ગુજરાતતાપીદક્ષિણ ગુજરાતરાજનીતિરાજ્ય

મુખ્યમંત્રીએ નિઝર-કુકરમુંડા તાલુકાના છેવાડાના ગામોની મુલાકાત લઇ સ્થાનિકો સાથે સંવાદ કર્યો

અંતરિયાળ વિસ્તારની મુલાકાત દરમિયાન શાળાના બાળકો સાથે મુખ્યમંત્રીએ ભોજન કર્યું

તાપી જિલ્લાના છેવાડાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ કુકરમુંડા અને નિઝર તાલુકાના સરહદી ગામોની ગત રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મુલાકાતે પહોંચ્યા હતા. જેમાં કુકરમુંડા તાલુકાના ડાબરીઆંબા, ગંગથા, મોરંબા, તોરંદા, કુકરમુંડા સહીત નિઝર તાલુકાના રૂમકીતલાવ ગામની મુલાકાત લીધી હતી. પ્રથમ મુખ્યમંત્રી કુકરમુંડાના ડાબરીઆંબા ગામે પહોંચીને ગામમાં કાર્યરત પ્રાથમિક શાળા, આંગણવાડી કેન્દ્ર અને દૂધ મંડળીની મુલાકાત લઇ સુવિધાઓ અંગે વિગતવાર જાણકારી મેળવી હતી.

મુખ્યમંત્રીનો ગ્રામજનો સાથે સીધો સંવાદ
ગામની પ્રાથમિક શાળામાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે SMC કમિટીના સભ્યો સાથે મુખ્યમંત્રી દ્વારા સીધો સંવાદ સાધ્યો હતો. જેમાં સભ્યો દ્વારા શાળામાં વધુ કોમ્પ્યુટરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તે અંગેની રજૂઆત કરી હતી.ગામના સરપંચને ગામમાં સરકારી યોજનાઓનો લાભ દરેકને મળે છે કે કેમ તે અંગે પૂછપરછ કરી હતી. ​​​​​​​તેમજ ગ્રામજનોએ મુખ્યમંત્રી સાથે સીધો સંવાદ કરી પોતાના પ્રશ્નો રજૂ કરતા મુખ્યમંત્રીએ શાંતિપુર્વક સાંભળીને તાપી જિલ્લા વહિવટી તંત્રના સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શક સાથે વિશેષ સુચનાઓ આપી હતી. ત્યાર બાદ ગંગથા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત પહોંચીને આરોગ્યલક્ષી સુવિધાઓનો તાગ મેળવ્યો હતો.

અમૃત સરોવરની અને પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુખ્યમંત્રીએ મુલાકાત લીધી ​​​​​​​
ગ્રામીણ આરોગ્ય કેન્દ્રમાં જરૂરી દવાનો પુરતો જથ્થો, સાધન સામગ્રી, આરોગ્ય વિભાગનો સ્ટાફ જેવી બાબતોની સૂક્ષ્મ જાણકારી મેળવીને આરોગ્ય કેન્દ્રના તમામ વિભાગોમાં દાખલ દર્દીઓની પણ મુલાકાત લીધી હતી. મોરંબા ગામે દૂધ મંડળી, શાળા સહીતની મુલાકત લઇ તોરંદા ગામના પ્રાકૃતિક ખેતી કરતા વિશ્વાસભાઈ પાડવીના પ્રાકૃતિક કૃષિ ફાર્મ અને અમૃત સરોવરની મુલાકાત લીધી હતી. જેમાં મુખ્યમંત્રી અમૃત સરોવર સ્થળે પહોંચીને ગ્રામજનો, અગ્રણીઓ સાથે સંવાદ કર્યો હતો, અને અમૃત સરોવરના નિર્માણના પ્રારંભથી હાલ ચોમાસામાં સંગ્રહિત થયેલા પાણી વિષે વિગતો જાણી હતી. તેમજ ગામના પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત વિશ્વાસભાઈ મગનભાઈ પાડવીના પ્રાકૃતિક કૃષિ ફાર્મની પણ મુલાકાત લઈને ખેડૂત પાસેથી પ્રાકૃતિક ખેતી તેમના અનુભવો સાંભળ્યા હતા.​​​​​​​ વિશ્વાસભાઈએ બીજામૃત, જીવામૃત, નિમાસ્ત્ર અને દશપર્ણી અર્ક બનાવવાની પદ્ધતિ અને તેના ફાયદાઓથી મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા.

બાળકો સાથે મધ્યાહન ભોજનમાં  જમ્યા  ​​​​​​​
કુકરમુંડા ખાતે નવનિર્મિત આઈ.ટી.આઈ બાંધકામનું નિરીક્ષણ કરીને નિઝરના રૂમકીતલાવ ગામે પ્રાથમિક શાળાની મુલાકાત દરમ્યાન મધ્યાહન ભોજનના પંગતમાં બાળકો સાથે બેસી વાતચીત કરીને ભજન કર્યું હતું.

મુખ્યમંત્રીને મળવા જતાં ગ્રામજનોને રોક્યા…
​​​​​​​
કુકરમુંડા તાલુકાના ફૂલવાડી ગ્રામ પંચાયતમાં સમાવેશ ગામડાઓની આદિવાસી સમાજની મહિલાઓ દ્વારા ગત દિવસોમાં વિવિધ પ્રશ્નો સાથે કુકરમુંડા મામલતદારને અને ટીડીઓને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા પ્રશ્નોના નિરાકરણ નહિ લાવતા, તમામ પ્રશ્નો સાથે મોટી સંખ્યામાં આદિવાસી સમાજની મહિલાઓ કુકરમુંડા ખાતે મુલાકાતે આવેલા મુખ્યમંત્રીને રજૂઆત કરવા જતા હતા. તે વેડાએ તંત્ર દ્વારા કુકરમુંડા ખાતે આવેલ આરોગ્ય કેન્દ્રની સામે જ રસ્તામાં રોકી દેવામાં આવ્યા હતા. આગાઉ રજૂઆત કરેલ પ્રશ્નોના નિરાકરણ નહિ આવતા, બે દિવસ પહેલા મહિલાઓ દ્વારા મામલતદારને મૌખિક રજૂઆત કરીને કુકરમુંડા ખાતે મુલાકાતે આવનાર મુખ્યમંત્રીના કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શનની ચીમકી પણ ઉચ્ચારી હતી. જેથી આદિવાસી સમાજની મહિલાઓ ભેગી થઇને કુકરમુંડા ખાતે મુખ્યમંત્રીના મુલાકાત સ્થળે જવા નીકળ્યા હતા. ત્યારે તંત્ર દોડતું થઇ ગયું હતું. આ મહિલાને સમજાવીને રસ્તામાં રોકી દેવામાં આવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button