વિશ્વ

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રશિયાનો પ્રસ્તાવ ફગાવાયો

ઈઝરાયેલ-પેલેસ્ટિન યુદ્ધમાં અત્યાર સુધીમાં ઇઝરાયેલના 1,300થી વધુ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. ત્યારે ગાઝામાં ચાલી રહેલી હિંસા ઉપર રશિયાના પ્રસ્તાવને સોમવારે રાત્રે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ફગાવી દેવામાં આવ્યો હતો. વાસ્તવમાં, રશિયાના પ્રસ્તાવમાં ગાઝામાં નાગરિકો સામેની હિંસાની નિંદા કરવામાં આવી હતી અને યુદ્ધવિરામની માંગ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે રશિયાના આ પ્રસ્તાવની ઇઝરાયેલના રાજદૂતે નિંદા કરી હતી.

ગાઝાની હિંસા બાબતે રશિયાના પ્રસ્તાવના મતદાન પહેલા, રશિયન રાજદૂત વેસિલી નેબાન્ઝિયાએ અન્ય સભ્ય દેશો પાસેથી સમર્થન માંગતા કહ્યું હતું કે, ગાઝામાં થયેલા હુમલામાં દર કલાકે જાનહાનિની ​​સંખ્યા વધી રહી છે. રશિયાના રાજદૂતે ઇઝરાયેલ અને ગાઝામાં નાગરિકોના મૃત્યુની સખત નિંદા કરી હતી. જણાવી દઈએ કે, ગાઝા પટ્ટીમાં થયેલા હુમલામાં હમાસના નિશાનામાં સ્થાનિક ઇઝરાયેલી લોકો બાદ અમેરિકાના નાગરિકોના સૌથી વધુ મૃત્યુ થયા છે ત્યારબાદ થાઈલેંડના લોકોના સૌથી વધુ સંખ્યામાં મૃત્યુ થયા છે. રશિયા અને યુક્રેનના નાગરિકોનો મૃત્યુઆંક લગભગ બરાબરીનો છે.

રશિયન પ્રસ્તાવ ઉપર અમેરિકાના રાજદૂતે શું કહ્યું?
સમગ્ર પ્રસ્તાવ બાબતે અમેરિકી રાજદૂત લિન્ડા થોમસ ગ્રીનફિલ્ડે કહ્યું કે, રશિયન ઠરાવમાં હમાસનો કોઈ ઉલ્લેખ નથી. જ્યારે હમાસે ઈઝરાયેલના નાગરિકો અને યહૂદીઓનો નાશ કરવાના ઉદ્દેશ્યથી હુમલો કર્યો હતો. હમાસની નિંદા ન કરીને રશિયા આ આતંકવાદી સંગઠનના કૃત્યોનો બચાવ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે હમાસના હુમલાને કારણે ગાઝામાં આ ગંભીર સંકટ ઉભું થયું છે. અમેરિકી રાજદૂતે ગાઝામાં ચાલી રહેલી હિંસાની પણ નિંદા કરી હતી સાથે કહ્યું કે આતંકવાદી હુમલાનો જવાબ આપવો ઇઝરાયેલનો અધિકાર છે. બ્રિટિશ રાજદૂત બાર્બરા વુડવર્ડે રશિયન પ્રસ્તાવની નિંદા કરી હતી.

આ દેશોએ રશિયન પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું
રશિયાના ઠરાવના સમર્થનમાં મતદાન કરનારા દેશોમાં ચીન, સંયુક્ત આરબ અમીરાત, મોઝામ્બિક અને ગેબોનનો સમાવેશ થાય છે. પ્રસ્તાવના વિરોધમાં મતદાન કરનારા દેશોમાં અમેરિકા, બ્રિટન, જાપાન અને ફ્રાન્સનો સમાવેશ થાય છે. અન્ય છ દેશોએ મતદાનમાં ભાગ લીધો ન હતો. જણાવી દઈએ કે, રશિયાએ પોતાની પ્રસ્તાવનામાં હમાસ અથવા તેના ઇઝરાયેલી નાગરિકો ઉપરના હુમલાઓનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો. જેથી, પશ્ચિમી દેશોએ આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો. 15 સભ્યોની સુરક્ષા પરિષદમાં ઠરાવ પસાર કરવા માટે નવ મતોની જરૂર હતી, પરંતુ માત્ર ચાર દેશોએ ઠરાવના સમર્થનમાં મતદાન કર્યું હતું. ચાર દેશોએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button