ગુજરાતરાજનીતિ

ગુજરાત ગણોત વહીવટ કાયદા (સુધારા) બિલ વિધાનસભામાંથી પાસ, બિનખેતીવાળી જમીનની જોગવાઇઓમાં મોટા ફેરફાર

ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા (સુધારા)વિધેયક વિધાનસભામાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું

  • ખેતીની જમીન કાયદા (સુધારા)વિધેયક વિધાનસભામાં સર્વાનુમતે પસાર
  • ગણોત સહિતના કાયદાઓમાં સુધારા કરવા જરૂરી : મંત્રી બલવંતસિંહ રાજપૂત
  • ‘કાયદાના મૂળ હાર્દમાં કોઇ ફેરફાર થતો નથી

વિધાનસભા ખાતે મહેસૂલ વિભાગનો હવાલો ધરાવતા મંત્રી બલવંતસિંહ રાજપૂતે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજય સરકાર પ્રજાના હિતમાં સમયની માંગ મુજબ ગણોત સહિત કાયદાઓમાં સુધારા કરી રહી છે. સી.એસ.આર.માં એકત્રિત ફંડ દ્વારા લોકોપયોગી સખાવતી પ્રવૃત્તિઓ વધુ વિક્સે તેવા ઉમદા હેતુથી ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા (સુધારા)વિધેયકમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા છે.

‘આ કાયદાના મૂળ હાર્દમાં કોઇ ફેરફાર થતો નથી’

મંત્રીએ બિલમાં સુધારા અંગેની વિગતો આપતાં કહ્યું હતું કે,  ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ,1948ની કલમ 63 એસી, સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ,1949ની કલમ 54-બી તેમજ ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કે જે વિદર્ભ પ્રદેશ અને કચ્છ ક્ષેત્ર અધિનિયમ, 1958ની કલમ 89 સી માં પણ સમાન રીતે લાગુ પડશે. આ વિધેયકની કલમ-2,3,4માં ઉલ્લેખિત કલમો 63-એસી, 54-બી, 89-સીની જોગવાઇઓ મુજબ ફક્ત બિનખેતીની અરજી કરવાની સમયમર્યાદામાં સુધારો કરવા આ બિલ  પસાર કરાયું છે. આથી આ કાયદાના મૂળ હાર્દમાં કોઇ ફેરફાર થતો નથી તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

સંસ્થાઓની બિનખેતીની અરજી કરવાની સમયમર્યાદામાં સુધારો કરતો બિલ

તેમણે કહ્યું હતું કે, કોઇ સખાવતી પ્રવૃતિ કરતી શૈક્ષણિક સંસ્થાઓ, ચેરીટેબલ ટ્રસ્ટો કે સામાજિક સંસ્થાઓ જ્યારે જમીન ખરીદે છે ત્યારે એમને એ ખબર નથી હોતી કે કલમ 63 હેઠળ પરવાનગી લેવાની રહે છે કે કેમ? બિનખેતી પરવાનગી મેળવવાની હોઇ છે કે કેમ? આવી સંસ્થાઓ મહેસૂલી કાયદાઓથી પરિચિત હોઇ એવુ નથી હોતુ. આવી સંસ્થાઓ તો સમાજના લોકોના દાન-ફાળા-ફંડ પર આધારિત હોય છે. જ્યારે આ ફંડ ઉપલબ્ધ થાય ત્યારે આવી સંસ્થાઓ વિકાસના કામો કરે છે. જેથી બિનખેતી કરવાની સમયમર્યાદા પૂર્ણ થઇ હોય તેને પાછળની અસરથી પરવાનગી મળી શકતી નથી. બિનખેતીની પરવાનગી સમયમર્યાદામાં ન મળવાના કારણે તેમના પ્રશ્નોમાં વધારો થાય છે. જેનું નિરાકરણ લાવવા આ સંસ્થાઓની બિનખેતીની અરજી કરવાની સમયમર્યાદામાં સુધારો કરતું બિલ પસાર કરવામાં આવ્યું છે.

