તાપી

વાલોડ તાલુકાના દાદરીયા ગામમાં ગૌચરની જમીનમાં એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ બનાવમાં અધિકારીઓ લાઇને લાગ્યા

ધારાસભ્ય મોહનભાઈ ધોડીયા એ જમીન બાબતે અધિકારીઓની ભૂલ હોવાનું જણાવ્યું

  • પોલીસ બંદોબસ્ત સાથે કબજો લેવા આવેલા અધિકારીઓએ પરત જવું પડ્યું

વાલોડ તાલુકાના દાદરીયા ખાતે મામલતદાર દ્વારા કલેક્ટરના હુકમથી ગૌચરની જમીન એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ માટે ફાળવી હતી. જે હુકમ 2019માં થયો હતો, જમીનનો કબજો સોંપવા હુકમ થતાં 28મી ના રોજ પ્રયોજના વહીવટદાર કચેરી સોનગઢના પ્રતિનિધિની હાજરીમાં દાદરીયા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો.

જે બાબતે સવારથી બુહારીથી લઈ દાદરીયા સુધી પોલીસ કાફલો નજરે પડતો હતો અને પ્રાંત અધિકારી કબજો સોંપવા આવનાર હોવાની વાતે જોર પકડ્યું હતું. ગામમાં આ બાબતે ઉત્તેજના અને આક્રોશ પણ હતો. પ્રાંત અધિકારી દાદરિયા ખાતે આવતા સ્થાનિકોએ ગ્રામ પંચાયતની મંજૂરી કે ગ્રામસભાના ઠરાવ વિના જમીન સંપાદન કઈ રીતે થઈ શકે તે બાબતે રજૂઆતો કરી હતી. અધિકારીઓ ઠરાવ હોવાનું જણાવતા હતા પરંતુ ઠરાવ બતાવતા ન હતા. ગ્રામજનો અને સરપંચના જણાવ્યા મુજબ ગ્રામ પંચાયતની ઠરાવ બુક ઉપર આજ સુધી જમીન એકલવ્ય રેસિડેન્સી શાળા માટે ફાળવણી કરવા ઠરાવ થયો નથી. દરમિયાન ધારાસભ્ય મોહનભાઈ ધોડિયા આવ્યા હતા અને અધિકારીઓ અને ગ્રામજનો સાથે વાતચીત કરી હતી. હાલ જમીન ફાળવણી મુલતવી રાખી હોવાનું જાણવા મળ્યું છે. મામલતદાર તેજલબેન પટેલનો સંપર્ક થઇ શક્યો ન હતો. દાદરિયાના ગ્રામજનો દ્વારા ધારાસભ્યની રૂબરૂમાં જમીનનો કબજો લેવાનું મુલતવી રાખવાનું લખાણ મંગાયુ ત્યારે ધારાસભ્ય ફૂલ ફોર્મમાં હોવાનું દેખાયું હતું અને જણાવ્યું હતું કે લખાણ બખાણ ના થાય, હું જ લખાણ છું, એમ જાહેરમાં કહી પોતાના ઉપર વિશ્વાસ રાખવાનું ગ્રામજનોને જણાવ્યું. મોહનભાઈએ જણાવ્યું હતું કે 2019માં એકલવ્ય શાળા માટે હુકમ કરાયો ત્યારે ઠરાવ કરવામાં આવ્યો તો ગ્રામ પંચાયતની મંજૂરી કે ગ્રામસભાના ઠરાવ લેવો જોઈએ, જે મંજૂરી લેવામાં આવી નથી. એ સરકારની ભૂલ છે, લોકોનો આક્રોશ થાય તેમાં નવાઈ નહીં. સ્થાનિક કાર્તિક ચૌધરીએ જમીન ફાળવણી અંગે ગ્રામ પંચાયતનો ઠરાવ અને ગ્રામસભાની મંજૂરી મેળવી હોય તો બતાવાનો અધિકારીઓને જણાવતા પ્રયોજના અધિકારીની કચેરીમાંથી આવેલ અધિકારીએ આરટીઆઈ કરી કાગળો મેળવવા માટે જણાવ્યું હતું. આ બાબતે ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે ગ્રામ પંચાયતની ઠરાવ બુકમાં કોઈ ઠરાવ થયા નથી, તો તમારી પાસે ઠરાવ આવ્યા ક્યાંથી એ બાબતે અધિકારીઓ પણ અવઢવમાં આવી ગયા હતા.

Related Articles

Back to top button