ગુજરાતરાજનીતિ

આજે વિધાનસભામાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ- 2023 થશે રજૂ

વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને કોંગ્રેસના વિરોધ વચ્ચે થશે પસાર, અગાઉ આ બિલ ચાર વખત નામંજૂર થઈ ચુક્યુ છે

ગુજરાત વિધાનસભામાં આજે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ- 2023 રજૂ થશે અને પાસ પણ થઇ જશે. અગાઉ આ બિલ રજૂ થાય તે પહેલા વિરોધ જોવા મળ્યો હતો. ગુજરાત યુનિવર્સિટી અને MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ, પૂર્વ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ આ બિલ આવવાથી યુનિવર્સિટીની સ્વતંત્રતા પર નિયંત્રણ આવવાની ચિંતા વ્યક્ત કરી હતી. તો સામે પક્ષે રાજ્ય સરકારે આ બિલના ફાયદા ગણાવ્યા હતા.

આ બિલનો વિરોધ વિપક્ષ પહેલાથી જ કરી રહી છે
નેશનલ એજ્યુકેશન પોલિસી હેઠળ રાજ્ય સરકારે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ- 2023નો ડ્રાફટ જાહેર કરી 12 ઓગસ્ટ સુધી સૂચનો મગાવ્યા હતા. અગાઉ વિધાનસભામાં આ બિલ ચાર વખત નામંજૂર થઈ ચુક્યુ છે. ત્યારે ફરી એકવાર સરકાર આ બિલ વિધાનસભામાં રજૂ કરવા જઈ રહી છે. આ બિલનો વિરોધ કોંગ્રેસ તો પહેલાથી જ કરી રહી છે ત્યારે હવે વિદ્યાર્થીઓ અને અધ્યાપકો પણ આ બિલના વિરોધમાં જોડાયા છે.

આ બિલ દ્વારા યુનિવર્સિટીને શૈક્ષણિક, વહીવટી અને નાણાકીય ઓટોનોમી પૂરી પાડવામાં આવશે
ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ- 2023ની મહત્વની જોગવાઈઓ વિશે નજર કરીએ તો તેમાં જરૂરિયાત મુજબ વધુ સંખ્યામાં અધિકારીઓ, બોર્ડ, સમિતિ કાઉન્સિલની જોગવાઈઓ, અસરકારક નિયમો અને નિયમન સાથે નવી કાઉન્સિલ-કમિટીઓ ઉમેરવામાં આવી છે. UGCના ધારાધોરણો મુજબ યુનિવર્સિટી અને તેની સંલગ્ન શૈક્ષણિક સંસ્થાઓને તમામ શૈક્ષણિક વહીવટી અને નાણાકીય ઓટોનોમી પૂરી પાડવામાં આવશે.

કોમન યુનિવર્સિટી એક્ટમાં શું હશે મહત્વની જોગવાઇ?

  • રાજ્યની સરકારી યુનિવર્સિટીઓનું એક જ કાયદાથી નિયમન થાય.
  • તમામ યુનિવર્સિટીમાં કોમન અભ્યાસક્રમ હોય.
  • એક જ સમયે તમામ યુનિવર્સિટીમાં પરીક્ષા લેવામાં આવે.
  • અભ્યાસક્રમમાં 20 ટકા સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને રાખી ફેરફાર કરવામાં આવે.

રાજ્ય સરકારને જોગવાઈઓના પાલન માટે સમયાંતરે નિર્દેશો જારી કરવાની સત્તા હશે
UGCમાં વાઈસ ચાન્સેલર તેમજ અન્ય ઓફિસર્સની નિમણૂક માટેના જે ધોરણો દર્શાવેલા છે તે રાજ્યની તમામ યુનિવર્સિટી માટે પણ સમાન છે. યુનિવર્સિટીના તમામ અધિકારી અને સ્ટાફની નિમણૂક UGCના ધોરણો પ્રમાણે કરવી આવશ્યક બને છે. યુનિવર્સિટીનું સંચાલન સુચારૂરૂપે થાય તે માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટની રચના કરવા અંગેની મહત્વની જોગવાઈ કરવામાં આવી છે. હાલમાં જે યુનિવર્સિટી ખાતે બોર્ડ ગવર્નન્સ કે બોર્ડ ઓફ મેનેજમેન્ટની જોગવાઈ નથી તે જ યુનિવર્સિટીઓનો જ આ બિલ અંતર્ગત સમાવેશ કરવામાં આવે છે. રાજ્ય સરકારને કોઈપણ જોગવાઈઓના પાલન માટે જરૂરી હોય તેમ સમયાંતરે નિર્દેશો જારી કરવાની સત્તા પણ હશે.

વિદ્યાર્થીઓને શું ફાયદો થશે?

  • વિદ્યાર્થીઓને અધવચ્ચે પ્રવેશની માથાકૂટમાંથી મુક્તિ મળશે.
  • અત્યારે અભ્યાસક્રમ અલગ હોવાથી અન્ય યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો મુશ્કેલ.
  • અભ્યાસક્રમ એક થતા વિદ્યાર્થીઓ અડધા અભ્યાસક્રમમાં અન્ય યુનિવર્સિટીમાં પ્રવેશ લઈ શકશે.
  • કોમન એક્ટમાં દરેક યુનિવર્સિટીમાં અભ્યાસક્રમ એક સરખો રહેશે.

