વિશ્વ

ચીનમાં રહસ્યમય બીમારી ફેલાતા ભારતમાં વધ્યું ટેન્શન

ગુજરાતથી લઈને હરિયાણા સુધી એલર્ટ

ચીનમાં બાળકો અને યુવાનોને શિકાર બનાવી રહેલા રહસ્યમય તાવ અને ન્યુમોનિયાને લઈને કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એલર્ટ કર્યા છે. ત્યાર બાદથી રાજ્ય સરકારો પણ સાવચેતી રાખી રહી છે. મહારાષ્ટ્ર સરકારે તો ફરી એકવાર કોવિડ પ્રોટોકોલ લાગુ કરવાની દિશામાં પગલાં ભર્યા છે. આ સિવાય હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક, ઉત્તરાખંડ અને તમિલનાડુની સરકારો પણ એલર્ટ થઈ ગઈ છે. તમામ રાજ્યોની સરકારે હોસ્પિટલોને સંપૂર્ણ તૈયારીઓ રાખવા જણાવ્યું છે. સાથે જ કોઈ દર્દી શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોવાનું જણાવે તો તેમની યોગ્ય તપાસ કરવા અને સંપૂર્ણ નિરીક્ષણ હેઠળ રાખવા જણાવ્યું છે.

ગુજરાત સરકાર એલર્ટ

ચીનમાં ફેલાયેલી આ રહસ્યમય બીમારી અને કેન્દ્ર સરકારની ચિંતાઓને લઈને ગુજરાત સરકાર પણ એલર્ટ છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે, કોરોનાકાળ દરમિયાન તૈયાર કરવામાં આવેલા હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યું છે. ચીનમાં રહસ્યમય બીમારીના કેસ સતત વધતા ગુજરાત સરકારે માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. ગુજરાત સરકાર દ્વારા અધિકારીઓ અને હોસ્પિટલ તંત્રને બેડની સુવિધા, મેડિકલ-દવાઓના જથ્થાની ઉપલબ્ધતાની ખાતરી કરવાની સૂચના આપવામાં આવી છે.

ઉત્તરાખંડમાં ચિંતા વધુ

આટલું જ નહીં ઉત્તરાખંડ સરકારે પણ શ્વાસ લેવામાં તકલીફ સંબંધિત કેસને લઈને એલર્ટ રહેવા માટે કહ્યું છે. સરકારે અપીલ કરી છે કે લોકોએ નિયમિતપણે તેમના હાથ ધોવા જોઈએ અને તેમના ચહેરાને બિનજરૂરી રીતે સ્પર્શ ન કરવો જોઈએ. ઉત્તરાખંડમાં ચિંતા વધુ છે કારણ કે તેના ત્રણ જિલ્લા ચમોલી, ઉત્તરકાશી અને પિથોરાગઢ ચીનને અડીને આવેલા છે.

કર્ણાટક સરકારની માસ્ક પહેરવાની અપીલ

કર્ણાટકના આરોગ્ય મંત્રાલયે લોકોને મોસમી તાવથી બચવા અપીલ કરી છે. સરકારે પણ સલાહ આપી છે કે લોકોએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. આ અંતર્ગત જણાવવામાં આવ્યું છે કે, ખાંસી અને છીંકતી વખતે નાક અને મોં ઢાંકીને રાખો. આ સિવાય સતત હાથ ધોવાનું રાખો. વારંવાર ચહેરાને સ્પર્શ કરશો નહીં. જાહેર સ્થળોએ માસ્ક પહેરીને જ જાઓ.

‘અત્યારે કોઈ ઈમરજન્સી’

રાજસ્થાનના આરોગ્ય મંત્રાલયે પણ એક એડવાઈઝરી જારી કરી છે. મંત્રાલયે કહ્યું કે અત્યારે કોઈ ઈમરજન્સી નથી, પરંતુ તકેદારી રાખવાની જરૂર છે. ખાસ કરીને બાળકોની હોસ્પિટલોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

હરિયાણા સરકારે પણ આપ્યો આદેશ

હરિયાણાના આરોગ્ય વિભાગે તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલોને જણાવ્યું છે કે, જો કોઈ શ્વાસ સંબંધિત બીમારી સાથે દર્દી આવે તો તેની માહિતી સરકારને આપે. તમિલનાડુએ પણ હોસ્પિટલોને સમાન આદેશ જારી કર્યો છે. નોંધનીય છે કે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને ઈન્ફલ્યુએન્ઝા અને શ્વાસ લેવામાં તકલીફ જેવા રોગોના કેસ પર સંપૂર્ણ દેખરેખ રાખવા જણાવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button