“સરકાર વખતો વખત ઠરાવે તે મુજબ“નો સુધારો

મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાત ગણોત કાયદાની કલમ 63-એસી હેઠળ સખાવતી હેતુ માટે નોંધાયેલ પબ્લિક ટ્રસ્ટ અને કંપની દ્વારા તા.30/06/2015 કે તે પહેલા ખરીદેલ જમીન બિનખેતી કરવા માટેની અરજી કરવાની તા.28/08/2020ના બદલે “સરકાર વખતો વખત ઠરાવે તે મુજબ“નો સુધારો કરવા માટેનું બિલ વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું છે. અમારી સરકાર આવી ત્યારથી મહેસૂલ વિભાગના જૂના કાયદાઓ કે જેના થકી પ્રજાને હેરાનગતિ કે વિલંબનો સામનો કરવો પડે અથવા સમયની જરૂરિયાત પ્રમાણે કાયદામાં સુધારો કરવો પડે તેવા કાયદાઓમાં વિવિધ પ્રજાલક્ષી વ્યાપક સુધારાઓ કર્યા છે. આપણા હાલના દૂરંદેશી અને લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેઓએ ગુજરાતમાં સખાવતી સંસ્થાઓની પ્રવૃત્તિઓને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું હતું કારણ કે સખાવતી પ્રવૃત્તિઓ એ રામરાજ્યની ભાવનાને ખૂબ સારી રીતે ચરિતાર્થ કરે છે.

વિદર્ભ પ્રદેશ અને કચ્છ ક્ષેત્ર માટે શું ?

તેમણે કહ્યું હતું કે,  ગુજરાતના ખેડૂતો અને સમગ્ર રાજ્યની પ્રજાને વધુને વધુ ઉપયોગી થાય છે. મહેસૂલ વિભાગના અમુક કાયદાઓ અંગ્રેજો અને રાજાશાહી વખતના છે. એવા જૂના કાયદાઓ જેને અત્યારના બદલાતા સમયમાં બદલવા જરૂરી છે. જે બદલવાથી લોકોને હાડમારી ઓછી થાય,પારદર્શકતા આવે અને લોકોને ફાયદો થાય એ માટે આજે અમે આ બિલથી જરૂરી સુધારો સૂચવ્યો છે. જેમાં  કલમ-2 : ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ, 1948ની કલમ 63 એસી, કલમ-3 : સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ, 1949ની કલમ 54-બી તેમજ કલમ-4 ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન (વિદર્ભ પ્રદેશ અને કચ્છ ક્ષેત્ર) અધિનિયમ, 1958ની કલમ 89-સીનો સમાવેશ થાય છે.

બિનખેતી અરજી કરવાની સમયમર્યાદામાં વધારો કરાયો

લોકોની લાગણીઓને ધ્યાને રાખીને આ સુધારા કાયદાની જોગવાઇ મુજબ આવી સંસ્થાઓને બિનખેતીના હેતુ માટે અરજી કરવાની તા.29/08/2019 થી તા.28/08/2020 સુધી એટલે કે 01 વર્ષની હતી. પરંતુ વિવિધ કારણોસર આ સમયમર્યાદામાં આ સંસ્થાઓએ અરજી કરી શકી ન હતી. આ મુદ્દતમાં એટલે કે તા.30/06/2015 કે તે પહેલા ખેતીની જમીન ખરીદી હોય તેવી સંસ્થા/કંપની દ્વારા બિનખેતી અરજી કરવાની સમયમર્યાદામાં વધારો કરવા માટે રાજ્યની અલગ-અલગ સખાવતી સંસ્થાઓએ રજૂઆત સંદર્ભે હકારાત્મકતા દાખવી આ વિધેયક પસાર કરવામાં આવ્યું છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

સર્વાનુમતે પસાર કરાયો

મંત્રી રાજપૂતે આ સુધારા ઉદ્દેશ્ય વિશે કહ્યું હતું કે, તા.30/06/2015 કે તે પહેલા કલમ-63(1)નો ભંગ કરીને સંસ્થા/કંપની દ્વારા ખરીદેલ ખેતીની જમીનો ચેરીટીના ઉદ્દેશથી કામ/સેવા કરતી સંસ્થા ધર્માદા ફંડ પર આધારિત રહેતી હોય છે. તેથી સંસ્થાએ જમીન બિનખેતી કરાવ્યા બાદ બાંધકામ વિગેરે કરવા માટે તેનુ આર્થિક આયોજન પણ ધ્યાનમાં લેવાનુ રહે છે. આમ, કલમ 63-એસી હેઠળની ચેરીટી સંસ્થાઓ માટે કરેલી આ જોગવાઇ જમીનની બિનખેતીની મુદ્દત સાથે સંબંધિત હોવાથી મુદ્દત વધારો આપી શકાય.  જેથી નિયત કરેલ રકમ ભરીને આવી સંસ્થાઓ બિનખેતી કરાવી શકે અને સખાવતી ઉદ્દેશો-કાર્યો આગળ વધારી શકે જે અનુસંધાને બિનખેતીની અરજી કરવાની સમયમર્યાદા સરકાર વખતોવખત ઠરાવે તે મુજબનો કાયદામાં સુધારો કરવા માટે આ સુધારા બિલ રજુ કરવામાં આવ્યું હતું. ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા (સુધારા)વિધેયક વિધાનસભામાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button