન્યું છે. સુરતના કીમ અને માંડવીથી પસાર થતો રાજ્ય ધોરી માર્ગ (65) મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશને જોડતો હાઇવે છે. ત્યારે આ રાજ્ય ધોરી માર્ગની હાલત અત્યંત ગંભીર અને  દયનીય બની છે. સ્ટેટ હાઇવે ઉપર પડેલા ઠેર-ઠેર ખાડાને લઈ અકસ્માતની ઘટનામાં પણ વધારો થઈ રહ્યો છે, પરંતુ તંત્રની ઘોર બેદરકારીના કારણે સ્ટેટ હાઇવેની હાલતમાં કોઈ સુધારો નથી કરાયો અને રસ્તા પર પડેલા ખાડાને લઈ વાહનચાલકો મોતને ભેટી રહ્યા છે.

કીમ માંડવી રાજ્ય ધોરી માર્ગ (65) 45 કિલોમીટર લાંબો અને ગુજરાતને મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે જોડતો મહત્વનો માર્ગ છે. સુરત જિલ્લાના ઓલપાડ-માંગરોળ અને માંડવી તાલુકાના ગામો આ માર્ગ પર આવેલા છે.  કીમ ચાર રસ્તાથી માંડવી સુધીમાં આખા માર્ગ પર માસમોટા કમર તોડ ખાડા પડી ગયા છે. તેમજ હજી બે વર્ષ પહેલા બનેલા ભાટકોલ ગામ નજીક સ્ટેટ હાઇવે પરના પુલિયા પર ભ્રષ્ટાચારના સળિયા બહાર આવી ગયા છે. જેને લઇને બાઈક, મોપેડ સહિતના નાના વાહનોને અકસ્માત થવાનો ભય છે. છેલ્લા ઘણા મહિનાથી આ રોડ આ પરિસ્થિતિમાં જોવા મળી રહ્યો છે. મોટા ખાડાઓને કારણે વારંવાર આ માર્ગ પર અકસ્માત થાય છે. મોટા ભારે વાહનોમાં ખાડાને કારણે ખામી સર્જાતા ભારે ટ્રાફિક જામ પણ સર્જાય છે. આ રસ્તાની કામગીરી માટે સરકાર દ્વારા ગત વિધાનસભા ચૂંટણી પહેલાં અંદાજિત 200 કરોડ મંજૂર કર્યા છે. પણ હજુ સુધી કામ શરૂ કરવામાં આવ્યું નથી. અને આ કામ ક્યારે શરૂ થશે તે માટે વાહન ચાલકોની હાલત ઉનાળામાં વરસાદની રાહા જોતા લોકો જેવી થઈ છે.

સ્ટેટ હાઇવે ઉપર પડેલા ખાડાને લઈ દરરોજ અકસ્માતની ઘટનાઓ બને છે. જેમાં વાહનચાલકોના જીવ પણ જાય છે અને કેટલાક વાહન ચાલકો ઇજાગ્રસ્ત પણ થાય છે. થોડા દિવસ પૂર્વે જ કીમ-માંડવી સ્ટેટ હાઇવે ઉપર પડેલા ખાડા એ એક બાઈકને અક્સ્માત નડ્યો હતો. શરીરે નાની મોટી ઈજાઓ થઈ હતી. જેને લઇને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જવાબદાર તંત્ર ઝડપથી આ રસ્તાનું સમારકામ કરાવે એ હાલ જરૂરી બની ગયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button