નર્મદા

મૃતક પરિવારનો આક્ષેપ- ‘ભૂમાફિયાઓએ ખોદેલા ખાડાઓને કારણે જ અમારા છોકરાઓ ગરકાવ થયા’ જ્યારે રાજપીપળા સ્થિત ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતા દ્વારા જણાવાયું કે, ત્રિવેણી સંગમવાળી જગ્યા નજીક સાદી રેતી કે ગ્રેવલ્સની એકપણ લિઝ કાર્યરત નથી

કોટડી ગામના ઝીંઝાળા સમાજના પ્રમુખ આર આર ઝીંઝાળાએ જણાવ્યું હતું કે, જમીન લેવલે વાસ્તવિકતા કાંઈ અલગ જ છે

મંગળવારે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પોઇચા ગામ નજીક આવેલી નર્મદા નદીમાં 6 માસૂમો સહિત 7 વ્યક્તિઓના ડૂબી જવાની ગોઝારી ઘટના બની હતી. જેમાં 72 કલાકની ભારે જહેમત બાદ 6 લોકોના મૃતદેહ મળ્યા હતા. જ્યારે ભારે શોધખોળ છતાં હજુ પણ એક બાળકનો મૃતદેહ મળ્યો નથી. ત્યારે મૃતક પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ભૂમાફિયાઓએ ખોદેલા ખાડાઓને કારણે જ અમારા છોકરાઓ ગરકાવ થયા છે.

72 કલાકમાં 6 મૃતદેહ મળ્યા, એક લાપતા

મંગળવારે સુરતની એક જ સોસાયટીમાં રહેતા પ્રવાસીઓ પોઇચા ખાતે નર્મદા નદીમાં ન્હાવા પડતાં પાણીમાં ગરકાવ થયા હતા. કુલ 8 પ્રવાસીમાં ત્રણ નાનાં બાળકો હતાં. સ્થાનિકો દ્વારા એકને બચાવી લેવામાં આવ્યો હતો. જ્યારે 7 લોકો પાણીમાં ડૂબ્યા હતા. જે બાદ તબક્કાવાર તેમના મૃતદેહો મળ્યા હતા. બુધવારે એક જ દિવસમાં પિતા સાથે બે પુત્રોના મૃતદેહો મળી આવ્યા હતા. જ્યારે 7 વર્ષનો આર્યન હજુ પણ લાપત્તા છે.

રેતી માફીયાઓ જવાબદાર

બલદાણિયા પરિવારના સભ્ય નાગજીભાઇ બલદાણિયાએ જણાવ્યું હતું કે, અમે અહિયાં આવ્યા ને જોયું કે અહિયાં મોટા મોટા ખાડા છે. તંત્ર એ આવા ખાડા પૂરી દેવા જોઈએ તો આવી ઘટના ના બને. આ ખાડા ભુમાફિયાઓ દ્વારા જ ખોદવામાં આવ્યા હોવા જોઈએ. એમને કારણે અમારા છોકરાઓ ગરકાવ થયા અને અમારે આ ભોગવું પડે છે.

મસમોટા ખાડાઓને કારણે જ લોકોએ જીવ ગુમાવ્યો

નર્મદા જિલ્લાના પોઈચા નર્મદા નદીના કિનારે રેતી માફીયાઓ દ્વારા રાત – દિવસ ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવામાં આવી રહ્યું છે. ત્યારે નીતિ નિયમોને નેવે મૂકીને ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનાર ભુમાફીયાઓને કોણ પ્રોત્સાહન પૂરું પાડી રહ્યું છે, તે પણ એક તપાસનો વિષય બની ગયો છે. આ ગેરકાયદેસર રેતી ખનન અંગે પ્રવાસીઓને કોઈ જાણ નથી હોતી. તો તેવા સ્થળો ઉપર મોટા બોર્ડ મૂકવા જોઈએ. ભૂમાફિયાઓ દ્વારા મસમોટા ખાડાઓ કરી દેવામાં આવતા હોય છે ત્યારે આ ઊંડા ખાડાઓને કારણે અવારનવાર આ પ્રકારની ઘટના બનતી હોય છે. ત્યારે આ ખાડાઓને પૂરી દેવા જોઈએ નહિ તો કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે.

