ગુજરાત

સુરત લોકસભા બેઠક બિનહરીફ જીતી ગયા બાદ હવે રાજકોટ, ભાવનગર, અમરેલી નિશાને; સુરતના સંગઠનને અલગ અલગ જવાબદારી સોંપાઈ

સુરત લોકસભા બેઠક ઉપર મહદઅંશે દબદબો ભારતીય જનતા પાર્ટીનો રહ્યો છે. સુરતનું સંગઠન ખૂબ જ મજબૂત હોવાને કારણે ચૂંટણી જીતવામાં ભાજપને વધુ કોઈ મુશ્કેલી થતી નથી. વિધાનસભાની ચૂંટણી હોય, કોર્પોરેશનની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય સંગઠન ખૂબ સારી રીતે કામ કરે છે અને તેનું પરિણામ પણ મળતું હોય છે. હાલ જ્યારે સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર કરવામાં આવી છે ત્યારે સુરતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓનો ઉપયોગ કરવાનો એક્શન પ્લાન તૈયાર કરી દેવાયો છે.

સુરત સંગઠનની ટીમ ફરી વળશે

સુરત શહેરમાં રાજ્યભરના અલગ અલગ જિલ્લાના લોકો હજારોની સંખ્યામાં વસવાટ કરે છે. જેને કારણે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા સુરતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જે જિલ્લામાંથી આવે છે તે જિલ્લાનું એક માળખું તૈયાર કરવામાં આવ્યું છે. જેને ધ્યાનમાં રાખીને જે તે લોકસભા બેઠકની જવાબદારી સોંપવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. સુરતમાં હવે રાજકીય રીતે કોઈ વધુ કામ ન હોવાને કારણે સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં કાર્યકર્તાઓની ફોજ ખડકી દેવામાં આવશે. ખાસ કરીને રાજકોટ, ભાવનગર, અમરેલી જિલ્લામાં ક્ષત્રિય સમાજના રોષને કારણે જે સ્થિતિ ઊભી થઈ છે તે જોતા ભાજપના સંગઠનને ત્યાં ઉપયોગમાં લેવા માટે જવાબદારી આપવામાં આવી છે.

પાટીદાર અને ક્ષત્રિય આગેવાનોની યાદી તૈયાર

સુરત શહેરથી ક્ષત્રિયો અને પાટીદાર આગેવાનોની આખી યાદી તૈયાર કરી દેવામાં આવે છે. સૌરાષ્ટ્રના અલગ અલગ લોકસભા બેઠક ઉપર વિધાનસભા પ્રમાણેની જવાબદારી સોંપવામાં તખ્તો તૈયાર કરી દેવામાં આવ્યો છે. સુરતમાં ખૂબ મોટા પ્રમાણમાં પાટીદાર અને ક્ષત્રિય કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી પાસે છે તેનો ઉપયોગ હવે તેવો અલગ અલગ બેઠકો પર કરવા જઈ રહ્યા છે. ખાસ કરીને વરાછા અને કામરેજ વિધાનસભાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની પસંદગી કરવામાં આવી છે.

ગ્રુપ મિટિંગ અને ખાટલા બેઠક કરવા આદેશ

પાર્ટી સંગઠન દ્વારા ક્ષત્રિય સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓને કોઈ મોટી મિટિંગોમાં કે જાહેર પ્રચાર કરવાને બદલે માત્રને માત્ર સમાજના વડીલો અને યુવાઓ તેમજ મહિલાઓને મળીને ગ્રુપ મિટિંગ કરવા માટેની તૈયારી કરવાનું સૂચન કરી દેવાયો છે. વન ટુ વન વ્યક્તિઓને મળવાનો આગ્રહ રાખવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે. ગ્રુપ મિટિંગ અને ખાટલા બેઠકોમાં પણ ખૂબ જ હળવાશના મૂડથી લોકોનો સંપર્ક કરવા કહ્યું છે. કોઈપણ દલીલમાં ઉતરવું નહિ તેની ખાસ સુચના આપી દેવાઈ છે. વિધાનસભા મુજબ ક્ષત્રિય સમાજના લોકોને મળવા માટે તાકીદ કરવામાં આવી છે. જેથી કરીને પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલા નિવેદન બાદ જે થોડો ઘણો રોષ હશે. તેને પણ શાંત કરવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપ માટે સૌથી સારી બાબત એ છે કે સુરતના સંગઠનના કાર્યકર્તાઓ જે તમામ જવાબદારી સારી રીતે નિભાવે છે. તેમની એક આખી ટીમ તેમના માટે વધારેની આ જવાબદારી નિભાવવા માટે સજ્જ છે. સુરતની ટીમ પરિણામલક્ષી કામગીરી માટે જાણીતી છે. પ્રદેશ સંગઠન તેનો મહત્વ ઉપયોગ કરવા માટે તમામ મોરચે કાર્યકર્તાઓને ઉતારવા માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી દીધી છે.

Related Articles

Back to top button