ડાંગ

ડાંગ જિલ્લાના અંબિકા નદીના કેચમેન્ટમાં બનાવાતા ચેઇન સિસ્ટમથી બનાવાતા ચેકડેમોમાં ધારાધોરણનું પાલન ના કરવામાં આવતું હોવાથી ભ્રષ્ટાચારની ગંધ આવી

ડાંગ જિલ્લાના અંબિકા નદીના કેચમેન્ટ એરિયામાં ચેઇન સિસ્ટમથી નિર્માણ થઈ રહેલા ચેકડેમોમાં ઇજારદાર દ્વારા નકરી વેઠ ઉતારવામાં આવતી હોવાની જાગૃત નાગરિકો દ્વારા બૂમ ઉઠાવવામાં આવી છે.

ડાંગ જિલ્લાના અંબિકા નદી પર દમણગંગા અને વેર-2 જળ સંપત્તિ વિભાગ દ્વારા નદીને બારેમાસ વહેતી રાખવા ચેઇન સિસ્ટમથી ચેકડેમ નિર્માણની કામગીરી હાથ ધરાઇ છે. અંબિકા નદીના કેચમેન્ટ એરિયા હુંબાપાડા, ગુંદવહળ, શિવારીમાળ, આંબાપાડા વિસ્તારમાં ઠેરઠેર મોટા ડેમો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ચેકડેમોના પાયાના કામોમાં ધારાધોરણ જળવાતું ન હોવાની બૂમ ઉઠી છે. કરોડોના ખર્ચે નિર્માણ થઈ રહેલા ચેકડેમોના સુપરવિઝન માટે પણ કોઈ અધિકારી હાજર ન રહેતા ઇજારદારને ગેરરીતિ કરવા મોકળું મેદાન મળ્યું હોવાનું સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે.સાપુતારાથી ઉગમ પામતી અંબિકા નદી પર અગાઉ પણ અનેક ચેકડેમો નિર્માણ કરાયા હતા પરંતુ તેમાં પણ ભ્રષ્ટાચાર આભડી જતા કરોડો રૂપિયાનું આંધણ બાદ પણ યોજના કાગળ પર જ રહેવા પામી હતી ત્યારે હાલ નિર્માણ થઈ રહેલા ચેકડેમો ગુણવત્તાયુક્ત બને તે માટે સરકારી સુપરવિઝન થાય તે જરૂરી બન્યું છે. જોકે હાલ દમણગંગા વિભાગના અધિકારીઓ લોકસભા ચૂંટણીમાં પરોવાયેલા હોવાનું બહાનું આગળ ધરતા ઇજારદાર દ્વારા મનમાની કરી ગેરરીતિઓ આચરવા મોકળું મેદાન મળી રહ્યું છે તેવામાં ડાંગમાં દમણગંગા વિભાગ દ્વારા ચેઇન સિસ્ટમથી નિર્માણ થયેલ ચેકડેમોની તલસ્પર્શી તપાસ હાથ ધરી હાલમાં બની રહેલા ચેકડેમોની ગુણવત્તા જળવાય તે જરૂરી છે.

Related Articles

Back to top button