મંગળવાર 7 લોકો પાણીમાં ડૂબ્યા હતા

કોટડી ગામના ઝીંઝાળા સમાજના પ્રમુખ આર આર ઝીંઝાળાએ જણાવ્યું હતું કે, 14 મે મંગળવાર રોજ 6 માસૂમો બાળકો સહિત 7 વ્યક્તિઓની ડૂબી જવાથી તેઓના મોત નીપજ્યાં હતા. ત્યારે આ પ્રકારે મસમોટા ખાડાઓને કારણે લોકો મોતને ભેટી રહ્યાં છે. અમે 6 સ્વજન ગુમાવ્યા છે ને એક રાજુલાના વતની છે. જ્યાં ખનન થતું હોય, જ્યાં સંવેદનશીલ વિસ્તાર હોય, જ્યાં અકસ્માત થવાના ચાન્સીસ હોઈ ત્યાં તંત્રએ જાગૃત થઈને પગલાં ભરવા જોઇએ. સામે જે ભેખડ જોવા મળે છે ત્યાં બેનર લગાડવા જોઈએ કે આ વિસ્તાર પ્રતિબંધિત છે. તમે જોઈ શકો છો અહિયાં 15-20 ફૂટ ઊંડા ખાડા જોવા મળે છે. અહિયાં ખનન થયું હોય એમ લાગે છે. આમાં તંત્રની ઘોર બેદરકારી જોવા મળે છે.

જમીન લેવલે વાસ્તવિકતા કાંઈ અલગ જ છે

ઝીંઝાળાએ વધુમાં જણાવ્યું હતું કે, ભારત હાલ વિશ્વ ગુરુ બનવા જઈ રહ્યું છે ત્યારે, જમીન લેવલે વાસ્તવિકતા કાંઈ અલગ જ છે. તંત્રએ જાગૃત થવું જોઈએ. અહિંયા જ્યાં સંવેદનશીલ વિસ્તાર છે ત્યા ગ્રિલ મારવી જોઈએ કે બોર્ડ લગાડવા જોઈએ. સરકાર જે વાતો કરે છે એ અને વાસ્તવિકતામાં બહુ ફેર છે. પૈસા અને સત્તા માટે સરકાર બધું જ કરે છે. જેનું પરિણામ સામાન્ય જનતાએ ભોગવવું પડે છે. એક જ પરિવારના 4 સભ્યોના મોતથી પરિવાર ખાલી થઈ જાય છે, એ ઘર પુરુષ વગરનું થઈ જતું હોય છે. અમે સરકારની બેદરકારીથી આ પરિણામ ભોગવી રહ્યા છે.

અધિકારીઓની કામગીરી શંકા ઉપજાવે તેવી

રેતી માફીયાઓ દ્વારા ખુલ્લેઆમ નીતિ નિયમોના ધજાગરા ઉડાડવામાં આવી રહ્યા છે તેમ છતાં વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા રેતી માફીયાઓ સામે કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. જેના કારણે અધિકારીઓની કામગીરી પણ શંકા ઉપજાવે તેવી જોવા મળી રહી છે. જો વહીવટી તંત્રના અધિકારીઓએ પોતાની ફરજ સમજીને પહેલાંથી જ આ રેતી માફીયાઓ સામે કાર્યવાહી કરી હોત તો આ પ્રકારે લોકોએ પોતાનો જીવ ગુમાવવો જ ન પડ્યો હોત. આવા અનેક સવાલ સાથે પંથકમાં અનેક તર્કવિતર્કો સર્જાતા જોવા મળી રહ્યા છે.

ત્રિવેણી સંગમવાળી જગ્યા નજીક એકપણ લિઝ કાર્યરત નથી

નાંદોદ તાલુકાના પોઇચા ખાતે નર્મદા નદીમાં ત્રિવેણી સંગમ તરીકે ઓળખાતા સ્થળ ઉપર ન્હાવા ગયેલા સાત વ્યક્તિઓ ડૂબી જવાની ગોઝારી ઘટના બાદ રેતીની લિઝ બાબતે સમૂહ માધ્યમોમાં પ્રકાશિત થયેલા સમાચારો પ્રત્યે કાર્યકારી મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી રાજપીપળા સ્થિત ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતા દ્વારા જણાવાયું છે કે, ત્રિવેણી સંગમવાળી જગ્યા નજીક સાદી રેતી કે ગ્રેવલ્સની એકપણ લિઝ કાર્યરત નથી. ત્રિવેણી સંગમથી ઉપર વાસમાં એકાદ કિલોમિટર દૂર સાદી રેતી, ગ્રેવલ્સની ત્રણ લિઝ રાજ્ય સરકારના નિયમોનુસાર કાર્યરત છે.

Related Articles

Back to top button