ગુજરાત

ઇફ્કોમાં ફરી સંઘાણી રાજ

60 હજાર કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી સૌથી મોટી સહકારી સંસ્થા

ખેડૂતોની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફ્કોના ચેરમેન તરીકે ફરી ગુજરાતી દિલીપ સંઘાણી બિનહરીફ ચૂંટાયા છે. જ્યારે વાઇસ ચેરમેન તરીકે બળવીંદરસિંઘ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ઉલ્લેખનીય છે ફર્ટિલાઈઝર ક્ષેત્રે હરણફાળ ભરનાર ઇફ્કોના ડિરેક્ટરોની ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે, ઇફ્કોનું વર્ષે 60 હજારથી વધુ કરોડનું ટર્નઓવર છે.

21 ડિરેક્ટરોની મળેલી બોર્ડ મિટિંગમાં સંઘાણીને ફરી એકવાર ચેરમેન તરીકે તો બલવીંદરસિંઘને વાઈસ ચેરમેન નિયુક્ત કરાયા છે. મૂળ અમરેલીના એવા સંઘાણી ખેડૂતોની અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે છેલ્લા ચાર દશકથી જોડાયેલા છે. તો ઉત્તરપ્રદેશના વતની એવા બલવીંદરસિંઘ પણ ખેડૂત આગેવાન તરીકે વર્ષોથી કાર્યરત છે.

દિલીપ સંઘાણીની આ બીજી ટર્મ છે

ઈફ્કોના ડિરેક્ટરોની ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી. જેમાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય એવા જયેશ રાદડિયાએ પ્રદેશ ભાજપના સહકાર મોરચાના અધ્યક્ષ બિપીન પટેલ (ગોતા)ને મોટા અંતરથી માત આપી હતી. ગઈકાલે જયેશ રાદડિયાને જિતાડી તેમજ આજે બિનહરીફ ચેરમેન તરીકેનો જંગ જીતી સંઘાણીએ ઈફકોમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. ચેરમેન તરીકેની દિલીપ સંઘાણીની આ બીજી ટર્મ છે. આગામી પાંચ વર્ષ માટે સંઘાણીની ઈફકોના ચેરમેન તરીકે નિયુક્તિ થતા તેમના સમર્થકોમાં જશ્નનો માહોલ છે.

ગઈકાલે ઇફ્કોના ડિરેક્ટરની ચૂંટણી યોજાઈ હતી

ગઈકાલે ઇફ્કોના ડિરેક્ટરની પસંદગીમાં ભાજપમાં જ એકમત નહીં થતાં ચૂંટણી યોજાઈ હતી. આ જંગ ભાજપનો ભાજપ સામે જ જંગ થયો હતો. ભાજપે બિપીન ગોતા (પટેલ)ને મેન્ડેટ આપ્યો હતો, પરંતુ ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ પાર્ટીના મેન્ડેટની ઉપરવટ જઇ પોતાની દાવેદારી કરતાં ચૂંટણીજંગ ખેલાયો હતો. આ ચૂંટણીનું ગઈકાલે પરિણામ જાહેર થયું હતું, જેમાં કુલ 182 મતમાંથી 180 મત પડ્યા હતા. આ 180 મતમાંથી જયેશ રાદડિયાને 114 મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના હરીફ બિપીન ગોતાને 66 મત જ મળ્યા હતા. આથી જયેશ રાદડિયાની જીત થઈ હતી.

શાહના નજીક ગણાતા ગોતા સામે જ રાદડિયાએ બાંયો ચડાવી હતી

60324 કરોડનું ટર્નઓવર ધરાવતી ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કો-ઓપરેટિવ લિમિટેડ (ઇફકો)ના ડિરેક્ટરપદ માટે ભાજપના સહકારી સેલના પ્રદેશ પ્રમુખ અને અમિત શાહની નિકટના સાથી બિપીન ગોતાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેમની સામે કોંગ્રેસ સમર્થિત વિજય ઝાટકિયાએ દાવેદારી કરી હતી. ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડતા બિપીન પટેલ સામે ખેડૂતનેતા તરીકે છાપ ધરાવતા વિઠ્ઠલ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયાએ ભાજપ સામે બાંયો ચડાવી પોતાના મતદારોને સાથે રાખી ચૂંટણી લડી હતી. ગુજરાતની એકમાત્ર બેઠક પરના ત્રિપાંખિયા ચૂંટણીજંગમાં ચાર વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી, જેમાં ભાજપના સત્તાવાર ઉમેદવારની સામે ઉમેદવારી કરનારા રાજકોટના સહકારી નેતા જયેશ રાદડિયાની જીત થઈ હતી.

Related Articles

Back to top button