ગુજરાતદક્ષિણ ગુજરાતનર્મદારાજનીતિરાજ્ય

સમીક્ષા બેઠકનું આયોજન: સાગબારા-ડેડિયાપાડામાં મંજૂર થયેલા અને પ્રગતિ હેઠળના કામોની ચર્ચા

આરોગ્ય, પોષણ, શિક્ષણ, પશુપાલન સેક્ટરમાં મંજૂર થયેલા અને પ્રગતિ હેઠળના કામોની વિસ્તૃત ચર્ચા કરાઈ

વર્ષ 2006થી ગુજરાત સરકાર દ્વારા વિકાસશીલ તાલુકા યોજના અમલમાં મૂકવામાં આવી છે. આદિજાતિ વિસ્તારનાં અલ્પ વિકસિત તાલુકાઓને તાલુકાદીઠ વાર્ષિક 2 કરોડ રૂપિયાની વધારાની રકમ ગ્રાન્ટ ફાળવવાની જોગવાઈ કરવામાં આવી છે. જે અન્વયે વર્ષ-2022-23માં નર્મદા જિલ્લાનાં ડેડિયાપાડા અને સાગબારા તાલુકા માટે સરકાર તરફથી ફાળવાયેલી રૂપિયા 4 કરોડની ગ્રાન્ટ અંતર્ગત વિકાસ કામોની સમીક્ષા અને વિચાર-વિમર્શ માટે આજે જિલ્લા પ્રભારી સચિવ તથા ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન નિગમના મેનેજિંગ ડિરેક્ટર એમ.એ.ગાંધીનાં અધ્યક્ષપદે કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી એસ.એસ.પાંડે દ્વારા નર્મદા એસ્પિરેશનલ જિલ્લા કાર્યક્રમ, વિકાસશીલ તાલુકાના વિવિધ ઈન્ડીકેટર્સ આધારિત વિવિધ વિભાગ દ્વારા થયેલા કામોના વિસ્તૃત પ્રેઝન્ટેશન દ્વારા જિલ્લાનાં બે તાલુકામાં આરોગ્ય, પોષણ, શિક્ષણ, ખેતી અને પશુપાલન વગેરે સેક્ટરનો ચિતાર રજૂ કરી જિલ્લા પ્રભારી સચિવને તાલુકાઓની પરિસ્થતિથી અને કરવામાં આવેલા કામો, પ્રગતિ હેઠળના કામોથી વાકેફ કરાયાં હતા.

નર્મદા જિલ્લાના વિવિધ વિભાગીય અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લા પ્રભારી સચિવ ગાંધી દ્વારા વિકાસશીલ જોગવાઈ હેઠળ આરોગ્ય, પોષણ, શિક્ષણ વગેરે સેકટરમાં અગાઉના વર્ષ 2021-22-23માં આરોગ્ય અને શિક્ષણમાં મંજૂર થયેલા કામોની જન પ્રતિનિધિઓની હાજરીમાં ઉંડાણપૂર્વક સમીક્ષા કરી હતી. જેમાં આજદિન સુધી શરૂ ન થયેલા કામો તાત્કાલિક અસરથી શરૂ કરવા તથા પ્રગતિ હેઠળનાં કામો ઝડપથી પુર્ણ કરી લોક કલ્યાણની સુવિધાઓ ગ્રામ્ય વિસ્તારમાં ઝડપથી ઉપલબ્ધ થાય અને સરકારની યોજનાઓનો સકારાત્મક અમલ કરી જરૂરિયાતવાળા કુટુંબોને લાભ મળી રહે તે જોવા અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. ટ્રાયબલ જિલ્લામાં દાહોદ ખાતેના સદગુરૂ ફાઉન્ડેશન દ્વારા જળ સંચય અને ગ્રામીણ વિકાસના કામોને નર્મદા જિલ્લામાં પણ તેઓના માધ્યમ થકી અથવા સલાહ લઈને કામ કરવા જણાવ્યું હતું.

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તથા સાગબારા તાલુકાઓ માટે સરકાર તરફથી ફાળવાયેલી રૂપિયા 4 કરોડની ગ્રાન્ટ તથા અગાઉના વર્ષોની બચત ગ્રાન્ટનું યોગ્ય પુનઃ આયોજન કરી જન પ્રતિનિધિઓને સાથે રાખીને નવા કામોનું આયોજન કરવા ખાસ અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં ઉપસ્થિત ચૂંટાયેલા જન પ્રતિનિધિઓએ પણ વિકાસ કામો અંગે પોતાના કેટલાંક સૂચનો રજૂ કર્યા હતા. જેનો સકારાત્મક નિકાલ કરવા જિલ્લાના અધિકારી ઓએ સહમતી દર્શાવી હતી. બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ પણ જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓ સાથે વિકાસ કાર્યોના અમલીકરણ મુદ્દે ખાસ કાળજી રાખી ચાલુ કામોને પ્રાથમિકતા આપી ઝડપથી પૂર્ણ કરવા ઉપર ભાર મૂક્યો હતો. પ્રાકૃતિક ખેતીનો વ્યાપ અને વિસ્તાર કરવા પણ જણાવ્યું હતું અને પ્રાથમિક શાળા, આંગણવાડીના કેમ્પસમાં આમળા-સરગવાના છોડ ઉથેરીને તેનો આહારમાં ઉપયોગ કરવા હિમાયત કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button