નવી ફોર્મેટ થનારી એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં સરકાર પોતાના ચાર સભ્ય મુકશે
આ બિલની સંભવિત જોગવાઈઓ મુજબ ગુજરાત યુનિવર્સિટી સહિતની 8 યુનિવર્સિટીમાં અગાઉની જેમ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ એટલે કે ઈસી રહેશે. હવે ચૂંટણી નહીં થાય અને તમામ મેમ્બરનું નોમિનેશન થશે. ઉપરાંત આ નવી ફોર્મેટ થનારી એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં પણ સરકાર પોતાના ચાર સભ્ય મુકશે. GCCIના સભ્યો પણ મૂકાશે.

વિદ્યાર્થીઓ કેમ કરી રહ્યા છે વિરોધ?

  • અમે વોટ કરીને સેનેટ બનાવીએ છીએ એ નહીં બને.
  • અમારી પાસેથી લોકતાંત્રિક પ્રક્રિયાનો હક લઇ લેવાશે.
  • પ્રોફેસરને કંટ્રોલ કરવા તેમની પોલીસની જેમ બદલી થશે.
  • સ્ટુડન્ટ યુનિયન બંધ કરી દેવાશે, જેથી વિદ્યાર્થીઓ રજૂઆત નહીં કરી શકે.
  • બિલમાં તાકાત શોષણકર્તાને આપી દેવામાં આવી છે, જેથી શોષણ થશે.

MSUને બચાવવા રાખડી બાંધી હતી
અગાઉ MSU ખાતે વિદ્યાર્થીઓ અને પૂર્વ વિદ્યાર્થીઓએ આ બિલનો વિરોધ કર્યો હતો. તેમણે વિરોધ કરતા જણાવ્યું હતું કે, આ બિલ લાવવાનું કોઇ કારણ નથી. આ બિલને અમે રિજેક્ટ કરીએ છીએ. અમે MS યુનિવર્સિટીને બચાવીશું. અમે તેના માટે ઉભા છીએ. એટલે અમે MS યુનિવર્સિટીને બચાવવા માટે રાખડી બાંધી છે. આ યુનિવર્સિટીએ અમને ખૂબ આપ્યું છે. અમે તેને કોમન નહીં થવા દઇએ. આ બિલનો એક પણ અક્ષર મંજૂર નથી. અગાઉ પણ આ બિલ લાવવાનો પ્રયાસ થયો હતો અને ફરીથી આ પ્રયાસ થઈ રહ્યો છે. આ બિલ પાછુ લઇ જાઓ અને આ બિલ લાવવાનું બંધ કરો.

અધ્યાપકો કેમ કરી રહ્યા છે વિરોધ?

  • એક્ટ આવવાથી રાજ્ય સરકારને સંપૂર્ણ સત્તા મળશે.
  • કુલપતિની નિમણૂકમાં રાજ્ય સરકારની ભૂમિકા હશે.
  • સેનેટ, સિન્ડિકેટ, વિદ્યાર્થી સંઘની ચૂંટણી સંપૂર્ણ નાબૂદ થઈ જશે.
  • વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનું પ્રતિનિધિત્વ અને ભાગીદારી ખતમ થશે.
  • મિલકતના ખરીદ, વેચાણ કે લીઝ અંગેના નિર્ણયો રાજ્ય સરકારને આધીન રહેશે.
  • ખાનગી યુનિવર્સિટીના એક્ટ લાગુ પડશે.
  • કર્મચારીઓની બઢતી, બદલી વગેરે રાજ્ય સરકાર હસ્તક રહેશે.
  • અધ્યાપકોના શોષણને વધુ વેગ મળશે.
  • યુનિવર્સિટીએ સરકારના નિયમોનું પાલન કરવું પડશે.
  • યુનિવર્સિટીની સ્વાયત્તા સંપૂર્ણપણે ખતમ થઈ જશે.

અધ્યાપક મંડળે ગુજરાત યુનિવર્સિટી બહાર વિરોધ કર્યો હતો
ગુજરાત પબ્લિક યુનિવર્સિટી અધિનિયમ-2023ને લઇને અલગ અલગ અધ્યાપક મંડળ દ્વારા ગુજરાત યુનિવર્સિટી બહાર વિરોધ કરવામાં આવ્યો હતો. અધ્યાપકોએ એક દિવસના ધરણા કરીને વિરોધ કર્યો હતો. અધ્યાપકો મુજબ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી અધિનિયમ-2023 માત્ર સરકારી યુનિવર્સિટી માટે જ છે ખાનગી યુનિવર્સિટી માટે નથી, જેથી સરકાર સીધું નિયંત્રણ કે હસ્તક્ષેપ કરી શકશે. ગુજરાત પબ્લિક યુનિવર્સિટી અધિનિયમ-2023ને લઈને અગાઉ અધ્યાપક મંડળ દ્વારા બેઠક કરવામાં આવી હતી. સરકારને એક્ટ અંગે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ પગલાં ન લેવાતાં અંતે અધ્યાપકોએ સરકાર સામે ધરણાં કરી વિરોધ વ્યક્ત કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button